Dakshin Gujarat Main

વાવાઝોડાએ દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું: જલાલપોરમાં 5.5, નવસારીમાં 4.8 ઇંચ વરસાદ

નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં ‘તૌકતે’ વાવાઝોડાની અસરને પગલે છેલ્લા 2 દિવસથી જિલ્લામાં ભારે પવનો અને વરસાદ યથાવત રહ્યો હતો. જેમાં આજે જલાલપોર તાલુકામાં 5.5 ઇંચ અને નવસારીમાં 4.8 ઇંચ વરસાદ (Rain) નોંધાયો હતો. નવસારી શાકભાજી માર્કેટની લારીઓને નુકસાન થયું હતું. સાથે જ કેટલીક જગ્યાએ વૃક્ષો અને ઇલેક્ટ્રિક થાંભલા જમીન દોસ્ત થયા હતા.

નવસારી જિલ્લામાં ‘તૌકતે’ વાવાઝોડાની (Cyclone) અસરને પગલે નવસારી જિલ્લામાં ભારે પવનો અને વરસાદ યથાવત રહ્યો હતો. આજે સવારથી જ ભારે પવનો સાથે વરસાદ પડી રહ્યો હતો. દરિયાકાંઠા નજીકના ગામોમાં ભારે પવનો ફુંકાવાને કારણે માછીવાડ ગામે 2 માળનું મકાન પડી ગયું હતું. કેટલાક ઘરોના પતરાઓ ઉડી ગયા હતા. જ્યારે શહેરમાં ઘણી જગ્યાઓ પર વૃક્ષ અને ઇલેક્ટ્રિક થાંભલાઓ પડી ગયા હતા. જેમાં નવસારીમાં પંડિત દિનદયાલ નગર નવીનગરીમાં આવેલો ઇલેક્ટ્રિક થાંભલો, મનો કોવિડ કેર સેન્ટર પાસે આવેલું વૃક્ષ, ડેપો પાસે આવેલા વૃક્ષ સહિત કેટલાક વિસ્તારોમાં વૃક્ષો અને થાંભલાઓ જમીન દોસ્ત થયા હતા. બીજી તરફ નવસારી શાકભાજી માર્કેટમાં ઉભેલી લારીઓને પણ નુકસાન થયું હતું. ભારે પવનો ફુંકાવાને કારણે શાકભાજી માર્કેટની લારીઓ પર બાંધેલી તાડપત્રીઓ ઉડી ગઈ હતી અને લારીઓ પણ ઉંધી થઈ ગઈ હતી. સાથે જ નવસારી-સુરત રસ્તા પર વિરાવળ ગામ પાસે રસ્તા વચ્ચે વૃક્ષ ધરાશાયી થતા વાહનોની લાંબી લાઈનો લગતા ટ્રાફિક જામ થયો હતો. પાલિકા તંત્ર અને ફાયર વિભાગની ટીમ દ્વારા ઝાડ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે શાકભાજી માર્કેટ ચાલુ ન હોવાથી તેમજ વૃક્ષો અને ઇલેક્ટ્રિક થાંભલા પડવાથી કોઈ જાનહાની થઈ ન હતી.

2 કલાકમાં જ જલાલપોરમાં 3.1 ઇંચ, નવસારીમાં 2.9 ઇંચ વરસાદ પડ્યો
બપોરબાદ નવસારીમાં 20 કિ.મી.થી વધુ ઝડપે પવનો ફૂંકાવા સાથે ધોધમાર વરસાદ પડવાનું શરૂ થયું હતું. જેના પગલે વીઝીબીલીટી નહી હોવાથી રસ્તા પર ચાલતા વાહનો માટે મુશ્કેલી ઉભી થઈ હતી. તો ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. જેમાં ખાસ કરીને નવસારી રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા હતા. જ્યારે બીજી તરફ નવસારી રેલવે ફાટક પર નવા ટ્રેક નાખવાનું કામ ચાલી રહ્યું હોવાથી રેલવે ફાટક પણ બંધ રહેતા વાહન ચાલકો સહિત લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. બપોરે 2 વાગ્યેથી 4 વાગ્યે સુધી 2 કલાકમાં ધોધમાર વરસાદ પડતા જલાલપોર તાલુકામાં 76 મી.મી. (3.1 ઇંચ), નવસારી તાલુકામાં 71 મી.મી.(2.9 ઇંચ) અને ગણદેવી તાલુકામાં 25 મી.મી.. (1 ઇંચ) વરસાદ પડ્યો હતો.

જિલ્લામાં 24 કલાકમાં પડેલો વરસાદ
જલાલપોર 5.5 ઇંચ
નવસારી 4.8 ઇંચ
ખેરગામ 3.7 ઇંચ
ગણદેવી 3.2 ઇંચ
ચીખલી 2.3 ઇંચ
વાંસદા 0.7 ઇંચ

નવસારીમાં વરસાદ પડતા સાડા છ ડિગ્રી તાપમાન ગગડ્યું
નવસારીમાં વરસાદ પડતા તાપમાન સાડા છ ડિગ્રી ગગડ્યું હતું. મંગળવારે મહત્તમ તાપમાન 6.7 ડિગ્રી ગગડતા 27.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 4.5 ડિગ્રી ગગડતા 21.5 ડિગ્રી નોંધાયું હતું. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 96 ટકા હતું. જે બપોર બાદ વધીને 100 ટકા થયું હતું. જયારે દક્ષિણ-પૂર્વ દિશાએથી 21.1 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.

