ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.નિગમ)ના કર્મચારીઓના સાતમા પગાર પંચ સહિતના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા કર્મચારી સંગઠનોએ સરકારને આવતીકાલ સુધીમાં પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. જો પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આવતીકાલ તા. ૨૦મી ઓક્ટોબર મધ્યરાત્રિથી તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જશે.
અમદાવાદ ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ ખાતે એસટી નિગમના કર્મચારીઓના અલગ-અલગ ત્રણ કર્મચારી સંગઠનોની બેઠક મળી હતી. આ બેઠકમાં તેમના પડતર પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી સરકારને આ અંગેની જાણ કરવામાં આવી હતી, અને આ પ્રશ્નોનો ઝડપથી ઉકેલ આવે તેવી માગણી કરી હતી. સાથે જ નિગમના કર્મચારીઓએ એવી પણ ચિમકી ઉચ્ચારી છે કે, જો પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ૨૦મી ઓક્ટોબર મધ્યરાત્રિથી તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી પડશે, જેને પગલે એસટી બસના પૈડા થંભી જશે.
એસટી નિગમના કર્મચારીઓની મંગળવારે મળેલી બેઠકમાં કર્મચારી સંગઠનો દ્વારા પોતાના પ્રશ્નોને લઈને ઉગ્ર રજૂઆત કરાઈ હતી. ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ ખાતે કર્મચારીઓએ સૂત્રોચાર કરી પોતાની પડતર માંગણીઓના ઉકેલ માટે સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી.
દરમિયાનમાં કર્મચારી સંગઠનના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ એસટી નિગમના સંગઠનના કર્મચારીઓનું એક પ્રતિનિધિ મંડળ તાજેતરમાં જ નાણામંત્રીને મળ્યું હતું અને પ્રશ્નોની રજૂઆત કરી હતી. જોકે આ મુલાકાત દરમિયાન નાણામંત્રીએ કોઈ હકારાત્મક પ્રતિસાદ આપ્યો ન હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
એસટી કર્મચારીઓની આ છે માંગણી
એસટી કર્મચારીઓના વિવિધ પ્રશ્નોમાં સાતમા પગાર પંચ મુજબનો કંડકટર અને ડ્રાઈવરને પગાર ગ્રેડ આપવામાં આવે. નિવૃત્ત થતા કર્મચારીઓને 240 રજાનું રોકડમાં રૂપાંતર કરવામાં આવે. આ ઉપરાંત એસટી ચાલક અને કંડક્ટરના નાઈટ એલાઉન્સમાં માત્ર સો રૂપિયા આપવામાં આવે છે, જેમાં વધારો કરવામાં આવે તેમજ એસ.ટી.ના કર્મચારીઓના ફિક્સ પગારમાં 16 હજાર પગાર ચૂકવવામાં આવે છે, જેમાં મોટી અસમાનતા જોવા મળે છે.