સુરત : ગુજરાતના (Gujarat) ખેડૂતો (Farmer) રાસાયણિક ખાતરની (chemical fertilizer) માત્રાનો સમજપૂર્વક ઉપયોગ નહીં કરી રહ્યાં હોવાથી આગામી વર્ષોમાં ફળદ્રુપ જમીન (Fertile soil) ઉપર પણ બંજર (Barren) થઇ જવાનો ખતરો ઊભો થયો છે. તેના ગંભીર પરિણામો પણ અત્યારથી જ દેખાઇ રહ્યાં છે. કારણ કે, થોડા વર્ષ અગાઉ જે એક એકર જમીનમાં શેરડીનો 45 ટન પાક ઉતરતો હતો તે હવે ઘટીને 25 ટન ઉપર જ આવી ગયો છે.પહેલા તો માત્ર ઓર્ગેનિક ખાતરના ઉપયોગથી જ ખેતી થતી હતી પરંતુ ઉત્પાદન વધારવા માટે ખેડૂતોએ રાસાયણિક ખાતરનો ઉપયોગ શરૂ કર્યો હતો. રાસાયણિક ખાતરનો જે નિયમ છે તે અનુસાર જમીનની ગુણવતા જાળવી રાખવા માટે તેનું પ્રમાણ જળવાઇ રહે તે ખૂબ જરૂરી છે. 4 કિલો યુરિયા (નાઇટ્રોજન) હોય તો તેની સામે 2 કિલો ફોસ્ફરસ અને એક કિલો પોટાશનો ઉપયોગ થવો જોઇએ. જો આ પ્રમાણ જળવવામાં નહીં આવે તો જમીનની ફળદ્રુપતા ધીરે ધીરે ઘટતી જાય છે. આ અંગે કોટન ફેડરેશન ઓફ ઇન્ડિયાના ગુજરાત રિજયનના ડિરેક્ટર અને સુમુલના ડિરેક્ટર જયેશ એન.પટેલ( દેલાડ)ના જણાવ્યા અનુસાર સરકાર યુરિયામાં ખૂબ જ જંગી સબસીડી આપે છે.
આ સબસીડીના કારણે ખેડૂતોને યુરિયા માત્ર છ રૂપિયા કિલો પડે છે. તેની સામે પોટાશ અને ફોસ્ફરસ ઉપર સબસીડી નહીવત હોવાથી ખેડૂતો તેનો ઉપયોગ કરવાનું ટાળે છે. તેને કારણે રાસાયણિક ખાતરોનું યોગ્ય પ્રમાણ જળવાતું નથી અને જમીનની ફળદ્રુપતા ધીરે ધીરે ઘટતી જાય છે. આ જ કારણસર જમીનની ઉત્પાદકતા ઘટતી જાય છે. પહેલા જે એક એકર જમીનમમાં 45 ટન શેરડીનો પાક ઉતરતો હતો તે ઘટીને હવે 25 ટન પૂરતો જ મર્યાદિત થઇ ગયો છે અને જો સ્થિતિ આવી જ રહેશે તો દક્ષિણ ગુજરાતની મોટાભાગની જમીન બંજર થઇ જશે એટલે ખેડૂતો યોગ્ય પ્રમાણમાં ખાતરનો ઉપયોગ કરે તે ખૂબ જ જરૂરી બની ગયું છે.
નેનો યુરિયા ઉપયોગી બની શકે છે
તાજેતરમાં જ ઇફ્કોએ નેનો યુરિયા બનાવ્યું છે જે લિક્વિડ હોય છે. છેલ્લા બે વર્ષથી તેનો ઉપયોગ શરૂ થયો છે. તેનો ફાયદો એ છે કે, તે ફક્ત છોડ ઉપર એટલે કે જ્યાં છોડનું મૂળ હોય ત્યાં જ નાંખવાનું હોય છે જેના કારણે બાકીની જમીન ઉપર રાસાયણિક ખાતરની અસર થતી નથી અને ફળદ્વુપતા જળવાઇ રહે છે એટલે તેનો ઉપયોગ વધારવો જરૂરી છે.
ફરી ઓર્ગેનિક ખાતર તરફ વળવું પડશે
રાસાયણિક ખાતરને લીધે ધીરે ધીરે જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે. પરંતુ જો ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ વધારવામાં આવે તો તેનાથી જમીનને મોટો ફાયદો થાય છે. હાલમાં સરકાર પણ ઓર્ગેનિક ખાતરના ઉપયોગ માટે ખેડૂતોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ કરી રહી છે. જો ફક્ત તેનો જ ઉપયોગ કરવામાં આવે તો ચાર પાંચ વર્ષમાં જમીન ફરી ફળદ્રુપ થઇ જાય છે.