પંજાબી ગાયક સિધુ મુસાવાલાની હત્યા થઈ તેના કલાકો પછી દિલ્હી પોલીસે શંકા વ્યક્ત કરી હતી કે તેના ખૂનના કાવતરાંમાં દિલ્હીની તિહાર જેલમાં રહેલા માફિયા ડોન લોરેન્સ બિશ્નોઈનો હાથ છે. લોરેન્સ બિશ્નોઈએ જેલમાં રહીને મુસાવાલાની હત્યાનું કાવતરું કેવી રીતે ઘડ્યું? તેની તપાસ પંજાબની પોલીસ કરી રહી છે. બિશ્નોઈની સામે હત્યા અને હપ્તા વસૂલી જેવા બે ડઝન કેસો રજિસ્ટર થયેલા છે. મુસાવાલાની હત્યા બિશ્નોઈ ગેન્ગ અને દેવિન્દર બાંભિયા ગેન્ગ વચ્ચેની લડાઈને કારણે થઈ છે.
દેવિન્દર બાંભિયાની 2016માં ગેન્ગ વોરમાં હત્યા થઈ હતી. તેની ગેન્ગનું સંચાલન અત્યારે લકી પતિયાલ કરે છે, જેને આર્મેનિયાની જેલમાં બંધ કરવામાં આવ્યો છે. સિધુ મુસાવાલાની હત્યા અકાલી યુવા નેતા વિકી મિદુખેરાની હત્યાનો બદલો લેવા માટે કરવામાં આવી હતી. તે બિશ્નોઈ ગેન્ગ સાથે જોડાયેલો હતો. કેનેડામાં રહેતા ગેન્ગસ્ટાર ગોલ્ડી બ્રારે મુસાવાલાની હત્યાની જવાબદારી લીધી છે, જે બિશ્નોઈ ગેન્ગનો સાગરીત હોવાનું માનવામાં આવે છે.
તિહાર જેલ એશિયાની સૌથી મોટી જેલ હોવાનું ગૌરવ ધરાવે છે. તેમાં આશરે 17, 500 કેદીઓ રહે છે. તેમાં રહેનારાને વધુમાં વધુ સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. તો પણ જેલમાં ક્યારેક ગેન્ગ વોર ફાટી નીકળે છે. તિહાર જેલને ભારતની આદર્શ જેલ માનવામાં આવે છે. તેમાં CCTV, કોમ્પ્યુટરાઈઝ્ડ પ્રિઝનર મેનેજમેન્ટ સિસ્ટમ, મોબાઈલ જામર્સ, X-REY સ્કેનર્સ, મેટલ ડિટેક્ટર વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.
તિહાર જેલમાં મોબાઈલ જામર્સ લગાડવામાં આવ્યા હોવા છતાં કેદીઓ મોબાઈલ એપનો ઉપયોગ કરીને પોતાના સાગરીતોના અને શિકારના પણ સંપર્કમાં રહેતા હોય છે. તિહાર જેલના કેદીઓ પાસેથી અનેકવાર વપરાયા હોય તેવા મોબાઇલ ફોન મળી આવે છે. પોલીસે શાહરૂખ નામના શકમંદની ધરપકડ કરી છે. જેણે મોબાઈલ એપનો ઉપયોગ કરીને તિહારમાં રહેલા લોરેન્સ બિશ્નોઈની ગોલ્ડી બ્રાર સાથે કેનેડામાં વાત કરાવી હતી.
સિધુ મુસાવાલાની હત્યામાં જે દેવિન્દર બાંભિયાની ગેન્ગનો હાથ હોવાનું મનાય છે, તેનું અસલી નામ દેવિન્દરસિંઘ સિધુ હતું અને તે કબડ્ડીનો ખેલાડી હતો. તે ભણવામાં હોંશિયાર હતો, મોગા જિલ્લામાં આવેલા બાંભિયા ગામના કિસાન પરિવારનો નબીરો હતો અને શાર્પ શૂટર પણ હતો. 2010માં તે કોલેજમાં ભણી રહ્યો હતો, તે દરમિયાન બે જૂથો વચ્ચેની અદાવતમાં થયેલી હત્યાના કેસમાં તેનું નામ બહાર આવ્યું હતું.
તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો. તે ત્યાં ઘણા ગેન્ગસ્ટરોના સંપર્કમાં આવ્યો હતો અને ગુનાખોરીના પાઠો શીખ્યો હતો. 21 વર્ષની ઉંમરે તે જેલમાંથી છટકી ગયો હતો અને તેણે પોતાની ગેન્ગ ઊભી કરી હતી. તેની સંડોવણી અડધો ડઝન જેટલી હત્યામાં હતી. તે સોશિયલ મીડિયા પર પોતે કરેલી હત્યાની વિગતો મૂકતો. તેણે પંજાબ પોલીસને અનેક વાર પડકારી હતી. 2016માં 26 વર્ષની ઉંમરે પંજાબ પોલીસ સાથેની અથડામણમાં ભટિંડા પાસેના રામપુર ગામની નજીક તેની પણ હત્યા થઈ ગઈ હતી.
