ટકારમા દેલાડ, મોસાલી, અંકલેશ્વર: (Ankleshwar) કોરોનાને કારણે છેલ્લા ઘણા મહિનાથી શાળા-કોલેજોમાં શિક્ષણકાર્ય બંધ કરીને ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં હાલ કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના પગલે સરકારે શિક્ષણને તબક્કાવાર અનલોક કરી પ્રથમ કોલેજો શરૂ કરી, ત્યારબાદ ધોરણ 10 અને 12 તથા ધોરણ 9 અને 11 ના વર્ગો શરૂ કરીને આગલા તબક્કામાં તારીખ 18 મી ફેબ્રુઆરીથી ધોરણ 6 થી 8ના વર્ગો પણ શરૂ કરવાની જાહેરાત કરી છે. સરકારની આ જાહેરાત સાથે જ 11 મહિનાના લાંબા સમયગાળા બાદ સમગ્ર રાજ્યમાં તમામ તાલુકામાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓ (School) ધમધમતી થઈ છે.
ડાંગમાં ધો. 6 થી 8ની પ્રાથમિક શાળાઓ શરૂ
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લામાં આજથી ધોરણ 6,7,અને 8માં ધોરણની શાળાઓ શરૂ કરવામાં આવી છે. કોરોના વાઈરસને ધ્યાનમાં લઈ બાળકોનું સ્ક્રિનિંગ કર્યા બાદ જ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે જ વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તેનું પણ શિક્ષકગણ દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ.સી.ભુસારા અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રભાઈ ઠાકરેનાં માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લાનાં આહવા, વઘઇ અને સુબિર તાલુકાનાં ગામડાઓમાં ધોરણ 6 થી 8નાં બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
11 માસ બાદ ખેરગામ તાલુકાની ૨૯ પ્રા. શાળામાં શિક્ષણનો પ્રારંભ
ખેરગામ: ખેરગામની કન્યા અને કુમાર શાળા ગયા વર્ષે તારીખ 17 માર્ચે બંધ થયા પછી 11 મહિના બાદ ગુરૂવારે શરૂ થઇ હતી. ખેરગામ કુમાર શાળામાં પણ આચાર્ય પ્રશાંત પટેલ તથા શિક્ષકગણે એસોપીનું પાલન કરીને શિક્ષણકાર્ય શરૂ કર્યું હતું. જેમાં ધો.૬ થી ૮ ના ૧૪૫ માથી ૭૫ શાળાએ આવ્યા હતાં . કુમાર અને કન્યાઓમાં સરસ્વતી મંદિરમાં ભણવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો .ખેરગામ તાલુકાની ૬ થી ૮ ની ૨૯ પ્રા.શાળામાં પહેલાં દિવસે ૧,૯૪૩ માંથી ૧,૩૬૭ વિદ્યાર્થીઓ હાજર થયા હતા.