Editorial

સોશ્યલ મીડિયા હવે દુનિયાના કરોડો લોકોના રોજીંદા જીવનનું આવશ્યક અંગ બની ગયું છે

આ સપ્તાહે સોમવારે એક એવી ઘટના બની ગઇ જેનાથી વિશ્વના ઘણા બધા લોકો ઉચાટમાં પડી ગયા. ભારતીય સમય પ્રમાણે મોડી સાંજે ફેસબુક, વૉટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ કામ કરતા બંધ થઇ ગયા. આ ત્રણેય સોશ્યલ મીડિયા સેવાઓ હવે ફેસબુકની માલિકીની જ છે. એક સાથે આખી દુનિયામાં આ સોશ્યલ મીડિયા અને મેસેજીંગ સેવાઓ બંધ થઇ જાય, અને તે પણ કલાકો સુધી બંધ રહે તેવી આ પ્રથમ ઘટના હતી. આ પહેલા પણ ફેસબુક અને તેના અન્ય એપ્સની સેવાઓ બંધ થઇ હતી, પણ તે વિશ્વના અમુક જ ભાગોમાં અને થોડા સમય માટે જ બંધ રહી હતી.

ગુગલના તમામ એપ્સ પણ ખોરવાઇ ગયાની ઘટના આ પહેલા બની છે પરંતુ તે પણ મર્યાદિત દેશોમાં અને થોડા સમય માટે જ થયું હતું. પરંતુ આ સોમવારે ફેસબુક અને તેની માલિકીની અન્ય સોશ્યલ મીડિયા સેવાઓ છથી સાત કલાક સુધી, અને તે પણ આખા વિશ્વમાં ખોરવાયેલી રહી અને તેનાથી જે ઉચાટ સર્જાયો તેના પરથી એક વાત મજબૂતપણે સાબિત થઇ ગઇ કે સોશ્યલ મીડિયા હવે દુનિયાના કરોડો લોકોના રોજબરોજના જીવનનું એક આવશ્યક અંગ બની ગયું છે.

દુનિયાભરમાં કલાકો સુધી ઠપ રહ્યા બાદ લોકપ્રિય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સઅપે અને મેસેન્જર ફરી કાર્યરત થયા તો ખરો પણ છ કલાક સુધી આ સાઇટ્સ અને એપ્સ ખોરવાયેલા રહેવાને કારણે આખા વિશ્વમાં તેમના કરોડો વપરાશકારોને જે અસર થઇ, ઘણા બધા લોકો જે રીતે ઉંચાનીચા થઇ ગયા તે બધું અભૂતપૂર્વ પ્રકારનું હતું. ભારતીય સમય પ્રમાણે સોમવારે મોડી સાંજે આ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ અને મેસેજીંગ એપ્સ કામ કરતા બંધ થઇ ગયા હતા.

જે મોડી રાત્રે ચાલુ થયા હતા. ફેસબુક ઉપરાંત ઇન્સ્ટાગ્રામ સાઇટ અને વોટ્સએપ અને ફેસબુક મેસેન્જર મેસેજીંગ એપ્સ ફેસબુક કંપનીની જ માલિકીના છે, અને આ કંપનીની માલિકીના આ ચારેય મંચો કલાકો સુધી ખોરવાયેલા રહ્યા અને તેના કારણે યુઝરોને જે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તેના બદલ ફેસબુક તરફથી બાદમાં માફી પણ માગવામાં આવી હતી. સોમવારે સાંજે વિશ્વભરમાં આ સેવાઓ ખોરવાવાની શરૂઆત થઇ ત્યારે શરૂઆતમાં તો યુઝરોને કશો ખ્યાલ આવ્યો ન હતો અને તેઓ સતત એરર મેસેજીસનો સામનો કરી રહ્યા હતા.

ફેસબુક ખોલતા સતત બફરીંગ થતું હતું અને વૉટ્સએપ પરથી કોઇ મેસેજ મોકલી શકાતા કે મેળવી શકાતા ન હતા અને તેવી જ હાલત મેસેન્જરની હતી. વૉટ્સએપ પરથી કૉલ્સ પણ થઇ શકતા ન હતા અને ઇન્સ્ટાગ્રામ પર કોઇ પોસ્ટ મૂકી શકાતી ન હતી. ભારતમાં કદાચ સૌથી વધુ ચિંતા વૉટ્સએપ યુઝરોને થઇ હશે. અહીં ઘણા બધા લોકો આ મેસેજીંગ એપનો ઉપયોગ કરે છે. સંદેશાઓની વ્યાપક આપ-લે આ એપ પર થાય છે, જો કે તેમાંના મોટાભાગના સંદેશાઓ અનાવશ્યક હોય છે, છતાં લોકોને આની ટેવ પડી ગઇ છે. વૉટ્સએપના દુનિયાભરમાં બે અબજ જેટલા વપરાશકારો છે, તો ફેસબુકના ૨ અબજ ૮૯ કરોડ જેટલા યુઝરો છે જે તેમની વ્યાપકતા દર્શાવે છે.

ફેસબુક એ દુનિયાનું સૌથી મોટું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ છે. લોકો તેના વડે એકબીજા સાથે સંપર્કમાં રહી શકે છે અને બીજી પણ ઘણી રીતે હવે આ પ્લેટફોર્મ ઉપયોગી બની રહ્યું છે. જો કે તેનો દુરૂપયોગ પણ નોંધપાત્ર પ્રમાણમાં થાય છે, છતાં જ્ઞાન-વિજ્ઞાનની, સાહિત્યની, સમાજ જીવનની ચર્ચાઓ ઉપરાંત ધંધાકીય જાહેરાતો સહિતના અનેક હેતુઓસર તેનો ઉપયોગ થઇ શકે છે અને તે રીતે તે અનેકવિધ રીતે ઉપયોગી મંચ પણ બની ગયું છે. ફેસબુક પોતે પણ ઘણી કમાણી ધંધાકીય જાહેરાતો વગેરેમાંથી કરે છે. આ સેવાઓ ખોરવાવાને કારણે ફેસબુકને ૧૦ કરોડ ડૉલરની સીધી આવકની ખોટ ગઇ છે, જો કે ફેસબુકની કુલ વાર્ષિક આવક અને તેની સંપત્તિ જોતા આ ખોટ તો સાવ જ નજીવી છે.

ફેસબુક, વૉટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક મેસેન્જર દુનિયાભરમાં કલાકો સુધી ખોરવાયેલા રહ્યા તેનાથી કરોડો લોકો અગવડ અનુભવતા હતા, તો બીજી બાજુ એવા કરોડો લોકો હતા જેમને આ સેવાઓ બંધ થઇ હોવાની જાણ સુદ્ધાં ન હતી. અરે, એવા પણ કરોડો લોકો છે કે જેમને હજી આ ફેસબુક, વૉટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ શું છે તેની પુરી માહિતી કે સમજ નથી. છતાં દુનિયાની લગભગ ચોથા ભાગની વસ્તી આ સેવાઓનો ઉપયોગ કરવા માંડી છે અને કરોડો લોકો એવા છે કે જેમને માટે આ સોશ્યલ મીડિયા રોજબરોજના જીવનનો એક જરૂરી ભાગ છે.

Most Popular

To Top