વલસાડ : રાજ્ય સરકાર (State Govt) દ્વારા આશાવર્કર (Aaha Workar) અને ફેસિલિટેટરની લઘુત્તમ વેતનની (Minimum Wage) માગણી સરકારે સ્વીકાર કરી હતી અને આ મુદ્દે જીઆર પણ બહાર પાડ્યો હતો. જોકે વલસાડ જિલ્લાના કર્મચારીઓએ તેનો અસ્વીકાર કરી વલસાડ જિલ્લા પંચાયત હેડ ખાતે શનિવારે રજા હોવા છતાં મોટી સંખ્યામાં હાજર રહી પરિપત્રની હોળી કરી સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા. આજ દિવાળી, કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી સહિતનાં સૂત્રોચ્ચારો કર્યા હતા.
22 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા
આશાવર્કરો અને ફેસિલિટેટર કર્મચારીઓ ઇન્સેટીવ પ્રથા બંધ કરી રાજ્યની તમામ આશાર્વકરો અને ફેસિલિટેટરને લઘુત્તમ વેતન મુજબ ફિક્સ પગાર આપવાની માગણી પરત્વે દુર્લક્ષ સેવવામાં આવતા મહિલા શક્તિ સેનાના આદેશના પગલે 22 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે, જેને લઇ ગામડાઓમાં આરોગ્ય સેવા ખોરવાઈ ગઈ છે. વિશેષ કરી સગર્ભા મહિલાઓ, બાળકોને મુશ્કેલી ઊભી થઇ છે. બીજી તરફ સરકારે આશા વર્કરોને પ્રતિ મહિને રૂ.2500 અને આશા ફેસિલિટેટને રૂ.2000નો વધારો કરતો ઠરાવ કર્યો હતો. જોકે કર્મચારીઓ મહિલા શક્તિ સેનાના પ્રમુખ ચંદ્રિકાબેન સોલંકી સમિતિ સાથે થયેલી બેઠકમાં કરાયેલા નિર્ણયનો અમલની માગણી સ્વીકારવામાં આવે તો જ હડતાળનો અંત લાવવામાં આવશે, તેમ જણાવી વલસાડ ખાતે કર્મચારીઓએ ઉપસ્થિત રહી પરિપત્રની હોળી કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કર્યા હતા. વલસાડ જિલ્લા પ્રમુખ ઉમાબેને જણાવ્યું કે સરકાર માગણી પરત્વે ધ્યાન નહીં આપશે તો ચૂંટણી પરિણામો ઉપર અસર થશે તેવી ચીમકી આપી હતી.
ભરૂચની આશા વર્કર્સ સરકારના સમાધાનને લોલીપોપ ગણાવી આંદોલનની ચીમકી ઉચ્ચારી
ભરૂચ: છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં આશાવર્કર બહેનો વેતન વધારા સહિત અન્ય ભથ્થાં અને સુવિધાના મુદ્દે આંદોલન કરી રહી છે. સમાધાન રૂપે સરકાર દ્વારા તાજેતરમાં રૂ.૨૦૦૦ અને ૨૫૦૦ના વધારા સાથે અન્ય સુવિધા અંગેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જો કે, આ સમાધાનને લોલીપોપ ગણાવી આશાવર્કર્સને મંજૂર ન હોય તે સામે પુનઃ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. ભરૂચ જિલ્લા પંચાયત કચેરી ખાતે આશાવર્કર્સ શનિવારે બપોરે હાથમાં પ્લે કાર્ડ અને બેનરો સાથે એકત્રિત થઈ હતી. ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કરી સરકારના પરિપત્રની હોળી કરી હતી. આશાવર્કર્સ અને આશા ફેસિલેટેટર બહેનો માટે ઇન્સેન્ટિવ બંધ કરી લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવવાની માંગ કરી આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી હતી.