કેટલાક ખ્યાલો વિશે વખતોવખત ફેરવિચાર કરવાની જરૂર હોય છે પરંતુ તે ગૌણ કે ક્ષુલ્લક લાગવાથી કોઈ સમાજસુધારક એ વિશે ઝુંબેશ ઉપાડતા નથી ને કોઈ સરકાર તેના કાયદા કરતી નથી. એવી એક માન્યતા છેઃ બેઠાં બેઠાં (Seating) સૂઈ (Sleeping) જવું એ આળસુપણાની, કામચોરીની, એદીપણાની નિશાની છે. આપણા દેશના વડા પ્રધાન જેટલું કામ કરે છે અને દેશની જે પરિસ્થિતિ છે, તે બંને સાથે જોયા પછી પણ કોઈને સૂઈ નહીં જવાનાં નુકસાન સમજાતાં નથી, એ ખેદની વાત છે. આપણે ત્યાં બાળપણથી જ એવું ઠસાવી દેવામાં આવે છે કે સૂઈ રહે તે ઊંઘણશી કહેવાય. દેખીતું છે કે ‘ઊંઘણશી’ કોઈ માનાર્થે નથી કહેતું. વાતચીતમાં કેટલાક લોકોને જે ભાવથી પદ્મશ્રી કહેવામાં આવે છે, એવા જ ભાવથી લોકોને ઊંઘણશી જાહેર કરવામાં આવે છે. પરંતુ ઓછું ઊંઘતા, વધારે જાગતા ને એમ કરીને દેશનું સત્યાનાશ વાળતા કેટલાક લોકો માટે તમે કોઈ ઠપકાભર્યો શબ્દ સાંભળ્યો? તેમને કોઈએ જાગણશી કે (ભાગેડુની જેમ) જાગેડુ કે ઊંઘદ્રોહી કહ્યા?
પથારીમાં ઊંઘવાનો યથાયોગ્ય મહિમા થતો ન હોય, ત્યાં બેઠાં બેઠાં સૂઈ જવાની સૂક્ષ્મ કળાની—ફાઇન આર્ટની—શી વાત કરવી? બેકદર દુનિયા તેની કદર કરી જાણે, એવી અપેક્ષા શી રીતે રાખી શકાય? સૌ જાણે છે અને તબીબી વિજ્ઞાન પણ સ્વીકારે છે કે ઊંઘ માણસ માટે અત્યંત આવશ્યક છે પરંતુ તેની આવશ્યકતાનો છડેચોક વ્યવહારમાં સ્વીકાર કરનારને ઉતારી પાડવામાં આવે છે. ક્રૂર દુનિયા પાસેથી કોઈ સમજુ માણસ એવી અપેક્ષા ન રાખે કે તે દિવસ દરમિયાન બે-ત્રણ વખત, થોડી વાર માટે લોકોને ઊંઘવાની સરખી વ્યવસ્થા કરી આપે પરંતુ માણસ આપમેળે, કામની વચ્ચે, ખુરશી પર બેઠાં બેઠાં થોડી ઊંઘ ખેંચી લેતો હોય, એ પણ ઊંઘદ્રોહીઓથી ખમાતું નથી. એવા લોકો પોતાની જાતને કાર્યક્ષમ અને બેઠાં બેઠાં ઊંઘી જનારાને સુસ્ત ગણે છે. ઠીક છે. નરેન્દ્ર મોદી કે અમિત શાહ પોતાને લોકશાહીના રક્ષક ગણાવતા હોય તો તેમને કોણ રોકી શકે? પણ સવાલ દાવાનો નહીં, વાસ્તવિકતાનો છે.
