ન્યૂઝ મીડિયા કોર્પોરેટ થઈ ચૂક્યું છે. તેના સ્ટુડિયો વર્લ્ડક્લાસ છે, સંસાધનોની તેમાં કમી નથી, જર્નાલિસ્ટોને લાખોના પેકેજીસ છે, તેના માલિકોમાં હવે ઉદ્યોગપતિઓ આવી ચૂક્યા છે અને તેની બેલેન્સશીટ હવે નફાનુકસાનના ધોરણે જોવાય છે. સેવાનું આ ક્ષેત્ર માર્કેટ ઓરિએન્ટેડ થઈ ચૂક્યું છે અને એટલે સત્તાસ્થાને બેસેલાંઓની મીડિયા નજીક આવી ચૂક્યું છે. મીડિયા સંસ્થાનની આ લાક્ષણિકતા સર્વવ્યાપી છે; જ્યાં કોઈ ગ્રામ્ય કેન્દ્રિત મીડિયા સંસ્થાન વિશે આપણે વિચારી સુધ્ધાં શકતા નથી. આજના મીડિયાના ઝગમગાટમાં આ વિચાર કોને આવે? અને વિચાર આવ્યો હોય તોય મીડિયાના આ ધોરીમાર્ગ પર પોતાની ગાડી કોઈ કેવી રીતે ચલાવે?
મીડિયામાં ઠીકઠાક એન્ટ્રી કરવા માટે આજે લાખોની મૂડી જોઈએ. મીડિયાની આ બધી ધારણાઓને ધ્વસ્ત કરીને ઉત્તર પ્રદેશની કવિતા દેવી અને મીરાં જાટવે પોતાનું ગ્રામ્ય બેઝ્ડ મીડિયા સંસ્થાન શરૂ કરીને ઇતિહાસ રચ્યો છે. તેમણે આ સાહસ 2002માં કર્યું અને જેમ મીડિયા માર્કેટ બેઝ્ડ થતું ગયું તેમ તેઓ પણ વધુ ને વધુ ઠોસ જર્નાલિઝમ તરફ આગળ વધતાં ગયાં. તેમના છાપાંનું નામ છે ‘ખબર લહેરીયા’ અને તે હવે તો ડિજિટલ ફોર્મમાં આવી ચૂક્યું છે. ‘ખબર લહેરીયા’ની આ પૂરી સફર પર ‘રાઇટીંગ વિથ ફાયર’ નામે ડોક્યુમેન્ટરી બની ચૂકી છે અને હાલમાં ઓસ્કાર એવોર્ડમાં તેની પસંદગી ડોક્યુમેન્ટરી ફિચર ફિલ્મ કેટેગરીમાં થઈ છે, જ્યાં તે અન્ય ચૌદ ફિલ્મ સાથે સ્પર્ધા કરશે. આ પંદર ફિલ્મમાંથી એક ફિલ્મ ઓસ્કારમાં જશે.
ઓસ્કાર મળે કે ન મળે પહેલાં તો જે જર્નાલિઝમ ‘ખબર લહેરીયા’એ કર્યું છે તે સન્માનને પાત્ર છે. બીજું કે ઓસ્કાર સિવાય ‘રાઇટીંગ વિથ ફાયર’ આંતરરાષ્ટ્રિય કક્ષાના 28 એવોર્ડ મેળવી ચૂકી છે. ‘ખબર લહેરીયા’ની આ સફરને ફિલ્મી પડદે લાવવાનો જશ ડિરેક્ટર સુષ્મિત ઘોષ અને રીન્ટુ થોમસને જાય છે પણ મૂળે જેમ ‘ખબર લહેરીયા’ જર્નાલિઝમમાં મજબૂત સ્ટોરીઝ પ્રકાશિત કરતાં રહ્યાં છે; તેમ તેમના સંઘર્ષનું કન્ટેન્ટ પણ મજબૂત હતું, જે કારણે ડોક્યુમેન્ટરી માટે એક સરસ વિષય મળ્યો છે. ‘ખબર લહેરીયા’ની વિશેષતા ગણાવવી હોય તો તેમના કામ આધારિત જ હોય પરંતુ કામના મૂલ્યાંકન પહેલાં તેમની અનેક વિશેષતા સૌની સમક્ષ મૂકવા જેવી છે. મૂળે ‘ખબર લહેરીયા’ અખબાર હતું અને 2002માં તેની શરૂઆત થઈ હતી.
