રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી. દ્વારા રાજ્યના પ્રજાજનોની સેવામાં ૪૩.૭ર કરોડ રૂપિયાના વિવિધ લોકાર્પણ-ખાતમુહૂર્ત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સીએમ વિજય રૂપાણીએ કર્યા હતા. વિવિધ વિસ્તારોમાં ૮ નવા બસ સ્ટેશન, ૧ એસ.ટી. વર્કશોપના મળીને કુલ રૂ. ર૮.ર૦ કરોડના કામોના લોકાર્પણ કર્યા હતા. આ ઉપરાંત તેમણે પાંચ ડેપો વર્કશોપ જે કુલ રૂ. ૧પ.પર કરોડના ખર્ચે નિર્માણ પામવાના છે તેના પણ ઇ-ખાતમુર્હૂત કર્યા હતા.
રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતે સામાન્ય-મધ્યમવર્ગીય-ગરીબ માનવીઓ માટેના પરિવહન સેવા માધ્યમ એસ.ટી.ના બસ મથકોને અદ્યતન એરપોર્ટ જેવા સુવિધાસભર, સુઘડ બસપોર્ટ તરીકે વિકસાવીને એક નવું મોડેલ દેશમાં પ્રસ્થાપિત કર્યુ છે. અગાઉના જર્જરિત બસ મથકો, ખખડધજ બસને બદલે સુવિધાસભર વોલ્વો, સ્લીપર કોચ, જી.પી.એસ સિસ્ટમ સાથેની બસ સેવાઓ અને અદ્યતન બસપોર્ટ પ્રજાની સેવામાં આપી રહ્યા છીએ.
તેમણે જણાવ્યું હતું કે ખાનગી ટ્રાવેલ્સ સેવાઓ નફાકારક રૂટ પર જ પોતાના રૂટ ચલાવતી હોય છે જ્યારે એસ.ટી નિગમ નફા કે નુકસાનનો વિચાર કર્યા વિના રાજ્યના દરેક ગામને જોડીને ઓછામાં ઓછી રોજની એક ટ્રીપ ગામને મળે અને ગરીબ, સામાન્ય માનવીને કનેક્ટિવિટીની સહુલિયત મળે તે રીતે કાર્યરત છે. રાજ્યના લાખો વિદ્યાર્થીઓને ૮૦ ટકા કન્શેસન પાસ આપીને તેમને અભ્યાસ પ્રવૃત્તિ માટે અવર-જવર અને ભાવિ કારકીર્દી ઘડતરમાં એસ.ટી. નિગમ મહત્વનું પ્રદાન કરે છે