SURAT

દમણ જઈ પાર્ટી કરવાનો શોખ સુરતના બે વિદ્યાર્થીઓને ભારે પડ્યો, જેલ ભેગા થયા

સુરત: પાર્ટી (Party) સાથે મોજશોખ પૂરા કરવા વાહન ચોરીના રવાડે ચઢેલા સુરતના (Surat) બે કોલેજ સ્ટુડન્ટ (Student) સહિત ચાર જણાને ઉધના પોલીસે (Police) ઝડપી પાડી જુદા જુદા પોલીસ મથકોમાં નોંધાયેલા વાહન (Vehicle) ચોરીના દસ જેટલા ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યા છે. આરોપીઓ પાસેથી ચોરીની દસ જેટલી મોટરસાયકલ કબ્જે લઈ વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે.

આ કેસમાં ઉધના પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં વધતા જતા વાહન ચોરીના ગુનાઓને અટકાવવા અને ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે પેટ્રોલિંગ કડક કર્યું હતું. તે દરમ્યાન ઉધના રોડ નંબર ચાર પરથી વગર નંબર પ્લેટની મોટર સાયકલ સાથે ચાર ઈસમો પકડાયા હતા. જેઓ પાસેથી મોટર સાયકલ અંગેના દસ્તાવેજી પુરાવાની માંગ કરતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો. પોલીસે શંકાસ્પદચારેયની પૂછપરછ હાથ ધરી હતી જેમાં મોટર સાયકલ ચોરીની હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓની પૂછપરછ પછી ચોરીની દસ મોટર સાયકલના ઉકેલ મળ્યા હતા. જે અલગ અલગ સ્થળો પર સંતાડવામાં આવેલી હતી. તમામ મોટરસાયકલ કબ્જે લઈ શહેરના ઉધનાના 3, ગોડાદરાનો 1, ડીંડોલીના 2, લીંબાયતના 2,ઉધના રેલવે અને સચિન પોલીસ મથકમાં નોંધાયેલ એક-એક મળી કુલ 10 વાહન ચોરીના ગુના ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી.

પોલીસે આરોપી આદિનાથ ઉર્ફે ગોલીયા યુવરાજકુમાર બોરસે મૂળ મહારાષ્ટ્રનો વતની છે તેના વિરુદ્ધ મહારાષ્ટ્રના આઝાદ નગર પોલીસ મથકમાં હત્યાના પ્રયાસના 3 ગુના નોંધાઇ ચુક્યા છે અને આરોપી સજા પણ ભોગવી આવ્યો છે. ઉપરાંત તેણે હાલ મહારાષ્ટ્રથી બે વર્ષ માટે તડીપાર પણ કરવામાં આવ્યો છે. આરોપી શ્યામકાંત ઉર્ફે શ્યામ ઉર્ફે ઋષિ અનિલ વૈરાડે બીએ પાસ સુધીનો અભ્યાસ કરી ચુક્યો છે. તેમજ આરોપી અમૃત ઉર્ફે કાલુ ભરત ઠાકરે પણ હાલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જ્યારે નિતીન ઉર્ફે આબા ઉખા બાગુલની પત્ની હાલ સગર્ભા છે અને પોતે ડીંડોલીનો રહેવાસી છે. તમામની ધરપકડ કરી હતી.

ઉધના પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓ દમણ જઈ પાર્ટી કરવાની સાથે પોતાના મોજશોખ પૂરા કરવાની ટેવ ધરાવે છે. જે પોતાની જરૂરિયાત પૂરી કરવા વાહન ચોરી કરતા હોવાની હકીકત પ્રાથમિક તપાસમાં સામે આવી છે. ઉધના પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની 10 મોટર સાયકલ મળી કુલ 2.75 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top