વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો નોંધાયો છે. તાજેતરમાં જેલમાંથી બહાર આવેલી કીર્તિ પટેલ સામે હવે રેતીના વેપારીને ધમકી આપવાનો ગુનો નોંધાયો છે. લસકાણા પોલીસે ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે.
હંમેશા વિવાદોમાં રહેતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે. આ વખતે લસકાણા પોલીસ મથકમાં કીર્તિ સામે ફરિયાદ દાખલ થઈ છે. લસકાણાના નિલકંઠ લક્ઝરીયામાં રહેતા રેતી-કપચીના વેપારી અલ્પેશકુમાર બાબુભાઈ પટેલ (ઉં.વ.41) કીર્તિ વિરુદ્ધ ફરિયાદ આપી છે.
ગઢપુર રોડ પર ખોડીયાર કાર્ટિંગ નામની રેતી-કપચીની દુકાન ધરાવતા વેપારી અલ્પેશ પટેલે ફરિયાદમાં કેફિયત વર્ણવતા કહ્યું કે, પોતે ઈન્સ્ટાગ્રામ પર alpesh_patel_7100 નામનું આઈડી ધરાવે છે.
ગઈ તા. 4 નવેમ્બર 2025ના રોજ બપોરે 1 વાગ્યાના અરસામાં LUCKY_PANONI_007 તથા SHABOO_LOVE_JAY ના ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી લાઈવ કોલિંગ પર સામાન્ય રીતે તેઓ વાતચીત કરતા હતા. ત્યારે તેમના આઈડીને તે બંનેએ ગ્રુપ કોલિંગમાં એડ કર્યો હતો. તે ત્રણેયની વાતચીત ચાલુ હતી ત્યારે SHABOO_LOVE_JAY નામ વાળા આઈડી પરથી જેનીસ ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ વિશે એલફેલ બોલી રહ્યો હતો, જેથી અન્ય બંને સાંભળી રહ્યા હતા.
દરમિયાન 13.45 કલાકે કીર્તિ પટેલે તેની ઈન્સ્ટા આઈડી KIRTI_PATEL_OFFICIAL5143 ઉપરથી રેતીના વેપારીના ઈન્સ્ટાગ્રામ આઈડી પર કોલ આવ્યો હતો. કીર્તિ પટેલે બિભત્સ ભાષામાં રેતીના વેપારી અલ્પેશ પટેલને ધમકીઓ આપી હતી.
કીર્તિ પટેલે કહ્યું કે, લાઈવ દરમિયાન મારા વિશે એલફેલ કેમ સાંભળી લીધું, કેમ કંઈ બોલ્યો નહીં તેવું કહી મારી પત્ની તથા મારા વિશે બિભત્સ ભાષાનો ઉપયોગ કરી પોસ્ટ વાયરલ કરી હતી. મેસેજ કર્યા હતા. આ મામલે ફરિયાદીએ લસકાણા પોલીસ સ્ટેશનમાં અરજી આપ્યા બાદ ફરિયાદ કરી છે.