હિંદી, બુંદેલી, અવધિ અને બજ્જીકા બોલીનું લખાણ હિંદી લિપિમાં તેમાં પ્રકાશિત થતું. ‘ખબર લહેરીયા’ની આ પહેલને સૌ પ્રથમ નવી દિલ્હીની ‘નિરંતર’ નામની સંસ્થાએ મદદ કરી. બોલી સ્થાનિક પણ તેની છપાઈ હિંદી ભાષામાં થાય, તે રીતે આ છાપું ઉત્તર પ્રદેશ, બિહારના કેટલાક પ્રદેશોમાં પોતાનું સ્થાન બનાવી શક્યું. ઉપરાંત ‘ખબર લહેરીયા’ અનન્ય એ રીતે પણ બન્યું કે તેમાં કામ કરનાર બહેનો જ હોય. ઉત્તર પ્રદેશ તો ઠીક પણ હજુય આપણે ત્યાં ઠીકઠાક શિક્ષિત રાજ્યોમાં પણ બહેનોને જર્નાલિઝમ કરવાના પડકાર છે અને જે બહેનોએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું તે પણ આ મુશ્કેલી વેઠે છે. ત્યારે આ બહેનો ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતાં હતાં અને ઉપરાંત સમાજના વંચિત વર્ગમાંથી આવનારાં બહેનો હતાં.
મહદંશે દલિત, આદિવાસી અને મુસ્લિમ બહેનો ‘ખબર લહેરીયા’ના પત્રકારો છે. આપણું સમાજનું સ્ટ્રક્ચર એ પ્રકારનું છે કે તેમાં બહેનો કેટલાંક ક્ષેત્રોમાં પ્રવેશ લઈ જ ન શકે. સમજો કે જર્નાલિઝમમાં કોઈ બહેનને આવવું હોય તો તે પોતાના ગામડાંમાં નાનું છાપું શરૂ કરવા કરતાં શહેરમાં મોટાં મીડિયા સંસ્થાનમાં નોકરી કરવાનું વધુ પસંદ કરે. આવું થવાનું કારણ બહેનો સવાલ પૂછે તે આજેય અસહજ લાગતી ઘટના છે, ખાસ કરીને જ્યારે તે કોઈ માર્જીનલાઇઝ કોમ્યુનિટીમાંથી આવે ત્યારે તો પ્રશ્ન પૂછનાર બહેન માટે તે સામે ચાલીને મુસીબત વહોરવા જેવી વાત બને. આ બધા પડકારોને હડસેલીને ‘ખબર લહેરીયા’ની બહેનોએ ઓલમોસ્ટ બે દાયકા સુધી જર્નાલિઝમ કર્યું અને આજના શોરબકોર મીડિયા કરતાં તે સારું છે.
2002માં શરૂ થયેલાં ‘ખબર લહેરીયા’ની 2012 આવતા સુધીમાં ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાંક પ્રદેશોમાં 6000 પ્રિન્ટ કૉપી જતી હતી. તે વખતે તેની રીડરશીપનો અંદાજ 20000ની આસપાસ હતો. 2013માં ‘ખબર લહેરીયા’ની વેબસાઇટ શરૂ થઈ અને આજે તેની Youtube ચેનલ પણ છે. ‘ખબર લહેરીયા’ની ટેગલાઈન છે : ‘રીઅલ, રુરલ, રિવોલ્યુશનરી’. ‘ખબર લહેરીયા’ ગ્રાસરૂટ સ્તરનું મહિલાઓનું ન્યૂઝ નેટવર્ક બની ચૂક્યું છે અને તેને શરૂ કરનારાં કવિતા દેવી એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાના સભ્ય પણ રહ્યાં છે.
એડિટર્સ ગિલ્ડમાં સભ્ય બનનારાં કવિતા દેવી પ્રથમ દલિત મહિલા છે. એક બદલાવ સાથે કેટકેટલી જગ્યાએ તેની અસર પહોંચે છે તેનું ‘ખબર લહેરીયા’ આદર્શ ઉદાહરણ છે. કવિતા દેવીએ કોઈ શિક્ષણ લીધું નહોતું અને માત્ર બાર વર્ષની ઉંમરે જ તેમનું લગ્ન થઈ ચૂક્યું હતું. તેમણે અગાઉ એક અન્ય મહિલા પત્રિકાથી પોતાનું પત્રકારત્વ શરૂ કર્યું અને આજે તેઓ પત્રકારત્વની મિસાલ બની ચૂક્યાં છે. જાણીતાં ટ્રેડ કોન્ફરન્સમાં તેઓ સ્પીકર તરીકે વક્તવ્ય આપી ચૂક્યાં છે.
‘ખબર લહેરીયા’માં કવિતા દેવી, મીરાં જાટવની આગેવાનીમાં અત્યારે ચાળીસ મહિલા પત્રકારોની ટીમ છે. ન્યૂઝ માટેનું કન્ટેન્ટ લખવાથી માંડીને ટેકનિકલ કામ સુધ્ધાં અહીંયા બહેનો જ કરે છે. આમ તો મહિલા જગતનું કોઈ પણ કાર્ય કરી શકે છે પણ માન્યતાઓ સરળતાથી તૂટતી નથી તે માટે અહીં તે લખ્યું છે. ‘ખબર લહેરીયા’ ન્યૂઝ વેબસાઈટને જર્નાલિઝમ માટે પ્રતિષ્ઠિત ચમેલીદેવી જૈન સન્માન મળી ચૂક્યું છે. UNESCOનું કિંગ સેજોન્ગ લિટરસી પ્રાઇઝ પણ તેમને મળ્યું છે. કૈફી આઝમી એકેડમી દ્વારા પણ ‘ખબર લહેરીયા’ સન્માનિત થયું છે અને હવે તેમના નામે ફિલ્મ નિર્માણ થઈને રીલિઝ થઈ છે અને વિશ્વભરમાં ચાહના ઉપરાંત એવોર્ડ મેળવી રહી છે. જે કામ કોર્પોરેટ જગતના મોટાં મીડિયા સંસ્થાન નથી કરી શકતાં તે આ ગ્રામ્ય સ્તરની બહેનોએ દાખવ્યું છે.
