Entertainment

કંગનાના ‘ક્રશ’ બાદ ‘ક્રિશ’ની કારકિર્દી પર કલંક

ઋત્વિક રોશન શું પોતાની કારકિર્દી બેદરકાર બની ગયો છે? શું તે દિશાહીનતાનો અનુભવ કરી રહ્યો છે? પોતે અમુક પ્રકારનો સ્ટાર છે એવું ધારી લેવું તેને નડી રહ્યું છે? અત્યારે મહામારીના સંજોગોમાં બધાની કારકિર્દી ધીમી પડી છે પણ અક્ષયકુમાર, અજય દેવગણ એવા સમયમાં પણ ખૂબ સક્રિય રહ્યા છે અને પોતાની ફિલ્મોના શૂટિંગ પૂરા કરવા ઉપરાંત વેબસિરીઝ બનાવીને ય રોકડી કરી રહ્યા છે.

જયારે ઋતિક એવું કશું જ નથી કરતો. તેની પાસે સિદ્ધાર્થ આનંદની ફાઈટર છે પરંતુ તેના શૂટિંગમાં ખાસ પ્રગતિ નથી થઇ રહી. સિદ્ધાર્થ આનંદ ઋતિક સાથેની ફાઈટરને આગળ વધારી શકતો નથી. સમજો કે ઋતિક અત્યારે ફ્રી છે તેના પિતા ‘ક્રિશ-4’ એનાઉન્સ કરીને બેઠા છે પણ ક્રિશ-3 આવ્યાને આઠ વર્ષ થયા. આ દરમિયાન ‘ક્રિશ-4’ નું કામ એનાઉન્સ કરવાથી આગળ વધ્યું નથી. હકીકતે ઋત્વિકે આગળ વધવું હોય તો પિતાના પ્રોડકશનની ફિલ્મનો વિચાર બાજુ પર મુકી દેવો જોઇએ.

પિતા રાકેશ રોશને ઋત્વિકને ‘કહોના પ્યાર હૈ,’ ‘કોઇ મીલ ગયા અને ‘ક્રિશ’ શ્રેણીની ત્રણ ફિલ્મો આપી તે ખરી પણ ઋત્વિકે સ્વતંત્ર રીતે કારકિર્દીને આગળ વધારવી જોઈએ. તે અત્યાર સુધીમાં વિદુ વિનોદ ચોપરા, સંજયલીલા ભણશાલી, સુભાષ ઘઇ, આશુતોષ ગોવારીકર, ફરહાન અખ્તર જેવા મોટા દિગ્દર્શક સાથે જ કામ કરતો રહ્યો છે. સાચું તો એ છે કે તે પોતેપોતાના માટે દિગ્દર્શકો શોધી નથી શકતો. સલમાન, અક્ષય, અજય રણબીર કપૂર વગેરે પોતાની ઇમેજને આગળ વઘારનારા દિગ્દર્શકો સાથે કોલાબ્રેશન કરે છે.

જો એ દિગ્દર્શકો પોતે કોઇ ફિલ્મ પ્રોડયુસ કરી શકવા સમર્થન હોય તો સહનિર્માતા તરીકે ફિલ્મની યોજના પૂરી કરે છે. ઋતિક આવું કશું નથી કરતો. તે જબરદસ્ત ટેલેન્ટ ધરાવે છે અને હેન્ડસમ છે એ ખરું પણ પોતાને ટકાવવા સામે ચાલી યોજના બનાવી શકતો નથી. તે વેબસિરિઝ બનાવતો નથી કે ટીવી પર કોઇ સો પ્રેઝન્ટ પણ કરતો નથી. માત્ર ફિલ્મ અને ખાસ ફિલ્મ સિવાય તે આગળ વધતો નથી. આ અભિગમ તેણે બદલવો જ પડશે.

તેની છેલ્લી ફિલ્મ વોર રજૂ થયાને દોઢ વર્ષ થઈ ગયુંને ફાઈટર કયારે બની રહેશે તે નક્કી નથી. તે શા માટે બીજી ફિલ્મો વિચારતો નથી? એવું લાગે છે કે તે પોતાના જ સ્ટારડમના પિંજરામાં કેદ થઇ ગયો છે. આમ પણ તે અંર્તમુખી છે. સલમાન શાહરૂખ, અક્ષયકુમાર, રણવીર સીંઘ વગેરે કોઇને કોઇ કારણે ચર્ચામાં રહેવાનું જાણે છે એવું ઋત્વિકથી નથી થતું. તેમાં ય પત્ની સુઝાનથી અલગ થયો પછી તો જાણે વધારે શાંત પડી ગયો છે. ઈન્ડસ્ટ્રીના કોઇે પણ પોતાની સામે કોઇ ઉદાહરણ રાખવાનું હોય તો અમિતાભ બચ્ચનનું રાખવું જોઇએ કે જે હંમેશા પોતાના માટે કામ શોધી લે છે. ઋતિક આવડો મોટો સ્ટાર છે પણ જાણે બધાથી અતડો રહેતો હોય એવું લાગે છે.

તે અંગત જીવનની મુંઝવણોથી પણ ઉપર આવી શકતો નથી. સુઝેનથી છૂટો તો પડયો પણ હજુય તેના વિના ચાલતું નથી ને છતાં સુઝાનને ફરી ઘરે લાવી શકતો નથી. કંગના રણૌત સાથેનું પ્રકરણ તો જે બન્યું તે બન્યું પણ હજુ શું તે એકલો જ રહેશે? સુઝેન સાથે 2014 માં છૂટાછેડા થયા. મતલબ કે સાત વર્ષથી તે એકલો છે. તે કાંઇ સલમાનની જેમ નવી નવી હીરોઇનો પટાવીને મોજથી રહે તેવો તો નથી. તો શું કરશે હવે? હવે પિતા રાકેશ રોશન તેના માટે ફિલ્મ બનાવે એવી આશાય ઓછી છે કારણ કે રાકેશ રોશન 71 વર્ષના થઇ ચુકયા છે, 47 વર્ષના ઋતિકે હવે નવા એટિટયૂડ સાથે સક્રિય થવું પડશે. નહીંતર તે પોતાનું નુકસાન કરી દેશે.

Most Popular

To Top