Gujarat

આજથી સુજલામ સુફલામ જળ સંચય અભિયાનના તબક્કાની રાજ્યવ્યાપી શરૂઆત

GANDHINAGAR : રાજયવ્યાપી સુજલામ સુફલામ ( SUJLAM SUFLAM ) જળ અભિયાનનો ચોથો તબક્કો આવતીકાલ તા.૧ એપ્રિલ-ર૦ર૧ થી આરંભ થયો છે. સીએમ વિજય રૂપાણી ( CM VIJAY RUPANI) આવતીકાલે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવળી ગામેથી આ અભિયાન શરૂ કરાવ્યો હતો. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવળી ગામના તળાવને લોકભાગીદારીથી ઊંડા ઉતારવાની કામગીરીથી આ તળાવ ઊંડું થવાને પરિણામે ૧૦ લાખ ઘનફૂટ પાણી તળાવમાં ભરાવાની સંગ્રહ ક્ષમતા થશે.


સમગ્ર રાજ્યમાં આ અભિયાન આગામી તા.૩૧મી મે સુધી હાથ ધરાવાનું છે. આ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળસંગ્રહના મહત્વના કામોમાં તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમના ડિસીલ્ટીંગ અને રિપેરીંગ, હયાત જળાશયોનું ડિસીલ્ટીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, નહેરોની સાફસફાઇ, મરામત-જાળવણી તેમજ નદી, વોકળા, કાંસની સાફસફાઇને નદી પૂન: જિવીત કરવી જેવા વિવિધ કામો હાથ ધરવામાં આવે છે.

સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા ચરણ દરમ્યાન લોકભાગીદારીથી સ્વૈચ્છિક સંસ્થાઓ, ઊદ્યોગ ગૃહો, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ રાજ્ય સરકારના જાહેર સાહસો વગેરેના સહયોગથી કુલ રૂ. ૪૮,પ૬૪ લાખના ખર્ચે ૧૮,પ૮ર જળસંચય કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામોને પરિણામે અંદાજે ર૦ હજાર લાખ ઘનફૂટ જથ્થાનો જળસંગ્રહ ક્ષમતામાં વધારો થશે. આ બધા કામો માટે આશરે ૪પ૦૦ થી વધુ એક્ષેવેટર અને ૧પ૦૦૦થી વધુ ટ્રેકટર-ડમ્પર ઉપયોગમાં લેવાશે. ર૦૧૮ના વર્ષથી રાજ્યમાં શરૂ કરાવેલા આ જળ સમૃદ્ધિ અભિયાન સુજલામ-સુફલામ જળ અભિયાન અન્વયે છેલ્લા ૩ વર્ષમાં રાજ્યભરમાં જળસંગ્રહ સ્ત્રોતની સાફ-સફાઇ અને વૃદ્ધિ કરવાના કામોમાં ૧૬,૧૭૦ તળાવો ઊંડા કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, ૮૧૦૭ ચેકડેમ અને ૪૬ર જળાશયોના ડિસીલ્ટીંગ, રર૩૯ ચેકડેમના રીપેરિંગ, પ૬૮ નવા તળાવોનું નિર્માણ અને ૧૦૭૯ નવા ચેક ડેમ મળીને સમગ્રતયા ૪૧,૪૮૮ કામો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૩૮,૩ર૩ કિ.મી. લંબાઇમાં નહેરોની અને પ૧૧૩ કિ.મી. લંબાઇમાં કાંસની સફાઇ કરવામાં આવેલી છે.

સુજલામ સુફલામ જલ અભિયાનના કામો હેઠળ ખોદકામમાંથી નીકળતી જમીનનો ઉપયોગ નજીકના સરકારી કામો, ખેડુતોના ખેતરો અને અન્ય જાહેર કાર્યોમાં કરવામાં આવે છે. ખેડુતોને આ માટીના ઉપયોગ પર કોઈ રોયલ્ટી ચૂકવવી પડશે નહીં.આ જળ સંચય અભિયાનને કારણે રાજ્યભરમાં જળ સંગ્રહમાં વધારો થવાને કારણે ભૂગર્ભ જળ સપાટી વધી છે અને સ્થાનિક અને પશુધનનાં પીવાના પાણીની સમસ્યા સ્થાનિક સ્તરે ઉકેલી છે. ભૂગર્ભ જળસ્તરના વધારાને લીધે ખેત ઉત્પાદનમાં વધારો થયો છે અને પર્યાવરણમાં સુધારો થયો છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સ્તરે શરૂ થયેલ આ અભિયાનની કામગીરીને ધ્યાનમાં લઈને ગુજરાતના આ નવતર પ્રયોગની પ્રશંસા કરવામાં આવી છે. હવે, આ અભિયાનનો ચોથો તબક્કો રાજ્યભરમાં 1 એપ્રિલ, 2021 થી 31 મે, 2021 સુધી યોજાશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top