શું બેઠાં બેઠાં ઊંઘવું એ ખરેખર સુસ્ત-આળસુ હોવાનું લક્ષણ છે? એક તરફ ગાઈવગાડીને એમ કહેવામાં આવે છે કે વર્તમાન સમયમાં સ્ટ્રેસ ઉર્ફે તણાવ અને માનસિક આરોગ્ય સૌથી મોટી સમસ્યા છે. તેની સીધી અસર માણસની ઊંઘ પર પડે છે. તેમની રાતની ઊંઘ હરામ થઈ જાય છે. બીજી તરફ એવા જીવો છે, જે ભરકામની વચ્ચે ખુરશી પર કે બેન્ચ પર કે ગમે ત્યાં બેઠાં બેઠાં મસ્ત એકાદ લઘુ ઊંઘ-સત્ર યોજી કાઢે છે. મતલબ, બેઠાં બેઠાં ઊંઘવું એ તનાવમુક્તિનું અને માનસિક તંદુરસ્તીનું પ્રતીક છે પણ એક તરફ સ્ટ્રેસ સામે મોરચા માંડનારા લોકો, બીજા મોઢે બેઠાં બેઠાં ઊંઘનારાની ટીકા કરીને બેવડાં ધોરણનો પરિચય આપે છે. ભારતીય પરંપરામાં કહ્યું છે કે કર્મમાં કૌશલ્ય એ યોગ છે. તત્ત્વચિંતનમાં રસ ધરાવતાં લોકો જાણતા હશે કે કર્મમાંથી નિવૃત્તિ એ પણ એક પ્રકારનું કર્મ છે. તેમાં કૌશલ્ય કેળવવું અને અકર્મમાં લીન થઈને બેઠાં બેઠાં સૂઈ જવું, એ ઉચ્ચ યૌગિક અવસ્થા ગણાવી જોઈએ પણ ઘણા ખરા લોકોનું યોગ વિશેનું જ્ઞાન ‘પતનશીલ’ શબ્દની યાદ અપાવતા, પતંજલિ કંપનીવાળા બિઝનેસમેન રામદેવ પૂરતું મર્યાદિત છે. તેમને યોગ વિશે પ્રાથમિક બાબતો સમજાતી ન હોય, ત્યાં આવી ઉચ્ચ ભૂમિકા તેમનાથી શી રીતે પકડાય?
વર્તમાન સરકારની પ્રામાણિકતા જેવો એક વ્યાપક ભ્રમ છે કે ફક્ત કામ કરવા માટે જ એકાગ્રતાની જરૂર પડે છે. હકીકતમાં, કર્મનિવૃત્તિ માટે વધારે એકાગ્રતા જોઈએ છે. ખાતરી ન થતી હોય તો એક વાર બેઠાં બેઠાં ઊંઘવાનો પ્રયાસ કરી જોજો. તેમાં સફળતા મળશે તો ધન્યતાનો અનુભવ થશે અને નિષ્ફળતા મળશે તો કમ સે કમ, બેઠાં બેઠાં ઊંઘનારાની આડેધડ ટીકા કરતાં ખચકાટ થશે. એટલું સમજાશે કે બેઠાં બેઠાં સૂઈ જવું એ કોઈ પણ અઘરા કામ જેટલું જ અઘરું હોય છે. એટલું જ નહીં, તે પ્રકૃતિની બક્ષિસ છે. જેનામાં એ ન હોય તેણે બક્ષિસધારીઓની ઇર્ષ્યા અને ઇર્ષ્યાપ્રેરિત ટીકા કરવા સિવાય બીજો રસ્તો રહેતો નથી. આવા લોકોએ સમાધાનકારી વચલા રસ્તા તરીકે આંખ મીંચીને પડી રહેવાનો દેખાડો કરવો પડે છે, જેથી કોઈને એવું ન લાગે કે તે બેઠાં બેઠાં સૂઈ શકવાને સક્ષમ નથી.
એ પણ વિડંબના છે કે સેંકડો લોકોને બેઠાં બેઠાં ઊંઘ આવતી નથી, ત્યારે જેમને એ રીતે ઊંઘ આવે છે તેમણે ચોરીછૂપીથી, આજુબાજુ જોઈને, કોઈ જોતું નથી તેની ખાતરી કર્યા પછી, સંકોચ સાથે સૂઈ જવું પડે છે. પકડાઈ જવાની બીકે કેટલાકને તો આંખ ખુલ્લી રાખીને ઊંઘવા જેવી અઘરી કળાઓ સાધ્ય થઈ જાય છે પરંતુ બેઠાં બેઠાં ઊંઘવાને સામાજિક કુરૂઢિ ગણતો સમાજ તેમની કદર કરી શકતો નથી. આ લેખ વાંચવા બેઠા પછી છાપું તમારા હાથમાં વાળેલું રહી ગયું હોય અને અહીં પહોંચતાં સુધી વચ્ચે એકાદ ઊંઘ ખેંચી લીધી હોય એવા વાંચનારને ધન્ય છે. તેમણે આ લેખ ન વાંચ્યો હોત તો પણ ચાલત કારણ કે આ લેખ તેમના જેવાઓની સિદ્ધિથી પ્રેરાઈને, તેમને અંજલિરૂપે જ લખાયો છે.