સુરત: વિસકોસ ફિલામેન્ટ યાર્ન(Viscose Filament Yarn)નું ઉત્પાદન કરનાર સ્પિનર્સને એન્ટિ સબસીડી ડ્યૂટી લાગુ કરાવવામાં ગયા વર્ષે પછડાટ મળી હોવા છતાં સ્પિનર્સે હવે એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવા ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ એન્ડ રેમેડીઝ (DGTR)માં પિટિશન દાખલ કરી આયાતી વિસકોસ યાર્ન(Viscose Yarn)થી સ્પિનર્સને નુકસાન થતું હોવાનું કારણ રજૂ કરી એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવા માંગ કરી છે. પિટિશન DGTRએ દાખલ કરતાં નારાજ વિવર્સ દ્વારા ગુરુવારે ચેમ્બરમાં તાકીદની બેઠક યોજી 20 ઓક્ટોબર પહેલાં આ પિટિશનને પડકારવાનો નિર્ણય લીધો છે. 35 વિવિંગ સોસાયટી અને વિવર્સ સંગઠનો આ પિટિશનને પડકારશે.ચેમ્બરમાં વિવર્સની માંગને પગલે પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ બેઠક યોજી હતી. આ બેઠકમાં ફિઆસ્વી(Fiaswi)ના પ્રમુખ ભરત ગાંધી, આઇપીપી-આશિષ ગુજરાતી, ચેમ્બરની એન્ટિ ડમ્પિંગ-એન્ટિ સબસિડી કમિટીના ચેરમેન મયૂર ગોળવાલા, અગ્રણી વિવર સુરેશ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
પિટિશનને પડકારવા ચેમ્બરમાં બેઠક યોજાઈ
ફિઆસ્વીના પ્રમુખ ભરત ગાંધીએ જણાવ્યું હતું કે, આયાતી વિસકોસ યાર્ન પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવાની સ્પિનર્સની માંગ અયોગ્ય છે. મોટા ભાગની વિસકોસ ઉત્પાદક કંપનીઓ નફો રળી રહી છે. તેમને બિઝનેસમાં કોઈ ઇન્જરી થતી હોવાનું જણાતું નથી. ડોમેસ્ટિક સ્પિનર્સ 70 ટકા યાર્નનું ઉત્પાદન કરે છે. 30 ટકા જેટલું યાર્ન આયાત થાય છે. ડિમાન્ડ સામે ઉત્પાદન ઓછું છે. ચેમ્બરની એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી કમિટીના ચેરમેન મયૂર ગોળવાલાએ જણાવ્યું હતું કે, સ્પિનર્સે DGTRમાં નુકસાનીનો સમયગાળો કોવિડ-19ની પ્રથમ અને બીજી લહેર વખતનો દર્શાવ્યો છે. 2020-21માં વેપાર-ધંધા બંધ હતા. ત્યારે બધાને નુકસાન થયું હતું. વિવર્સને પણ મોટું નુકસાન થયું હતું. વાસ્તવમાં એન્ટિ ડમ્પિંગ ડ્યૂટીના નામે સ્પિનર્સ સિન્ડિકેટ રચી કૃત્રિમ રીતે વિસકોસ યાર્નના ભાવ વધારી વિવર્સનું શોષણ કરવા માંગે છે. વિવર્સ ડેટા સાથે સ્પિનર્સની પિટિશનને પડકારશે.
રેપિયર, વોટર જેટ, એર જેટ લૂમ્સ પાછળ કરોડોનું મૂડીરોકાણ કરનાર વિવર્સનો રોષ
પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલ, સુરતના સાંસદ અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શના જરદોશના પ્રયાસો થકી એન્ટિ સબસિડી ડ્યૂટી લાગુ થઈ ન હતી. ને વિવર્સને મોટી રાહત મળી હતી. જો ચીનથી આયાત થતાં વિસકોસ યાર્ન પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાગે તો વિસકોસ ફિલામેન્ટ યાર્નમાંથી મળતું ફેબ્રિક્સ મોંઘું થશે. હજારો વિવર્સની મુશ્કેલી વધશે. કારણ કે, વિવર્સે 60 લાખથી 1 કરોડ સુધીના હાઈ સ્પીડ પાછળ મોટું મૂડીરોકાણ બેન્ક વ્યાજથી કર્યું છે. આ બેઠકમાં રેપિયર, વોટર જેટ, એર જેટ લૂમ્સ પાછળ કરોડોનું મૂડીરોકાણ કરનાર વિવર્સનો રોષ, પિટિશનને પડકારવા બાબતે ચર્ચા થઈ હતી.