હાલની પરસ્થિતિમાં ખરાબ વા, વાવરને કારણે દવખાનામાં લાંબી કતારો જોવા મળે. દવા કરવી એટલે માંદગીનો ઉપચાર કરવો. દવા એ ઓસડ, મેડિસિન એક પ્રકારનું રસાયણ હોય છે. ક્યાંક વળી જડીબુટ્ટી તો વળી દુઆ, આશિષ કે આશીર્વાદ રોગનો ઉપચાર કરે. દવા ખાવી કે પીવી પડે. પ્રદૂષણ વધે તો રોગ વધે પણ દવા આપનાર ડૉકટર અને દવા કંપનીના માનસિક પ્રદૂષણને કારણે રોગ ઘટવાને બદલે વધે કે માનવવધ થાય ત્યારે લાખો પ્રશ્નો ઊભા થાય. અરે ભાઈ, કોના પર વિશ્વાસ કરવો? દવાની પડતર કિંમત નહિવત અને ગ્રાહકોને મોંઘા ભાવે દવા અપાય.
એક નિયમ મુજબ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરના પ્રિસ્ક્રીપશન વિના દવા મળતી નથી પણ સ્થિતિ ઉલટી છે. મોટાભાગના મેડિકલ સ્ટોરમાં માંગો તે, દવાનું નામ આપો એટલે સરળતાથી મળતી હોય છે. ક્યાંક તો દવાની મેન્યુફેકચર અને એક્સપાયરી તારીખ વાંચી ન શકાય તે રીતે ૫,૬ ટેબ્લેટ કાપીને આપી દેવામાં આવે છે. લોકો પણ દરકાર કરતાં નથી. વધુમાં કંઈ કેટલાય ડૉકટર સાહેબો તો નાની પ્લાસ્ટિકમાં સવાર, બપોર, સાંજ એમ ત્રણ દિવસની છુટ્ટી ટીકડીઓ આપે જેમાં દવા ક્યારે બની અને ક્યાં સુધી વાપરી શકાયની તારીખ જોવાનો પ્રશ્ન જ રહેતો નથી.
વળી કેટલાક દવાખાનામાં એવી દવા લખી આપવામાં આવે કે એકાદ મેડિકલ સ્ટોરમાં જ મળે, આખા શહેરમાં શોધો તો ન મળે. અમુક વ્યક્તિ તો વળી, દવાની હાલતી, ચાલતી દુકાન! નોકરીએ જવાના થેલામાં પેટ, માથું, શરીર દુખાવાની અને બધી જ ગોળીઓ રાખે. પોતે લે અને જરૂરિયાતમંદોને મફત આપે! માણસ આરોગ્ય માટે આટલો બધો બેદરકાર! દવા આપનાર સ્ટોર, ડૉકટર બધાની જ તપાસ કરવાનો સમય પાકી ગયો છે. ચેતતા નર-નારી સુખી, બાકીના બધા જ દુઃખી!
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.