હૈદરાબાદ : આઇપીએલમાં (IPL) ગુરૂવારે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) પ્લે ઓફ માટેની મહત્વની મેચમાં જ્યારે અહીં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે મેદાનમાં ઉતરશે ત્યારે બધાની નજર માજી કેપ્ટન વિરાટ કોહલી પર મંડાયેલી હશે. આરસીબી હાલમાં 12 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે અને પ્લે-ઓફમાં સ્થાન મેળવવા માટે તેણે પોતાની બંને મેચ જીતવી જરૂરી છે. 12 મેચમાં આઠ પોઈન્ટ સાથે નવમા સ્થાને રહેલું સનરાઇઝર્સ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયું છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે કેપ્ટન ફાફ ડુ પ્લેસિની સાથે, કોહલી ટોચના સ્કોર કરનારાઓમાંથી એક છે પરંતુ રાજસ્થાન રોયલ્સ સામે 18 અને મુંબઈ ઈન્ડિયન્સ સામે 1 રનને કારણે ઉપરાછાપરી બે નિષ્ફળતા પછી આ સ્ટાર બેટર સનરાઇઝર્સ સામે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રયત્ન કરશે. ડુ પ્લેસિ ફ્રન્ટથી ટીમને લીડ કરી રહ્યો છે અને આકર્ષક ફોર્મમાં છે, તેણે 57.36ની એવરેજથી 12 મેચમાં 631 રન સાથે તે ઓરેન્જ કેપ હોલ્ડર છે. તેના પછી કોહલી 438 રન સાથે આરસીબીનો સર્વશ્રેષ્ઠ બેટર છે, પરંતુ ડુ પ્લેસીસથી વિપરીત, કોહલી પૂરતો સાતત્યપૂર્ણ રહ્યો નથી અને કેટલીકવાર તેની સ્ટ્રાઈક-રેટ સાથે સંઘર્ષ કર્યો છે.