વ્યારા: સોનગઢ (Songadh) તાલુકામાં પીવાનું પાણી (Drinking Water) પહોંચાડવા માટે પાણી પુરવઠા વિભાગ, વાસ્મોની કચેરી ઉપરાંત ટ્રાઇબલની કચેરીમાંથી કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. પણ ગામડાઓમાં ઘરે ઘરે નળોમાં પાણીને બદલે ભ્રષ્ટાચારની ગંગોત્રી વહેતી જોવા મળી છે. પાંચપીપળા ગામનાં અનેક ઘરોમાં પાણી પહોંચ્યુ નથી. મોટુ ફળિયુ, ચૌધરી ફળિયા સહિતનાં વિસ્તારમાં વાસ્મોની યોજના હેઠળ પાણી પહોંચાડવા નલ સે જલની યોજનાનાં પાઇપો મુકી રાખ્યા છે. પણ કોન્ટ્રાક્ટરની કોઇ કામગીરી દેખાતી નથી. અહીં ઘરે ઘરે પાણી પહોંચાડવાનાં દાવાઓ કરાયા પણ પરિસ્થિતિ જુદી છે. સરકાર લોકોને પાણી પહોંચાડવા કરોડો રૂપિયા વેડફી રહી છે, પણ લોકો સુધી પાણી પહોંચતું નથી. અધિકારીઓની મનસ્વીયતાથી ચોક્ક્સ આયોજન વિના આડેધડ થતી નલ સે જલની યોજના પણ અહીં ધોળા હાથી સમાન પુરવાર થઈ છે.
અગાઉ સમ્પ બનાવ્યું હતું, જેમાંથી પાણી પહોંચાડવાનાં દાવાઓ કરાયા હતા. આ સમ્પમાંથી ઘરે ઘરે નળો સુધી પાણી પહોંચાડવાનું કામ વાસ્મોની કચેરીએ કરવાનું હોય છે. પણ ટાંકા બની જાય તો ઘરોમાં નળો ગોઠવાતા નથી અને નળો ગોઠવાઈ જાય તો સમ્પમાંથી પાણી પહુંચતુ નથી. ટાંકાનું કામ અધુરૂ છે. પાણી પુરવઠાનાં અધિકારીઓ સમ્પ બનાવી જ્યારે વાસ્મો ઘરે ઘરે નળો મુકી પાણી પહોંચાડવાનો સંતોષ માણી રહી છે. પણ ગ્રામજનો સુધી હજુ પાણી પહોંચતું નથી. પાંચપીપળા ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા વરસાદ સમય પાણીની મોટી ટાંકી બનાવવાનું કામ શરૂ કરાયું છે. પરંતુ આ ગામે પાણીની ઘરે ઘરે નળો મુકવા માટેની મોટાભાગની પાઇપ લાઇનો હજુ ખેંચાઈ નથી. ગામમાં નધણિયાત હાલતમાં પડેલાં પાઈપ તેની સાક્ષી પુરી રહ્યા છે. આ ગામમાં વર્ષો પહેલા પાઇપ લાઇન ખેંચી હતી તેના નળો પણ તુટી ગયા છે. ઠેર ઠેર પાઇપલાઇનમાં પણ ભંગાણ સર્જાયુ હોય કોઇ પણ સંજોગે આ પાણીની ટાંકી બનાવ્યા બાદ પણ વાસ્મોની નલ સે જલની યોજનાનાં આ અધુરા કામને કારણે લોકો સુધી પાણી પહોંચાડી શકાય તેમ નથી.
ઉંચી ટાંકીનાં સ્થળે કોંક્રીટની કોમ્પ્રેસીવ સ્ટ્રેંથની ચકાસણી કરવી જરૂરી
વ્યારા: પાંચપીપળા ગામે ચોમાસામાં પાણી પુરવઠા વિભાગે ઉંચી ટાંકી બનાવવાનું કામ શરૂ કર્યુ છે. જેથી આ ટાંકીનાં બાંધકામની ગુણવત્તાને લઈને પણ સવાલો ઉભા થયા છે. જેથી ટાંકીનાં સ્થળે કોંક્રીટની કોમ્પ્રેસીવ સ્ટ્રેંથની ચકાસણી કરવી જરૂરી બની છે. જો ક્યુબ બનાવી તેનાં મટેરિયલ્સની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે તો હલ્કી ગુણવત્તાનું વપરાતુ મટેરિયલ્સ અને નબળી કામગીરીની પોલ ખુલી જાય તેમ છે.
સમ્પ ફળિયા પુરતું સિમિત રહેતા ઉંચી ટાંકી બનાવવામાં આવી : રાકેશ વસાવા
વ્યારા: સ્ટાફની અક્ષત છે, જેથી કામ સ્થળે રોજે જવાનું થતું નથી. પણ કોઇને કોઇ કર્મચારી વિઝિટ કરતા હોય છે. અગાઉ વર્ષો પહેલા બોરીસાવર યોજના હેઠળ સમ્પ બનાવવામાં આવ્યું હતું. તે ફળિયા પુરતી સિમિત રહેતા હાલ ટાંકી બનાવવામાં આવી રહી છે. જેનું કામ માર્ચ ૨૦૨૩ સુધી પુર્ણ કરવાનું છે. કામ સ્થળે મટેરિયલ્સની ગુણવત્તા ચકાસવા વરસાદ સમયે થયેલી કામગીરીના ક્યુબ પણ બનાવવામાં આવ્યા છે. જો કોઇ ફરિયાદ હોય તો સ્થળ મુલાકાત લઉ છું. એમ સોનગઢ પાણી પુરવઠા વિભાગના ડી.ઈ. રાકેશભાઇ વસાવાએ જણાવ્યું હતું.