સુરત: શહેરના પાલ-ઉમરા બ્રિજ પર આજે શુક્રવારે સર્જાયેલા અકસ્માતમાં મોટર સાયકલ સવાર બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને આ બંને ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં આ બંને યુવાનોની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે શહેરના પાલ વિસ્તારથી ઉમરા તરફ જઈ રહેલા પાલ ઉમરા બ્રિજ ખાતે ખૂબ જ વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. પાલથી ઉમરા તરફ બાઈક પર બે યુવાનો જઈ રહ્યા હતા. બંને યુવાનો પૂરપાટ ઝડપે બાઈક ચલાવીને જઈ રહ્યા હતા. દરમિયાન બ્રિજના ઉમરા તરફના છેડા પર તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. બાઈક ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા બ્રિજના છેવાડા તરફ ડિવાઇડર સાથે અથડાયા હતા.
બ્રિજના ડિવાઈડર સાથે અથડાયા બાદ બંને યુવાનો ત્રણ ફૂટ હવામાં ઉછળ્યા હતા. અકસ્માત એટલો વિચિત્ર અને ગંભીર બન્યો હતો કે બંને યુવાનો હવામાં ઉછળી બ્રિજની પાળી કૂદાવી 15 ફૂટ નીચે પટકાયા હતા. જ્યારે બાઈકનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. બે ટુકડા થઈ ગયા હતા.
અકસ્માત બાદ બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને સ્થળ પર પ્રાથમિક સારવાર બાદ બંને યુવાનોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઇમરજન્સી વોર્ડમાં બંનેની સારવાર કરવામાં આવી રહી છે. બંને પૈકી એક યુવકની હાલત ખૂબ જ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસના કર્મચારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.
મૂળ બંગાળના બંને યુવકો 4 દિવસ પહેલાં જ સુરત આવ્યા હતા
મળતી માહિતી મુજબ બે પૈકી એક યુવકનું નામ ખલીલુર રહેમાન અને બીજાનું નામ તુરબ અલી હોવાની માહિતી સિવિલના સૂત્રો પાસેથી જાણવા મળી છે. બંને યુવકો મૂળ બંગાળના વતની હોવાનું અને ગઈ તા. 13 એપ્રિલના રોજ એટલે કે 4 દિવસ પહેલા જ સુરત આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. બંને જણા સુરતમાં એકલા રહેતા હતા. તેઓના પરિવાર બંગાળમાં રહે છે. તુરબ અલીને માથામાં ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નિપજ્યું હોવાની જાણકારી મળી છે.
ફૂલસ્પીડમાં બાઈક ચલાવવાનો ક્રેઝ જોખમી
સુરતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે. તેની પાછળ પાવરફૂલ એન્જિન ધરાવતી બાઈક અને કારને ફૂલસ્પીડમાં દોડાવવાના યુવાનોનો ક્રેઝ જવાબદાર છે. અવારનવાર આવા અકસ્માત થતા હોવા છતાં યુવાનોની આંખ ઉઘડતી નથી અને મસ્તીમાં ક્યારેક પોતાને તો ક્યારેક બીજાને નુકસાન કરી બેસે છે.