હથોડા: સુરતથી (Surat) બગસરા (Bagsara) જઇ રહેલી જીજે ૧૮ ઝેડ૧૯૪૮ નંબરની મુસાફરો ભરેલી સરકારી એસટી (S.T) બસને (Bus) કોસંબા (Kosamba) નજીક હાઈવે પર આર.જે ૧૯ જીએફ 6200 નંબરની ટ્રક સાથે મોડી સાંજે અકસ્માત (accident) થતાં સરકારી બસની કેબિનનો ખુડદો બોલી ગયો હતો. ડ્રાઈવરને સામાન્ય ઇજા થવા સાથે મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો.
સુરતથી મુસાફરો ભરીને બગસરા વાયા વડોદરા જવા નીકળેલી સરકારી એસટી બસ કોસંબા નજીકના ધામરોડ હાઇવે પરથી મોડી સાંજે પસાર થતી હતી, ત્યારે હાઇવે પરથી પસાર થતી આરજે 19 જે.એફ નંબરની ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. ધડાકા સાથે અકસ્માત થતાં બસમાં બેસેલા મુસાફરોએ કંઈ અજુગતું બન્યાની દહેશત વર્તાઈ હતી. અકસ્માત સર્જાતાં ઘટના સ્થળે દોડી આવેલા લોકોએ બસમાંથી મુસાફરો તેમજ બસની કેબિનમાં ફસાયેલા બસના ડ્રાઇવરને બહાર કાઢવાની પ્રશંસનીય કામગીરી બજાવી હતી. આ અકસ્માતના પગલે હાઈવે ઉપર અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો.
કેવડિયા નજીક ઊભેલી ટ્રક સાથે હાઇવાનો અકસ્માત: હાઇવાચાલક કેબિનમાં ફસાયો
નર્મદા જિલ્લાના કેવડિયા-ગરુડેશ્વર ફોરલેન બનતાં મોટા હાઇવા બેફામ દોડી રહ્યા છે. ત્યારે ગુરુવારે ગોપાલપુરા ગામ નજીક મુખ્ય માર્ગ પર રસ્તા વચ્ચે ટ્રક મૂકી કોઈપણ જાતના સાઈન બોર્ડ લગાવ્યા વગર મજૂરો સફાઈની કામગીરી કરતા હતા. જેમાં હાઇવા રસ્તા વચ્ચે ઊભેલી ટ્રક સાથે અથડાતાં હાઇવાચાલકના બંને પગ કેબિનમાં દબાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. અને 108 એમ્બ્યુલન્સ મારફતે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો.