Gujarat Main

સિક્સ લેન એલિવેટેડ કોરિડોર ખુલ્લો મુકાયો: હવે અમદાવાદથી ગાંધીનગર જતાં 25 મિનિટ લાગશે

ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગર સરખેજ હાઇવે પરના સોલા પાસે રૂ. ૧૭૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૨.૩૬ કિલોમીટરના શહેરના સૌથી મોટા સિક્સ લેન એલિવેટેડ કોરિડોરનું (Six lane Elevated Corridor) લોકાર્પણ સોમવારે કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહના હસ્તે કરાયું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર (Gandhinagar) સરખેજ હાઇવે (High Way) પર સૌથી વધુ ટ્રાફિકનું ભારણ રહે છે. આ અગાઉ આ માર્ગ પરના સાત બ્રિજનું લોકાર્પણ થઇ ચૂક્યું છે. ગોતા ફ્લાય ઓવરથી સાયન્સ સિટી ફ્લાય ઓવર સુધીના રૂ.૧૭૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજના લોકાર્પણ બાદ સરખેજથી ગાંધીનગર સુધીનું 30 કિલોમીટરનું અંતર હવે ૨૦થી ૨૫ મીનીટમાં કાપી શકાશે. જેનાથી અન્ય જિલ્લામાંથી આવતા તેમજ સ્થાનિક શહેરીજનોની મુસાફરી તથા માલ-સામાનનું પરિવહન ઝડપી, સુગમ અને કિફાયતી બનશે આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યામાંથી પણ મુક્તિ મળશે.

  • અમિત શાહે ગાંધીનગર – સરખેજ હાઇવે પરના સોલા પાસે રૂ. ૧૭૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા 2.36 કિલોમીટરના શહેરના સૌથી મોટા સિક્સ લેન એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ કર્યુ
  • બ્રિજના લોકાર્પણ બાદ સરખેજથી ગાંધીનગર સુધીનું 30 કિલોમીટરનું અંતર હવે ૨૦થી ૨૫ મીનીટમાં કાપી શકાશે

અમિત શાહે ત્યારબાદ સ્વામિનારાયણ મંદિર કુંડળ ધામ ખાતે 30મી સત્સંગ શિબિરમાં ઉપસ્થિત રહી શુભારંભ કરાવ્યો હતો અને મંદિરમાં સ્થિત ભક્તેશ્વર મહાદેવની સ્થાપન, પૂજન અને ભગવાન નીલકંઠ વર્ણીની પ્રતિમાની પૂજન વિધિ કરી આશિર્વાદ મેળવ્યા હતા. કુંડળધામ સ્થિત સ્વામિનારાયણ મંદિર દ્વારા છેલ્લા ૩૦ વર્ષથી પ્રતિવર્ષ હિન્દુ સંસ્કાર, સંસ્કૃતિના સંવર્ધન અને બાળકો, યુવાનો, નાગરિકોના ઘડતર તથા નિર્વ્યસની સમાજના નિર્માણ હેતુ આ પ્રકારે સત્સંગ શિબિર યોજાઇ રહી છે. આ સત્સંગ શિબિરમાં દેશ વિદેશના હજારો અનુયાયીઓ અને સત્સંગીઓ સહભાગી બની ચારિત્ર્ય નિર્માણ સાથે નૈતિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોનું શિક્ષણ મેળવે છે.

કેન્દ્રીય મંત્રીએ સાળંગપુર હનુમાન દાદાને વાઘા અને મુગટ અર્પણ
આ ઉપરાંત શાહે બોટાદ જિલ્લાના આસ્થાના કેન્દ્ર સાળંગપુર સ્થિત સુપ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન દાદાને વાઘા અને મુગટ અર્પણ કરીને ષોડશોપચાર પૂજન દ્વારા આર્શીવાદ મેળવ્યા હતા તથા ધ્વજ પૂજન કરી મંદિર પર તેને આરોહિત કરવામાં આવ્યો હતો. બાદમાં શાહે સાળંગપુર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણના દર્શન પૂજન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

Most Popular

To Top