નવસારી-સુરતના વિરાવળ પાસે રસ્તા વચ્ચે વૃક્ષ ધરાશાયી થતા વાહનોની લાઈન લાગતા ટ્રાફિક જામ

ખેરગામ : ‘તૌકતે’ વાવાઝોડાની ખેરગામ તાલુકામાં પણ અસર જોવા મળી હતી. સોમવારે શરૂ થયેલા પવન અને વરસાદમાં કેટલાક ઘરના પતરાં તૂટ્યા હતા, તો ઘર ઉપર ઝાડ પડ્યાની ઘટના બની તો બીજી બાજુ વિજપોલ ટ્રાન્સફોર્મર સહિતને નુકશાન થાયુ હતું. રાત્રે આવેલા પવનમાં અનેક જગ્યાએ લાઈનમાં ફોલ્ટ થવાથી મંગળવારે સવારથી વીજ પુરવઠો બંધ રહ્યો હતો. પવનના કારણે સરસિયા ફળીયાના કુંવરભાઈ પટેલના ઘરના પતરા ભારે પવનમાં ફંગોળાયા હતા. સરસિયા તાળ ફળિયાના જશવંતભાઈ પટેલનો પરિવાર ગતરાત્રીએ ઘરમાં સૂતો હતો તે દરમ્યાન રાત્રે વાવાઝોડા સાથે આવેલા પવનમાં ઘરની બાજુમાં આવેલું નાળીયેલીનું વૃક્ષ તૂટીને ઘર ઉપર પડતા ઘરના પતરાં સહિત ઘરની સામગ્રીને નુકશાન થયું હતું. સોમવારે નારણપોર ગામે વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર તૂટી પડ્યું હતું, તેમજ ગતરાત્રીએ વાડ ગામે ત્રણ વિજપોલ તૂટી પડ્યા હતા. અનેક જગ્યાએ વીજલાઈનમાં ફોલ્ટ થતા વીજ પુરવઠો સતત આવ જાવ થતો હતો, આજે સવારથી જ ખેરગામ વિભાગમાં મરામતની કામગીરી થતા વીજ પુરવઠો બંધ રહ્યો હતો.

ગણદેવી તાલુકામાં 11 ગામનાં 16 મકાનોનાં પતરા- છાપરાં, 17 સ્થળે 42 વીજપોલ ધરાશાયી

બીલીમોરા, નવસારી : ગણદેવી તાલુકામાં સોમવારની રાતથી મંગળવાર સુધી ચક્રવાતી વાવાઝોડું ‘તાઉતે’ ખાનાખરાબી સર્જી દીધી છે. જેમાં 11 ગામનાં 16 મકાનોનાં પતરા- છાપરાં અને 17 સ્થળે 42 વિજપોલ ધરાશાયી થયાં હતાં. જ્યારે અનેક સ્થળે વૃક્ષ, ડાળી અને વીજતાર તૂટ્યા હતા. જેને કારણે લોકોની હાલાકીમાં વધારો થયો હતો. વૈશાખમાં અષાઢી માહોલ સર્જાતા કેરી અને ડાંગર પાક નિષ્ફળ જતા જગત બેહાલ બન્યો છે. તો બીલીમોરા ડેપોએ તમામ બસો સ્થગિત કરતા રોજિંદા મુસાફરો અટવાયા હતા.

ગણદેવી તાલુકામાં કુદરતી આફતે કાળો કેર વર્તાવ્યો હતો. સવા ત્રણ ઇંચ વરસાદ સાથે ફૂંકાયેલા પવનને પગલે 11 ગામ કલમઠા, મેંધર, દુવાડા, સાલેજ, વાઘરેચ, માસા, પોસરી, ભાઠા, બીગરી, છાપર, મોરલી, કોથામાં 16 ઘરોનાં છાપરા ઉડ્યા હતા. જ્યારે મેંધર-ભાટ ગામે 15, ધોલાઈ-15, ભાગડ-5, માછીયાવાસણ-2, વેડછા-2, ગંઘોર-2, ખેરગામ-2, દેસાડ, પાથરી, વલોટી, પીપલધરા, આંતલીયા, બીલીમોરા બંદર, દેસરા, શિવશક્તિ રો હાઉસ સહિત ઠેરઠેર વિજપોલ અને વિજતાર તૂટ્યા હતા. મેંધર, ભાટ અને ધોલાઈ ગામે અંધારપટ સર્જાયો હતો. ગણદેવી તાલુકો બાગાયતી વિસ્તાર છે જ્યાં તૈયાર આંબાપાક લણણી સમયે વરસાદ અને પવન તોફાનને કારણે કેરી પડી જતા વ્યાપક નુકશાન થયું હતું. તૈયાર ડાંગર પાક પલળી ગયો હતો. બીલીમોરા ડેપોએ તમામ બસો જે તે ડેપો ઉપર અટકાવી, તમામ ટ્રીપો સ્થગિત કરી દીધી હતી.

Most Popular

To Top