બારડોલી: બારડોલીમાં (Bardoli) વ્યાજે નાણાં ફેરવતા પુત્ર દ્વારા ઘણી મોટી રકમ ગુમાવ્યા બાદ પોતાના વૃદ્ધ પિતા (Father) પાસે વધુ નાણાંની માંગણી કરતાં અશક્ત પિતાએ નાણાં આપવાની ના પાડતાં ગુસ્સે ભરાયેલા પુત્રે (Son) પોતાના વૃદ્ધ પિતાને ચપ્પુ (Knifes) મારવાની ધમકી (Threaten) આપી તેમને માર મારતાં મામલો પોલીસમથકે પહોંચ્યો હતો.
- કળિયુગના શ્રવણનો રાવણ વેશ
- બારડોલીના કહાન ફળિયાની ઘટના
- બારડોલીમાં પૈસા આપવાની ના પાડતાં પુત્રએ વૃદ્ધ પિતાને ધમકી આપી ઝપાઝપી કરી
- 85 વર્ષીય રમણ પટેલ પર તેના જ પુત્રનો હુમલો
- બારડોલી ટાઉન પોલીસે પિતાને હેરાન કરનારા પુત્ર નિલેશ પટેલની અટકાયત કરી
શ્રવણ બનીને મા-બાપનો સહારો બનવાના બદલે સગો પુત્ર રાવણની ભૂમિકા ભજવતો હોય તેમ બારડોલીના કહાંન ફળિયામાં રહેતા ભૂતકાળમાં ચાનો વેપાર કરી પોતાની ખેતી સાથે બે પાંદડે થયેલા રમણ પટેલ નામના ૮૫ વર્ષીય વૃદ્ધનો એક પુત્ર વિદેશમાં સ્થાયી થયો હોવા સાથે તેનો નિલેશ નામનો પુત્ર સાથે રહેતો હતો. પિતાનાં નાણાં તગડાં વ્યાજે ફેરવવાની લાલચમાં પુત્ર નિલેશે અનેક લોકોને નાણાં ધીરતા મોટી રકમ ફસાઈ ગઈ હતી. આ સંજોગોમાં પિતા પાસે વધુ રકમ માંગતાં પિતાએ આપવાની ના પાડી હતી.
પિતાએ પૈસા આપવાનો ઇનકાર કરતાં ગુસ્સે ભરાયેલા પુત્રએ બોલાચાલી અને ઝઘડો કરી પોતાના પિતાને ચપ્પુ મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં બંને વચ્ચે થયેલી ઝપાઝપીમાં શરીરે અશક્ત અને વૃદ્ધ પિતાના હાથની ચામડીઓ ખોતરાઈ ગઈ હતી. આ સમયે માતાએ સમયસૂચકતા વાપરીને પોલીસને ફોન કરતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસને પણ ગુસ્સે ભરાયેલા પુત્રએ એલફેલ ભાષામાં વાત કરી અપમાનિત કરતાં મોડી રાત્રે એકત્રિત થયેલા ફળિયાના લોકો પણ ગુસ્સે ભરાયા હતા. બારડોલી ટાઉન પોલીસે પુત્ર નિલેશ પટેલને અટકાયતમાં લઈ તેની વિરુદ્ધ જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવા બદલ ગુનો દાખલ કર્યો હતો. બારડોલીમાં વાતો ફેલાતાં ભારે ફિટકાર વરસાવ્યો હતો.
જોળવામાં પિતાએ પૈસા ના આપતાં બેરોજગાર પુત્રનો આપઘાત
પલસાણા: મૂળ મહારાષ્ટ્રના અને હાલ સુરતના પલસાણાના જોળવા ગામે આવેલી સાંઈ આંગણ રેસિડેન્સીના મકાન નં.179માં રહેતા આંબાદાસ પ્રહલાદ પાટીલ (ઉં.વ.65) પત્ની સાથે પોતાના પુત્ર કૈલાસના પરિવાર સાથે રહે છે. પુત્ર કૈલાસ (ઉં.વ.32)ને 3 સંતાન હતાં. છેલ્લા કેટલાક સમયથી કૈલાસ બેરોજગાર હોવાથી અવારનવાર પિતા પાસે ખર્ચના રૂપિયા માંગતો હતો. સોમવારે મોડી સાંજે કૈલાસે પિતા પાસે ખરીદીના રૂપિયા માંગતાં પિતાએ રૂપિયા આપ્યા ન હતા તેમજ રૂપિયા બાબતે બંને વચ્ચે રકઝક થઈ હતી. જેને લઈ કૈલાસને ખોટું લાગી આવતાં કૈલાસે મોડી રાતે પોતાના દાદર પાસે પજારીમાં લોખંડની એંગલ સાથે દોરી વડે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. આ ઘટના અંગે મૃતકના પિતાએ પલસાણા પોલીસમથકમાં જાણ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.