સોનાક્ષી સિંહા નિવૃતિ જાહેર કરશે કે પરણી જશે? આમ જુઓ તો તેના માટે પરણી જવું પોતે જ નિવૃતિ જાહેર કરવા જેવું થઈ જશે. નિવૃતિ જાહેર કરવાની થોડીક આત્મસમ્માન ભરી લાગે એ રીતે પરણી જવાની છે. જોકે તે તેના લગ્નની વાત શું એકાદ પ્રેમ પ્રકરણની વાત પણ બહુ જાહેર થવા દેતી નથી. જેઓ આટલું છૂપાવી શકે તે તો રાજકારણમાં ચાલી શકે પણ શત્રુધ્નસિંહાની દિકરી એવું કરે એમ લાગતું નથી જો તે છૂપાવતી ન હોય તો એવું સમજી શકાય કે તે કોઈના પ્રેમમાં જ નથી અને એવું સમજીએ તો થાય કે સોનાક્ષી જેવીને ચાહનારું કોઈ મળ્યું જ નહીં? યે તો બહુત બડી નાઈન્સાફી હે. જો કે અર્જૂન કપૂર મલાઈકા જોડે રિલેશનમાં નહોતો તે પહેલાં સોનાક્ષીના પ્રેમમાં હતો એવું કહેવાય છે પણ એ વાત તો તેઓ ‘તેવર’માં સાથે કામ કરતા હતા ત્યારની છે. અમુક લવસ્ટોરી એવી હોય છે કે કોઈ ફિલ્મના સેટ પર શરૂ થાય અને એ ફિલ્મનું છેલ્લું દ્રશ્ય ફિલ્માવાતું હોય તેની સાથે પુરી થઈ જાય. અર્જૂન બાબતે એવું જ બન્યું.
પણ હા, જે સલમાનની ફિલ્મથી સોનાક્ષી ફિલ્મોમાં આવી એ સલમાનના ભાઈ સોહેલખાનના સાળાનું નામ બંટી સચદેવ છે અને કહે છે કે તે બંટીની બબલી બની જશે. બંટી સાથેનો તેનો સંબંધ આમ તો અર્જૂનથી ય પહેલાનો છે. તેઓ ‘દબંગ’ વખતે મળેલા અને પછી તો ‘દબંગ’ની સિકવલ પણ આવી ગઈ. બંટી એક સ્પોર્ટસ મેનેજમેન્ટ કંપનીનો સીઈઓ છે. વિરાટ કોહલી સાથે પણ તેને સારા સંબંધ છે. આ બંટી સોનાક્ષીની બર્થડે પાર્ટીમાં પણ દેખાતો હોય છે એટલે શક્ય છે કે સોનાક્ષી તેને પરણે. બાકી પોતાની પાસે વધારે ફિલ્મો જ ન આવતી હોય તો તે કરેય શું?
છેલ્લે બે વર્ષ પહેલા તેની ‘દબંગ-3’ રજૂ થયેલી. આજે પણ તે ‘દબંગ’ની ઓળખથી બહુ આગળ ન વધી હોય તો તેને નિષ્ફળ જ ગણલી જોઈએ. અલબત્ત તેના નામે ‘રાઉડી રાઠોડ’, ‘સન ઓફ સરદાર’, ‘વન્સ અપોન એ ટાઈમ ઈન મુંબઈ દોબારા’, ‘હોલી ડે’, ‘ઓલ ઈઝ વેલ’, ‘ટોટલ ધમાલ’, ‘મિશન મંગલ’ જેવી ફિલ્મો છે પણ તે એવી નથી કે જેની સફળતાનું શ્રેય સોનાક્ષીને મળે. તેની પાસે અભિનય પ્રતિભા નથી એવું ય નથી ને છતાં તેની પાસે પોતાની કહેવાય તેવી સફળતા ઓછી છે.
અત્યારે પણ તે ‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’માં રોકાયેલી છે જે ઘણો વખતથી ધીમી પડી ગઈ છે. અલબત્ત, તે એક મોટી ફિલ્મ છે પણ ઘણીવાર મોટી ફિલ્મો સોનાક્ષીને નાની કરી નાંખે છે. હા, આ સિવાય ‘બુલબુલ તરંગ’ છે જેમાં તાહિર રાજ ભસીન અને રાજ બબ્બર છે. આ ફિલ્મ જરૂર સોનાક્ષીને કેન્દ્રમાં રાખે છે કારણ કે લગ્ન પછી તેને લગ્નના મામલે લડાઈ છેડવાની આવે છે. સોનાક્ષી આ ફિલ્મ માટે ખુશ છે પરંતુ તે ક્યારે પૂરી થશે ને સિલીઝ થશે એવું પૂછો તો મૂંઝાય જાય છે.
જો કે હવે તે વિકલ્પો અપનાવવા માંડી છે. તેની ‘ફોલન’ નામની વેબસિરીઝ આવી રહી છે. હમણાં ઘણી અભિનેત્રીઓ વેબસિરીઝ માટે તૈયાર થાય છે તો સોનાક્ષીને ય થયું કે વહેતી ગંગામાં હાથ ધોઈ લેવા જોઈએ. સાચું કહો તો તે થોડી ઓછી સાહસિક છે બાકી અનુષ્કા શર્માથી માંડી પ્રિયંકા ચોપરા સહિતની અભિનેત્રીઓ ફિલ્મ નિર્માણમાં પડે છે ને વેબસિરીઝ પણ બનાવે છે તો સોનાક્ષી પણ તેવું કરી શકી હોત. તે અભિનય સિવાય બીજું કશું કરતી નથી બાકી બીજી અભિનેત્રીઓ તો મોડેલીંગ પણ કરી લે છે. તે બીજું કશું ન કરતી હોય તો લોકો પૂછવા જ માંડવાના કે હવે ક્યારે માંડવો બંધાવાનો છે?