સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં લાંબા અંતરાલ બાદ વરસાદ પડતા સમગ્ર પંથકોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતું. જિલ્લામાં લાંબા અંતરાલ બાદ વરસાદ પડતાં ખેડૂતોમાં (Farmers) ખુશીની લહેર છવાઈ હતી. બીજી તરફ દક્ષિણ ગુજરાતનાં વલસાડ, વાપી, નવસારીમાં પણ વરસાદ નોંધાયો હતો.
જૂન મહિનાનાં પ્રારંભમાં ડાંગ જિલ્લામાં ચોમાસા (Monsoon) ઋતુનું આગમન થયું હતું. ત્યારબાદ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વરસાદ (Rain) લંબાઈ જતાં ડાંગી જનજીવન વિમાસણમાં મુકાયું હતું. તેવી સ્થિતિમાં શનિવારે ગિરિમથક સાપુતારા, શામગહાન, આહવા સહિત પૂર્વપટ્ટી અને સરહદીય વિસ્તારોમાં વરસાદી માહોલે દસ્તક દેતાં સર્વત્ર પંથકોમાં પાણીની રેલમ છેલ ફરી વળી હતી. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વરસાદી માહોલે દસ્તક દેતાં જનજીવને રાહત મેળવી હતી. ગિરિમથક સાપુતારા ખાતે પણ હળવો વરસાદ નોંધાતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બન્યું હતું. સાથે સાપુતારા ખાતે ફરવા આવેલા પ્રવાસીઓએ વરસાદી માહોલમાં તરબતર બની પ્રકૃતિની મજા માણી હતી.
વલસાડ જિલ્લામાં 5 મીમી વરસાદથી વાતાવરણમાં પલટો
વાપીમાં 12, પારડીમાં 4, ધરમપુર – કપરાડામાં 3-3 મીમી વરસાદ, ઉમરગામ તાલુકો સુકો રહ્યો
વલસાડ : વલસાડમાં શુક્રવારની રાતથી સમગ્ર જિલ્લામાં હળવા વરસાદી ઝાપટા શરૂ થયા છે. જેની સાથે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવી ગયો હતો અને ચોમાસુ બેસી ગયું હોવાની અનુભૂતિ થઈ હતી. વલસાડમાં છેલ્લા 14 કલાક દરમિયાન સરેરાશ 5 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે ગરમીમાં પણ થોડી રાહત થઇ છે.
વલસાડમાં શુક્રવારે રાત્રે 2 વાગ્યાથી શનિવારે સાંજે 4 વાગ્યા સુધીના 14 કલાક દરમિયાન વલસાડ તાલુકામાં 10 મીમી, પારડી તાલુકામાં 4 મીમી, વાપી તાલુકામાં 12 મીમી, ધરમપુર તાલુકામાં 3 મીમી અને કપરાડા તાલુકામાં 3 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉમરગામ તાલુકો સુકો રહ્યો હતો. વલસાડ જિલ્લામાં મહત્તમ વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા બાદ વાતાવરણ વાદળછાયું રહ્યું હતુ. જેના કારણે આકરી ગરમી નહી, પરંતુ વાદળી તાપની અનુભૂતિ થઇ હતી.
ચીખલી પંથકમાં કાળા દિબાંગ વાદળોના ઘેરાવા સાથે વરસાદી ઝાપટું
ઘેજ : ચીખલી પંથકમાં વહેલી સવારથી કાળા દિબાંગ વાદળોના ઘેરાવા સાથે વાતાવરણ જામ્યું હતું. પરંતુ ઝાપટાને બાદ કરતા મેઘાએ જમાવટ નહીં કરતા ખેડૂતોમાં નિરાશા સાંપડી હતી. જો કે બફારામાં રાહત થઇ હતી. ધરતી પુત્રો ચોમાસાના વિધિવત આગમનની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. ડાંગરના ધરૂની વાવણી સહિતના ખેતીના કામો માટે ખેડૂતો તૈયારી કરીને બેઠા છે અને જૂન માસ અંતિમ તબક્કામાં હોવા છતાં મેઘરાજાની વિધિવત પધરામણી થઇ નથી. છેલ્લા કેટલાક દિવસોથી સામાન્ય ઝાપટા સાથે સૂરજદાદાની સંતાકૂકડી જોવા મળી રહી હતી. આ દરમ્યાન શનિવારના રોજ વહેલી સવારથી જ કાળા દિબાંગ વાદળો ઘેરાવા સાથે વાતાવરણ ઘનઘોર બની જવા પામ્યું હતું અને ધોળા દિવસે રાત્રી જેવો માહોલ સર્જાયો હતો અને વરસાદ માટેનું વાતાવરણ બરાબર જામ્યું હતું.
પરંતુ બપોરના સમયે ધીમીધારે વરસાદનું ઝાપટુ આવ્યા બાદ બંધ થઇ ગયો હતો. જો કે વાદળો છવાયેલા જ રહેવા સાથે વરસાદના ઝાપટાથી અસહય ઉકળાટભર્યા વાતાવરણમાંથી આમ લોકોને રાહત થવા પામી હતી.
હવે ચોમાસાના પ્રારંભ સાથે વાવણી લાયક વરસાદ માટે ધરતીપુત્રોએ કેટલો સમય વાટ જોવી પડશે તે જોવું રહ્યું.
નવસારીમાં વરસાદના અમી છાંટા વચ્ચે તાપમાન ગગડ્યું
નવસારી : નવસારીમાં આજે વરસાદના અમી છાંટા પડ્યા હતા. જેથી મહત્તમ તાપમાન 3.1 ડિગ્રી ગગડતા 31.5 ડિગ્રી નોંધાયું છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં નહિવત ડિગ્રીનો ઘટાડો નોંધાતા 27.8 ડિગ્રી નોંધાયું છે. પરંતુ વરસાદ બંધ થઇ ગયા બાદ બફારાનું પ્રમાણ વધી જતા લોકો પરસેવે રેબઝેબ થયા હતા.
શનિવારે નવસારીમાં મહત્તમ તાપમાનમાં 3.1 ડિગ્રી ગગડતા 31.5 ડિગ્રી નોંધાયું છે. જ્યારે લઘુત્તમ તાપમાન 0.2 ડિગ્રી ગગડતા 27.8 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 89 ટકા હતું. જે બપોરબાદ વધીને 92 ટકા જેટલું ઊંચું રહ્યું હતું. જોકે દિવસ દરમિયાન 6.5 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.
વાપીમાં વરસાદી માહોલ જામ્યો
વાપી : વાપીમાં શુક્રવારની રાત્રીના અચાનક હવામાનમાં પલટો આવ્યા બાદ વાદળો ઘેરાયા હતાં. મળસ્કે સાડા ત્રણેક વાગ્યાની આસપાસ જોરદાર વરસાદ પડ્યો હતો. જેને લઈ વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી. શનિવારે સવારથી જ ક્યારેક-ક્યારેક વરસાદી ઝાપટાઓ પડ્યા હતા અને માર્ગો ઉપર ક્યાંક-ક્યાંક પાણી ભરાયેલા જોવા મળ્યા હતાં. દિવસભર વાદળછાયું વાતાવરણ વચ્ચે હવા ચાલુ રહેતા ગરમીથી રાહત અનુભવાઈ હતી. અચાનક આવી પડેલા વરસાદને પગલે થોડીકક્ષણ માટે માર્ગો સૂમસામ બની જતા હતાં.