Madhya Gujarat

ચારુસેટમાં રાજ્ય કક્ષાની નર્સિંગ બેડમિન્ટન પ્રીમિયર લીગ યોજાઈ

આણંદ તા.1
ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન મણિકાકા ટોપાવાલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ (MTIN) દ્વારા રાજ્ય કક્ષાની નર્સિંગ બેડમિન્ટન પ્રીમિયર લીગ (NBPL) 2024 ની ત્રીજી સીઝનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પર્ધકોએ સિંગલ મેલ-ફિમેલ, ડબલ મેલ-ફિમેલ અને મિક્સ્ડ ડબલ જેવી 5 કેટેગરીમાં ભાગ લીધો હતો. સમગ્ર ગુજરાતની 27 સંસ્થાના 225 થી વધુ સ્પર્ધકોએ તમામ કેટેગરીમાં ભાગ લીધો હતો. વિવિધ કોલેજો અને હોસ્પિટલોના નર્સિંગ સ્ટાફે આ સ્પર્ધાનો આનંદ માણ્યો હતો. તમામ મેચો ખૂબ જ રસપ્રદ રહી હતી. આ NBPL દરમિયાન ફિઝિયોથેરાપી ટીમે સમગ્ર સ્પર્ધા દરમિયાન ખેલાડીઓની કાળજી લીધી હતી.
બેડમિન્ટનથી માનસિક અને શારીરિક આનંદ અનુભવાય છે. બેડમિન્ટન મનોરંજક અને સામાજિક પ્રવૃત્તિ છે જે દરેક વયના લોકો માણી શકે છે. NBPL સિઝન-3એ નર્સિંગ કર્મચારીઓમાં સ્પોર્ટ્સમેન સ્પીરીટ પ્રસ્થાપિત કરી હતી. બધા સ્પર્ધકોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા અને વિજેતાઓને ટ્રોફી અને રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. મિક્સ્ડ ડબલ કેટેગરીમાં સૌરભકુમાર કિરણભાઈ વણકર અને સંસ્કૃતિ દીક્ષિત વિજેતા અને વ્રુત હિતેશકુમાર ચૌહાણ અને ટર્નર શ્રેયસા રનર્સ અપ રહ્યા હતા. મહિલા ડબલ્સમાં ડાભી પ્રિયાંશી રાજેશકુમાર અને સુજાનબાનુ રફીકભાઇ સિંધી વિજેતા અને ટર્નર શ્રેયસા અને ટર્નર શ્રેયા રનર્સ અપ રહ્યા હતા. મેન્સ ડબલમાં સૌરભકુમાર કિરણભાઈ વણકર અને રાઠવા સાગર વિજેતા થયા હતા અને ડૉ. અનિલ શર્મા, પ્રિન્સિપાલ MTIN, રાઠોડ રાહુલ કિરીટકુમાર રનર્સ અપ રહ્યા હતા. વિમેન્સ સિંગલમાં દિશા આચાર્ય વિજેતા અને રનર અપ વિધિ પ્રજાપતિ રહી હતી. મેન્સ સિંગલમાં સૌરભકુમાર કિરણભાઈ વણકર વિજેતા અને રનર્સ અપ રાઠોડ રાહુલ કિરીટકુમાર રહ્યા હતા.
આ સ્પર્ધાના આયોજનમાં પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. આર.વી. ઉપાધ્યાય, રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલ દ્વારા સહકાર અને માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. પ્રિન્સિપાલ ડો. અનિલ શર્માના માર્ગદર્શન હેઠળ આયોજિત NBPL સીઝન-3ના સંયોજક સ્વપ્નદીપ ધનોપિયા હતા. MTIN આયોજક સમિતિની સખત મહેનત અને ટીમવર્કથી ઇવેન્ટ સફળ થઇ હતી.

Most Popular

To Top