દરેક વ્યક્તિને પોતાનો અલગ મિજાજ, સ્વભાવ અને અંદાજ હોય છે. (આપના આપના અંદાજ!) સ્વભાવને આધારે વ્યક્તિની ઓળખ ઊભી થાય છે. એક સ્વભાવ જે સૌને નડે-અટકચાળો, ટીખળી સ્વભાવ. આ વ્યક્તિને રજમાંથી ગજ અને કાગમાંથી વાઘ કરવાની ફાવટ-આવડત. કોઈ પણ વાતને મીઠું-મરચું ભભરાવીને રજૂ કરે. એ સાંભળી ઘણાં બધાં લોકો આંટીમાં આવી જાય-લલચાય. આ વ્યક્તિ ખોટી ગપસપ એવી રીતે કરે કે અન્યોને એમાં સામેલ કરીને ખુશ કરી શકે. જો કે એના વિચારોમાં જે મલિનતા છે એનો ખ્યાલ સુદ્ધાં ન આવી શકે. વાત સરળ હોય અને સામે આવે ત્યારે સાવ વિપરીત રીતે વિસ્તાર પામી હોય. જ્યારે ચારિત્ર્યની વાત આવે ત્યારે સાચો માનવી પણ ટીખળખોરને લીધે, ઘડીભર બદનામ થઈ જાય. વાત-ગપસપમાં સામેલ થનારાઓને જ્યારે સત્ય વાત સામે આવે ત્યારે પ્રશ્ચાત્તાપ માટે ઘણું મોડું થઈ ગયું હોય છે. આ સમયે પેલો ટીખળખોર છટકી ગયો હોય છે.
બીજા કોઈની વાતો સાંભળીને વર્તન કરવાથી સહન કરવાની તૈયારી રાખવી પડે છે. સરવાળે વિચારીને વર્તન કરવું જોઈએ. બીજાની વાતમાં ત્વરિત આવી જવાની લેશમાત્ર જરૂર નથી. ખોટી ગપસપમાં કોઈક જીવનનો અંત પણ આવી શકે! આવા તોફાનીઓથી અંતર રાખવામાં સમજદારી છે, ભલે તે આપણાથી સિનિયર હોય.વર્તનમાં પરિવર્તન જરૂરી છે.
નવસારી -કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
સિક્કાની બીજી બાજુનું સત્ય
આપણી આંખ સામે જે દૃશ્ય દેખાય છે એને કોઈ પૂર્વગ્રહ વગર તટસ્થ રીતે જોઈ શકીએ છીએ ખરાં? આપણે જે જોઈએ છીએ એ જે તે ઘટનાનું સંપૂર્ણ ચિત્ર હોય જ એની કોઈ ખાતરી હોતી નથી. પરિણામે મગજ જે દૃશ્યનું વિશ્લેષણ કરે છે એને સત્ય માની લેવાની ભૂલ જાણતા – અજાણતા આપણાથી થઈ જાય છે. કોઈ ઘટનાને સમજવા તેના મૂળ સુધી જવાની ધીરજ અને સંયમ જરૂરી હોય છે. જે દેખાય છે એ જ હંમેશા સત્ય નથી હોતું. ન દેખાતી સિક્કાની બીજી બાજુ જોવાનો પ્રયત્ન સત્યની નજીક લઈ જાય છે. પહેલી નજરે જે દેખાય તે બધું સત્ય નથી હોતું. કોઈકે સાચું જ કહ્યું છે કે, બીડાયેલાં કમળોમાં ભમરા પણ હોય છે. અર્જુને કૃષ્ણને પૂછ્યું કે સત્ય શું છે, સત્યનો સ્વભાવ શું છે? કૃષ્ણનો જવાબ હતો કે જે તમને અમૃત જેવું લાગે છે તે પીશો તો ઝેર જેવું લાગશે, જે ઝેર જેવું લાગે છે તે પીશો તો અમૃત જેવું લાગશે.! કોઈ હસતા ચહેરાની ભીતર છૂપાયેલી પીડાને સમજવા માટે એના ઊંડાણ સુધી જવું પડે છે. “હાસ્ય કોઈના મુખે જોઈ તમે સુખ ધારો નહીં, છે ઘણાં એવા જે આંસુ સારે છે એકાંતમાં”
સુરત – સુનીલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે