Gujarat

શિક્ષણ ક્ષેત્રના મુદ્દે જાહેર ચર્ચા માટેના ‘આપ’ના પડકારને ફગાવતા રાજ્યના શિક્ષણ મંત્રી વાઘાણી

આપના દ્વારા ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્ર અંગે જાહેરમાં ચર્ચા કરવા રાજયના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને આપવામાં આવેલા પડકારને રાજયના શિક્ષણ મંત્રી વાઘાણીએ ફગાવી દીધો છે.વાઘાણીએ કહ્યું હતું કે, શિક્ષણના માધ્યમ દ્વારા મીડિયા ટ્રાયલમાં રહેવાવાળા ‘આપ’ના લોકો પહેલાં 28 વર્ષ સુધી શાસનમાં આવે, પછી શિક્ષણની વાતો કરે. લોકશાહીમાં ચૂંટણી માટે ઘણાં મેદાન છે.

પણ, અમારે મન તો જનતા જનાર્દનની સેવા એ જ મેદાન છે, જનતા જનાર્દન જ અમારે મન ભગવાન છે. એટલે જ પ્રજાના અવિરત આશીર્વાદ સતત 28 વર્ષથી અમારા પર વરસી રહ્યા છે. સરખામણી કોઈ સાથે ન હોય. વિકાસના સૂચકાંકોમાં પ્લાનિંગ કમિશન, નીતિ આયોગના આધારે કોઈ પણ પ્રકારનું રેન્કિંગ મળતું હોય છે. ગુજરાત તમામ સેવાકીય ક્ષેત્રોમાં દેશભરમાં આજે અગ્રેસર રહ્યું છે, તે જાણીને આવા લોકોના પેટમાં તેલ રેડાય છે.

એટલે આવા પાયાવિહોણા આક્ષેપો કરીને ગુજરાતને બદનામ કરવા નીકળ્યા છે. એને રાજ્ય સરકાર ક્યારેય સાંખી લેશે નહીં. અન્ય કોઈ પણ રાજ્યને ગુજરાત સાથે સરખાવવાની વાત અસ્થાને છે. કેટલાક લોકો સત્તાના મદમાં અને નશામાં આવીને ‘અમે પંજાબ જીત્યા, અમે દિલ્હી બે વાર જીત્યા’ એવી વાતો કરે છે. આ બંને રાજ્યો પ્રત્યે અને ત્યાંની જનતા પ્રત્યે સન્માન છે જ, પરંતુ ગુજરાતની સમજું જનતાએ ભારતીય જનતા પાર્ટીની સરકારને 28 વર્ષ સુધી એકધારું શાસન આપ્યું છે.

કેશુભાઈના નેતૃત્વથી માંડીને વિજય રૂપાણી સુધી અને હવે સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યની પ્રજાએ ભાજપને મેન્ડેટ આપ્યો છે, એટલે સરખામણીનો કોઈ સવાલ જ નથી. આ સરખામણી ત્યારે જ શક્ય છે, જ્યારે કોઈ સતત 28 વર્ષ સુધી શાસનમાં રહી શકે. વાઘાણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ગુજરાત એ એવું કોઈ મેદાન નથી, જ્યાં કોઈને હીરોગીરી કરી શકે. માત્ર મીડિયામાં રહેવા માટે મીડિયા ટ્રાયલનો હિસ્સો બનવા માટે સતત અમુક લોકો આવી વાતો કરતા હોય છે. પણ, આ ગુજરાતની ધરતી છે અને આ ધરતીએ સમયે સમયે યોગ્ય વ્યક્તિને યોગ્ય પાઠ શીખવ્યો છે. જનતા જનાર્દન એ સૌથી મોટી શક્તિ છે.

Most Popular

To Top