નડિયાદ: મહુધા તાલુકાના હેરંજમાં વર્ષ ૨૦૨૦ માં પત્નીના આડા સંબંધની શંકાને કારણે સાસુ સાથે તકરાર કરી, તેમને કોદાળીના ઘા મારી, હત્યા કરનાર અને પત્નીને પણ કોદાળી મારી ગંભીર ઇજા પહોંચાડનાર આરોપીને નડિયાદ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. મહુધા તાલુકાના હેરંજમાં રહેતા અંજનાબેન ઉર્ફે ઢબીને આડા સંબંધ હોવાની શંકા કરીને પતિ રાકેશભાઇ વસાવા અવારનવાર તેમની સાથે તકરાર કરતો હતો. જેથી કંટાળેલા અંજનાબેન પોતાના માતાના ઘરે જતાં રહ્યા હતા.૧૯ મી સપ્ટેંબર ૨૦૨૦ ના રોજ રાકેશે શંકા કરીને અંજનાબેન અને તેમના માતા મંજુલાબેન સાથે તકરાર કરી હતી. બાદમાં તા.૨૦-૯-૨૦૨૦ ના રોજ વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં ઝઘડાની રીસ રાખીને રાકેશ કોદાળી લઇને આવ્યો હતો.
અને મંજુલાબેનને અને અંજનાબેનને કોદાળીના ઘા માર્યા હતા. બૂમાબૂમ થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઘવાયેલા માતા-પુત્રીને અલીન્દ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ બંનેને વધુ સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મંજુલાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. માતાની હત્યા કરનાર પતિ રાકેશ સામે અંજનાબેને મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ મામલો બુધવારે નડિયાદના એડી.સેસન્સ જજ ડી.આર.ભટ્ટની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ગોપાલ વી.ઠાકુરની દલીલો, 3૮ દસ્તાવેજી પુરાવા, ૧૬ સાક્ષીઓની જુબાનીને ધ્યાનમાં લઇને ન્યાયાધિશ ડી.આર.ભટ્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા અને રૂ. ૨૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ક્યા ગુનામાં કેટલી સજા
– ઇપીકો કલમ 3૦૨ ના ગુનામાં આજીવન કેદની સજા અને રૂ. ૧૦ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ ૧ વર્ષને કેદની સજા
– ઇપીકો કલમ 3૦૭ ના ગુનામાં ૭ વર્ષની કેદની સજા તથા રૂ. ૧૦ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સખત કેદની સજા
અંજનાબેન કુદરતી હાજતે ગયા તે સમયે ઝઘડો કરી, ગળું દબાવ્યું હતું
૧૯ સપ્ટેંબરની રાત્રિના અંજનાબેન નજીક આવેલી ખુલ્લી જગ્યામાં કુદરતી હાજતે ગયા હતા તે સમયે પ્રભાત પેન્ટર પણ ત્યાં દૂર હાજર હતો. આ વખતે રાકેશ ત્યાં ગયો હતો અને અંજનાબેન સાથે ઝઘડો કરીને, તેમનું ગળું દબાવ્યું હતું. જેથી પ્રભાતભાઇ વચ્ચે છોડાવવા પડતાં તેમની સાથે પણ રાકેશે તકરાર કરી હતી અને બાદમાં ઘરે જઇને અંજનાબેન અને તેમના માતા સાથે પણ ઝઘડો કર્યો હતો.