સાપુતારા: (Saputara) દક્ષિણ ગુજરાતમાં ઠેર-ઠેર શિવાલયોમાં (Temple) નંદીની પ્રતિમાને ચમચીથી દૂધ અને પાણી (Milk And Water) પીવડાવવા માટે ભક્તોની ભારે ભીડ જામી રહી છે. ડાંગ જિલ્લાનાં શિવાલયોમાં ગતરોજ અને આજરોજ નંદીજીની પ્રતિમાનું મુખ ભક્તોનાં હસ્તેથી પાણી ચૂસી લેતા ભારે ઉત્સુકતા સર્જાઈ હતી. આધુનિક યુગમાં ખરેખર ચમત્કારો સર્જાઈ છે કે પછી માનવીની ખોટી ભ્રામક માન્યતાઓ જે કળવુ મુશ્કેલ બની ગયુ છે.
ગતરોજ અને આજરોજ ડાંગ જિલ્લાનાં મોટા ભાગનાં શિવાલયોમાં ભક્તોને સાક્ષાત ચમત્કાર જોવા મળ્યા. ડાંગ જિલ્લાનાં મંદિરોમાં મહાદેવનાં નંદીજીની પ્રતિમાનું મુખ ભક્તો દ્વારા અર્પણ કરાયેલ જળ ચૂસી લેતા ભારે ઉત્તેજના સર્જાઈ હતી. ડાંગ જિલ્લામાં શિવાલયોમાં નંદીજી પાણી પી રહ્યાની વાત સામે આવતા રાત્રે અને આજરોજ દિવસે ભક્તોની ભીડ જામી હતી. અગાઉ શ્રીજીની પ્રતિમા દૂધ પી રહી હોવાનું સામે આવ્યુ હતુ. જ્યારે ગતરોજ અને આજરોજ ડાંગ જિલ્લાનાં શિવાલયોમાં નંદીજી સાક્ષાત જળ ગ્રહણ કરતા સોશિયલ મિડીયા અને સ્થાનિકોમાં ચમત્કારની અનેક ચર્ચાઓ સાંભળવા મળી હતી. ડાંગ જિલ્લાનાં શામગહાન સહીત માલેગામ વિસ્તારનાં ભક્તોએ જણાવ્યુ હતુ કે નંદીજી દૂધ નહી પણ માત્ર પાણી પી રહ્યા છે. ત્યારે આધુનિક યુગમાં આ ચમત્કાર કહી શકાય કે લોકોની ભ્રમણા તે અંગે સ્પષ્ટ કહી શકાય તેમ નથી.
નવસારીના વિવિધ મંદિરોમાં નંદી દૂધ પીતી હોવાનો વિડીયો વાઈરલ
નવસારી : નવસારીમાં વિવિધ જગ્યાએ મહાદેવના મંદિરો આવ્યા છે. જે મંદિરોમાં ભક્તોના દર્શનાર્થે નંદીની મૂર્તિ પણ મૂકી હોય છે. ત્યારે નવસારીના મંદિરોમાં અજીબ ઘટનાનો વિડીયો વાઈરલ થઇ રહ્યો છે. ગતરાતથી મંદિરોમાં નંદીની મૂર્તિને ચમચી દ્વારા દુધ પીવડાવતા હતા. અને નંદીની મૂર્તિ દૂધ પી રહી હોવાનો વિડીયો વાઈરલ થઇ રહ્યો હતો. આ ઘટનાને પગલે મંદિરોમાં લોકોનું ટોળું ભેગું થયું હતું. અને નંદીની મૂર્તિને દૂધ પીતા જોઈ ધન્યતા અનુભવી હતી.
ભરૂચ જિલ્લાના શિવાલયોમાં લોકો નંદીને દૂધ-પાણી પીવડાવવા ધસી ગયા
ભરૂચ: થોડા વખતો પહેલા વિગ્નહર્તા ગણેશ દૂધ પીતા હોવાની વાત વહેતી થતાં લોકો મંદિરોમાં ઘસી જઈ ચમચીથી શ્રીજીને દૂધ પીવડાવ્યું હતું. ત્યાં શનિવારે ભરૂચના નર્મદા મૈયા બ્રિજના છેવાડે આવેલા પાર્થેશ્વર મહાદેવના મંદિરે તેમજ અંકલેશ્વરના ગડખોલના મહેન્દ્રનગર વિસ્તારમાં આજુબાજુમાં આવેલા ગામડા વિસ્તારના શિવાલયોમાં નંદી મહારાજ દૂધ પીતા હોવાની વાત પ્રસરી હતી. નંદી મહારાજને અનેક લોકો દૂધ પીવડાવવા માટે આવ્યા હતા. સોશિયલ મીડિયામાં આ મેસેજ ફરતાં થતાં મહાદેવના ભક્તો પોતાની ઇચ્છાઓ પુરી થાય તે માટે નંદી મહારાજને પાણી પીવડાવવા માટે શિવાલયોમાં પહોંચીને લાંબી કતારમાં જોવા મળ્યાની વિગતો પણ મળી છે.