Dakshin Gujarat

બોર્ડની એક્ઝામમાં વિદ્યાર્થીની ચક્કર ખાઈને કલાસ રૂમમાં જ ઢળી પડી, ભરૂચની ઘટના

ભરૂચ: ભરૂચમાં બોર્ડની પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થિનીની તબિયત લથડતા દોડધામ મચી હતી. આજે બેઝિક મેથ્સની એક્ઝામ શરૂ થયા બાદ એક વિદ્યાર્થીનીને ચક્કર આવવાની ફરિયાદ થઈ હતી, તેણીએ સુપરવાઈઝરને જાણ કરી અને થોડી જ સેકન્ડોમાં તે ઢળી પડી બેભાન થઈ ગઈ હતી, જેના પગલે પરીક્ષા કેન્દ્રમાં દોડધામ મચી ગઈ હતી.

ધોરણ-૧૦ની વિદ્યાર્થીની યાસ્મિન સાદીક્ભાઇ પઠાણે પરીક્ષાએ દરમ્યાન સુપરવાઈઝરને ચક્કર આવવાની ફરિયાદ કરી હતી જે બાદમાં બેભાન થઈ જતા શાળા સંચાલકો અને સુપરવાઝરોએ દોડધામ કરી મૂકી હતી. બોર્ડની પરીક્ષા દરમ્યાન પરીક્ષાર્થીની તબિયત લથડવાનો ભરૂચ જિલ્લામાં આ બીજો બનાવ બન્યો છે.

આ અગાઉ પણ તા-૧૪ માર્ચે અંકલેશ્વરમાં એક વિદ્યાર્થીએ આજ પ્રકારની ફરિયાદ કરી હતી જેને પરીક્ષાખંડમાં તબીબી દેખરેખ હેઠળ પરીક્ષા અપાવવામાં આવી હતી. આજે વધુ એક બનાવ બનતા ૧૦૮ની ટીમ પરીક્ષા સેન્ટર ખાતે મોકલવામાં આવી હતી.

પાલેજ હાઈ સ્કૂલમાં ધોરણ-૧૦ની વિદ્યાર્થીનીએ પરીક્ષા દરમ્યાન સુપરવાઈઝરને તબિયત સારી ન હોવાનું જણાવ્યું હતું જેણે બાદમાં ચક્કર આવી રહ્યા હોવાની ફરિયાદ કરી હતી. શાળામાં સંચાલકો કોઈ પગલું ભરે તે પહેલા બાળકી બેભાન થઇ ગઈ હતી. ઘટનાના પગલે તાત્કાલિક-૧૦૮ને કોલ અપાયો હતો. એમ્બ્યુલન્સ પણ ગણતરીના સમયમાં પાલેજ હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી. ફિઝિશિયનની સલાહના આધારે ૧૬ વર્ષની યાસ્મિન સાદીક્ભાઇ પઠાણની પ્રારંભે શાળામાં સારવારનો પ્રયાસ કરાયો હતો જોકે બાળકીને વધુ સારવાર અને દેખરેખની જરૂર હોવાથી બાદમાં નજીકના આરોગ્યકેન્દ્ર ખાતે ખસેડવાની ફરજ પડી હતી.

ઉલ્લેખનીય છે કે બોર્ડની પરીક્ષાએ વિદ્યાર્થી જીવન માટે એક મોટો પડાવ માનવામાં આવે છે. બાળકો ઉપર સારા પરિણામનું દબાણ રહેતું હોય છે. કેટલા સંજોગોમાં પરીક્ષાના દબાણમાં બાળકો ગભરાઈ જતા હોય છે તેમની તબિયત લથડી જતી હોવાના કિસ્સા સામે આવે છે.

વહીવટીતંત્ર દ્વારા આરોગ્ય ટીમ અને 108ને ખડેપગે રાખવામાં આવી
ધો. 10 અને ધો. 12ની બોર્ડની એક્ઝામમાં પરીક્ષાર્થીઓને કોઈ તકલીફ નહીં પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ટ્રાફિકમાં ફસાતા પરીક્ષાર્થીઓને સ્કૂલ સુધી પહોંચાડવા પોલીસ તંત્ર મહેનત કરી રહ્યું છે, તો બીજી તરફ પરીક્ષા કેન્દ્રોની નજીક આરોગ્યની ટીમો અને 108ને તૈનાત કરવામાં આવી છે, જેથી કોઈ પરીક્ષાર્થીની તબિયત બગડે તો તેને તાત્કાલિક સારવાર આપી શકાય.

Most Popular

To Top