વ્યારા: વ્યારાના (Vyara) નિઝરમાં (Nizar) આવેલા હથનુર (Hathnur) ગામમાં ખૂબ જ આઘાતજનક ઘટના બની છે. રસોઈ બનાવતી માતાએ કહ્યું કે થોડીવારમાં જમવાનું આપું એટલે ગુસ્સે ભરાઈને પોતાના પરનો કાબુ ગુમાવી દીકરાએ માતાના માથામાં સાંબેલું મારી દીધું હતું. સાંબેલું એટલું જોરમાં માર્યું હતું કે માતાનું મૃત્યું થઈ (Son Killed Mother) ગયું હતું. ગુસ્સામાં દીકરો એટલો બેકાબુ બન્યો હતો કે તેણે માતા બાદ પિતાને પણ સાંબેલુ મારી દીધું હતું. ઈજાગ્રસ્ત પિતા હાલ સારવાર હેઠળ છે.
નિઝરના હથનુર ગામની સીમમાં રહેતો અશ્વિન છગન પાડવી દીકરા સુરેશ ઉર્ફે સૂરજ (ઉ.વ.૨૫) સાથે ખેતીકામ કરી ગુજરાત ચલાવે છે. તા.૫/૦૪/૨૦૨૩ના રોજ સવારે ૯ વાગે અશ્વિનભાઇની પત્ની સીલા જમવાનું બનાવતી હતી, ત્યારે તેના દીકરા સૂરજે જમવાનું વહેલું માંગતાં તેની માતાએ જણાવ્યું હતું કે, “શાક બની ગયું છે, રોટલા બનાવું એટલે તરત જ તને જમવાનું આપું.” પરંતુ સુરેશ ગુસ્સામાં આવી જતાં લાકડાનું સાબેલું માથામાં મારી દીધું હતું.
આ હુમલામાં સીલાબેનનું મોત નીપજ્યું હતું. પિતા વચ્ચે પડી પુત્રને પકડવા જતાં તેણે ગુસ્સામાં આવી પિતાને પણ સાબેલું મારી ઇજા પહોંચાડી હતી. જનેતાની હત્યા કરનાર પુત્ર વિરુદ્ધ પિતાએ નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં હત્યાનો ગુનો દાખલ કરાયો હતો. માતાનો હત્યારો સુરેશની ગુરુવારે અટકાયત કરવામાં આવી હતી.
બારડોલી: બારડોલીના બાબેન ગામના રાજીવનગરમાં નજમાબેન નુરમહમદ ખટિક તેમના પરિવાર સાથે રહે છે. તેમના ઘરની નજીકમાં જ ચંચન સંજયભાઈ ચૌહાણનો પરિવાર રહે છે. બુધવારે સાંજે બંને પરિવાર વચ્ચે ઝઘડો થતાં મામલો પોલીસમથકે પહોંચ્યો હતો. પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ લીધી હતી. જેમાં નજમાબેન ખટિકે ચંચન સંજયભાઈ ચૌહાણ, તેમની પત્ની રમીલાબેન ઉપરાંત અન્ય પરિવારજનો શેખરભાઇ, ઉષાબેન ઉર્ફે દાકલી, મનીષાબેન, રોશની અને સવિતાબેન વિરુદ્ધ આપેલી ફરિયાદ અનુસાર બુધવારે સાંજે નજમાબેન નુરમહમદ ખટિકને તેના મોટા પુત્ર અંસારો બાજુમાં રહેતા દિલસાદ ગુલાબનબી ખટિકને ત્યાં લાઇટ ચાલુ હોય તે બાબતે બોલાચાલી કરી હતી.
એ સમયે ચંચનભાઈની પત્ની રમીલા ત્યાંથી પસાર થતી હોવાથી અંસાર તેને ગાળ દેતો હોવાનું લાગતાં તેણે આ વાત તેના પતિ ચંચનને કરતાં ચંચન નજમાબેનના ઘરે આવ્યો હતો. ચંચન અંસાર સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો. ત્યારબાદ તેમની સાથે શેખર, ઉષાબેન, મનીષાબેન, સવિતાબેન, રોશનીબેન પણ આવી ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. દરમિયાન ચંચન ઘરમાં સળગાવેલ ચૂલામાંથી છીણકું લઈ આવ્યો હતો અને નજમાની પુત્રી મુસ્કાનના પગમાં ચાંપી દેતાં તેને ઇજા થઈ હતી.