નડિયાદ: કઠલાલ તાલુકાના પીઠાઈ ગામમાં ત્રાટકેલાં તસ્કરોએ એક જ રાતમાં ત્રણ સગાં ભાઈઓના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, મોબાઈલ તેમજ રોકડ મળી કુલ રૂ.1,77,000 ની ચોરી કરી હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. કઠલાલના પીઠાઈ ગામમાં આવેલ લાલજીનગર વિસ્તારમાં રહેતાં જોરૂભાઈ ગગજીભાઈ ભરવાડ પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના ભત્રીજા સુરેશભાઈ વાઘજીભાઈ ભરવાડના લગ્ન લેવાના હોવાથી જોરૂભાઈ અને તેમના ત્રણ સગાભાઈઓએ સોના-ચાંદીના દાગીના ખરીદ્યાં હતાં અને મિત્ર રાયસંગભાઈ પરમાર (રહે.લલ્લુપુરા, પીઠાઈ) ના ઘરે સાચવવા માટે મુકી રાખ્યાં હતાં. જોકે, રાયસંગભાઈના અવસાન બાદ તેમના સંતાનોએ જોરૂભાઈને તેમના કિંમતી દાગીના પરત લઈ જવા જણાવ્યુ હતુ.
જેથી જોરૂભાઈ અને તેમના ભાઈઓ શનિવારના રોજ બપોરના સમયે મિત્રના ઘરેથી કિંમતી દાગીના લઈ આવી પોતપોતાના ઘરે સાચવીને મુકી દીધાં હતાં. તે જ રાત્રે ત્રાટકેલા તસ્કરો જોરૂભાઈના ઘરમાંથી દાગીના, મોબાઈલ અને રોકડા રૂ.22,000 ની ચોરી કરી ફરાર થઈ ગયાં હતાં. જ્યારે જોરૂભાઈના ભાઈ વાઘજીભાઈના ઘરેથી 100 ગ્રામ વજનની ચાંદીની લકી તેમજ રઘુભાઈના ઘરેથી એક તોલા વજનનો ગળે પહેરવાનો સોનાનો પારોની ચોરી થઈ હતી. આમ ત્રણેય સગાંભાઈઓના ઘરમાંથી સાડા પાંચ તોલા સોનું, ત્રણસો ગ્રામ ચાંદી, રોકડ તેમજ મોબાઈલ મળી કુલ રૂ.1,77,000 ની ચોરી થઈ હોવાની ફરીયાદ જોરૂભાઈ ભરવાડે કઠલાલ પોલીસમાં આપી છે. જેના આધારે પોલીસે અજાણ્યાં તસ્કરો સામે ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.