સોમનાથ: દિવાળી બાદ હવે દેવ દિવાળી એટલે કે કાર્તિકી પૂર્ણિમા આવી રહી છે. આ દિવસે ગુજરાતમાં અનેક ઠેકાણે મેળા ભરાતા હોય છે. આવો જ એક મેળો સોમનાથમાં ભરાય છે. વર્ષ 1955થી સોમનાથ મંદિર પાસે કાર્તિક પૂર્ણિમાનો મેળો ભરાઈ છે. આ મેળાના પાંચ દિવસ દરમિયાન સોમનાથ મંદિર રાત્રે 11 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહે છે, પરંતુ આ વખતે તંત્રએ મંદિરને રાત્રિના 1 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવાનો આવકારદાયક નિર્ણય લીધો છે.
પૂર્ણિમાની રાત્રિએ વિશેષ મહાપૂજા તેમજ મહાઆરતી કરવામાં આવશે. સોમનાથ જ્યોતિર્લિંગના આધ્યસ્થાપક ચંદ્રદેવ કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ સોમનાથ જ્યોતિર્લિંગના શિખર પર આવે છે અને પોતાનો શીતળ પ્રકાશ વરસાવે છે. જેને અમૃત વર્ષા યોગ પણ કહેવામાં આવે છે.
આ વખતે સોમનાથનો કાર્તિકી પૂર્ણિમાનો મેળાનું ત્રિવેણી સંગમ સમીપ ગોલોકધામ ખાતેના હેલીપેડ ગ્રાઉન્ડ પર આયોજન કરવામાં આવ્યું છે. કાર્તિકી પૂર્ણિમાના આ મેળામાં પ્રવેશ માટે બે માર્ગોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પ્રથમ ત્રિવેણી સંગમ પાસે તેમજ દ્વિતીય કલાકેન્દ્ર સામેથી યાત્રીઓ મેળામાં પ્રવેશ કરી શકશે. સોમનાથ ગીતા મંદિર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે પાંચ દિવસીય કાર્તિકી પૂર્ણિમાના મેળાનો જાજરમાન પ્રારંભ થઇ ગયો છે.
આ મેળામાં મનોરંજનના સાધનો, ખાણીપીણીના સ્ટોલ, બાળકો માટે રમકડાં તેમજ અન્ય વેચાણ સ્ટોલ, ઇન્ડેક્ષ-સી વિભાગના હસ્તકલા અને ગૃહઉદ્યોગ જેવા આકર્ષક સ્ટોલ, જેલના કેદીઓના ભજીયાનો સ્ટોલ, સેલ્ફી પોઇન્ટસ, પંચદેવ મંદિર, સોમનાથ એટ 70 પ્રદર્શની માહિતી સભર સ્ટોલની સાથે પ્રતિદિવસ ખ્યાતનામ કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત મેળા ગ્રાઉન્ડમાં સીસીટીવી સિસ્ટમ લગાવવામાં આવી છે. વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. ફાયર સેફ્ટી માટે તમામ જગ્યાએ ફાયર એકસ્ટીંગ્યુસર બોટલની વ્યવસ્થા તેમજ સ્ટેન્ડબાય ફાયર ટેન્ડર ટીમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળામાં ઈલેકટ્રીક સપ્લાય માટે 4 વિશાળ ક્ષમતા વાળા સ્ટેન્ડબાય જનરેટરની વ્યવસ્થા કરાઇ છે.