સમય બદલાયો છે અને તેની સાથે ‘ખબર લહેરીયા’ પણ બદલાતું ગયું છે. આજે તેમની વેબસાઈટ પર મહિનામાં દસ લાખ લોકો વિઝિટ કરે છે. Youtube પર તેમના સાડા ચાર લાખ સબસ્ક્રાઇબર છે. તે સિવાય પણ તેમની સ્ટોરી ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સ એપ જેવાં પ્લેટફોર્મ પર શૅર થાય છે. ‘ખબર લહેરીયા’ની વેબસાઇટ પર જઈએ તો તેઓની પાસે રીડર્સ એન્ગેજ થઈ શકે તેવું ભરપૂર કન્ટેન્ટ જોઈ શકાય છે. અગત્યની બાબત તો એ છે કે તેઓ ગ્રામીણ ક્ષેત્રના ઉપયોગી ન્યૂઝને પ્રાધાન્ય આપે છે.
‘ખબર લહેરીયા’ સાથે જોડાયેલાં દિશા એ બાબતે જણાવે છે કે ન્યૂઝ કે ટેલિવિઝન પર આવતી હેડલાઇન્સ ન્યૂઝ નથી, બલકે કોઈ જિલ્લાના કેન્દ્રથી પચાસ કિલોમીટર દૂર ગામડાંમાં હેન્ડપમ્પ તૂટી જાય તે એટલા જ અગત્યના ન્યૂઝ છે. આ રીતે લોકાના જીવન સાથે સંકળાયેલું સીધું જર્નાલિઝમ ‘ખબર લહેરીયા’ દ્વારા થાય છે. તેની વેબસાઈટમાં પાંચ મુખ્ય કેટેગરી દેખાય છે, જેની સબ-કેટેગરીમાં જોઈએ તો ખ્યાલ આવે કે ‘ખબર લહેરીયા’ દ્વારા કેટલું પાયાનું કાર્ય થઈ રહ્યું છે.
તેમની એક સબ-કેટેગરી ‘વિકાસ’ છે. વિકાસનો માપદંડ આપણે શહેરમાં મેટ્રો આવી કે નહીં અને બ્રિજ કેટલાં બન્યાં તે બનાવી દીધો છે. ગ્રામીણ ક્ષેત્રોમાં ઇ-શ્રમ કાર્ડ બનાવવાથી માંડીને કોઈ ગામમાં રસ્તા તૂટ્યા, ગટરો ઉભરાઈ જેવા મુદ્દાઓ વધુ અગત્યના છે- તે વિશે આ ન્યૂઝ પોર્ટલ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. એટલું જ નહીં આ પોર્ટલ થકી જાગૃતિનું કામ પણ થયું છે. ‘મહિલાઓ કે ખિલાફ હિંસા’ એ નેજા હેઠળ મહિલાઓ વિરુદ્ધ કેવી હિંસા થાય છે તેનું વિસ્તૃત રિપોર્ટીંગ અહીં મળે છે અને ખાસ તો તેની અસર પણ થાય છે.
અહીં એક ન્યૂઝ છે : ‘નિર્ભયા, હાથરસ, ઉન્નાવ મામલે બને બ્રાન્ડ નેમ, જાનિએ ગ્રામીણ ક્ષેત્રો મેં હુએ મામલો કી સચ્ચાઈ’. આ સિવાય અહીંયા ‘ઔરતેં કામ પર’, ‘જાસૂસ યા જર્નાલિસ્ટ’, ‘ચુનાવી બુખાર સાવધાન’, ‘રાજનીતિ, રસ, રાય’, ‘આ ગઈ રે ચટોરી’ જેવા વિભાગો છે. ગ્રામીણ ક્ષેત્રે રિપોર્ટીંગની કેટકેટલી શક્યતાઓ છે તે ‘ખબર લહેરીયા’થી જાણી શકાય. અલ્ટીમેટલી સમાજ વિવિધતાભર્યો છે અને તેનું પ્રતિબિંબ જ્યારે મીડિયામાં પડે છે ત્યારે તેના રંગ સર્વત્ર પ્રસરે છે. ‘ખબર લહેરીયા’ની ખ્યાતિ એટલે જ સર્વત્ર પહોંચી છે, બાકી તો આપણી સામેનું મીડિયા હવે પ્રેડિક્ટેબલ બની ચૂક્યું છે.