કોલકાતા: આઇપીએલની (IPL) આજે અહીં રમાયેલી પહેલી ક્વોલિફાયરમાં આક્રમક ઓપનર જોસ બટલરની 89 રનની ઇનિંગની સાથે જ કેપ્ટન સંજૂ સેમસન સાથેની 68 રનની ભાગીદારીની મદદથી રાજસ્થાન રોયલ્સે મૂકેલા 189ના લક્ષ્યાંકને ગુજરાત ટાઇટન્સે ડેવિડ મિલર અને હાર્દિક પંડ્યાની નોટઆઉટ શતકીય ભાગીદારીની મદદથી 3 વિકેટે કબજે કરીને મેચ 7 વિકેટે જીતવા સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી ગુજરાત ટાઇટન્સે શરૂઆતમાં જ ઇનફોર્મ સાહાની વિકેટ ગુમાવી હતી. તે પછી શુભમન ગીલ અને મેથ્યુ વેડે મળીને 72 રનની ભાગીદારી કરી હતી. જો કે આ બંનેની વિકેટ નજીકના ગાળામાં પડતા ગુજરાતે 85 રનમાં 3 વિકેટ ગુમાવી હતી. અહીંથી હાર્દિક પંડ્યા અને કિલર મિલરના નામથી જાણીતા ડેવિડ મિલરે મળીને 10 ઓવરમાં 106 રનની નોટઆઉટ ભાગીદારી કરીને ગુજરાતને 3 વિકેટે 191 રને પહોંચાડીને 7 વિકેટે જીત અપાવી હતી.
ટોસ હારીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત સારી રહી નહોતી, જો કે બટલર અને સેમસને મળીને તે પછી અર્ધશતકીય ભાગીદારી કરીને સ્થિતિ સુધારી હતી. આ ભાગીદારીમાં બટલર થોડો ધીમો રહ્યો હતો, જ્યારે સેમસન 26 બોલમાં પાંચ ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 47 રન કરીને આઉટ થયો હતો. પડ્ડીકલ પણ 20 બોલમાં 28 રન કરીને આઉટ થયો હતો અને તે પછી બટલરે પોતાની ઇનિંગને ઝડપી બનાવી હતી. પડ્ડીકલ 15મી ઓવરના પહેલા બોલે આઉટ થયો તે પછી બટલરની આક્રમક બેટીંગના કારણે રાજસ્થાને અંતિમ 5.5 ઓવરમાં 72 રન ઉમેર્યા હતા. બટલર અંતિમ ઓવરના પાંચમા બોલે 56 બોલમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 89 રન કરીને રનઆઉટ થયો હતો.