દેવિન્દર બાંભિયાની હત્યા પછી પણ તેના આશરે અડધો ડઝન સાગરીતો તેના નામે તેની ગેન્ગનું સંચાલન કરે છે. તેમાંના કેટલાક પંજાબની જેલમાં છે, તો કેટલાક વિદેશમાં છે. તેઓ પણ દેવિન્દરની જેમ પોતાની પ્રવૃત્તિઓ સોશિયલ મીડિયા પર ચમકાવ્યા કરે છે. હરિયાણામાં રહેલી કૌશલ ચૌધરીની ગેન્ગ દેવિન્દર ગેન્ગની ભાગીદારીમાં કામ કરે છે. તેમને હરિયાણામાં કોઈ હત્યા કરવી હોય તો તેઓ ચૌધરી ગેન્ગની મદદ માગે છે. દેવિન્દર ગેન્ગના સંચાલકોમાં આર્મેનિયાની જેલમાં રહેલા ગુંડા લકી ગૌરવ ઉપરાંત સંગરુર જેલમાં રહેલા સુખપ્રીત સિંહ બુડાનો સમાવેશ થાય છે. તાજેતરમાં જલંધરમાં ઇન્ટરનેશનલ કબડ્ડી ખેલાડી સંદીપ સિંહની હત્યા થઈ, તેમાં પણ દેવિન્દર બાંભિયા ગેન્ગનો હાથ હતો. બિશ્નોઈ અને બાંભિયા ગેન્ગ વચ્ચેની દુશ્મનાવટ બહુ જૂની છે.
પંજાબના જે લોકગાયકો છે, તેમની વચ્ચેની હરીફાઈ તેમને હત્યાની હદ સુધી લઈ જતી હોય છે. ગયા વર્ષે મોહાલીમાં જેની હત્યા થઈ હતી તે અકાલી નેતા સુખપ્રીત મિદુખેરા પણ સંગીત ઉદ્યોગ સાથે સંકળાયેલો હતો. તેની હત્યા સિધુ મુસાવાલાએ કરાવી હોવાનું માનવામાં આવે છે. સિધુ મુસાલાવાએ તેની સુપારી બાંભિયા ગેન્ગને આપી હતી. બિશ્નોઈ ગેન્ગ બાંભિયા ગેન્ગની દુશ્મન હોવાથી સિધુની સુપારી બિશ્નોઈ ગેન્ગને આપવામાં આવી હતી. બિશ્નોઈ ગેન્ગના ગુંડાઓ કહે છે કે મુસાવાલાની હત્યામાં તેમનો હાથ નથી; પણ તેમાં તેમનું નામ ઘસડવામાં આવ્યું હોવાથી તેઓ બદલો લેશે. આવી જાહેરાત પણ તેમણે સોશિયલ મીડિયાની પોસ્ટ મારફતે કરી છે.
સિધુ મુસાવાલાના સાથીદારો માને છે કે તેનો સંબંધ બાંભિયા ગેન્ગ સાથે હોવાથી તેની હત્યાના આગલા દિવસે જ તેની સિક્યોરિટી ઘટાડી કાઢવામાં આવી હતી. બાંભિયા ગેન્ગના આક્ષેપ મુજબ મનકિરાત ઔલખ નામનો ગાયક બિશ્નોઈ ગેન્ગની નજીક હોવાથી તેની સુરક્ષા ઘટાડી નાખવામાં આવી નહોતી. નોઈડાની નીરજ બવાના ગેન્ગ પણ સિધુ મુસાવાલાના ટેકામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયામાં જાહેર કર્યું છે કે તેઓ બે દિવસમાં મુસાવાલાની હત્યાનો બદલો લેશે.
સિધુ મુસાવાલાની હત્યા કેટલી ક્રૂરતાપૂર્વક કરવામાં આવી હતી તેની ચોંકાવનારી વિગતો તેની ગાડીમાં જ બેઠેલા મિત્ર દ્વારા આપવામાં આવી છે. સિધુ મહિન્દ્રા થાર જીપમાં બેસીને બરનાલામાં રહેતી તેની આન્ટીની મુલાકાત લેવા જતો હતો. સાથે તેના બે મિત્રો ગુરવિન્દર સિંહ અને ગુરપ્રીત સિંહ પણ કારમાં હતા. ગુરવિન્દર સિંહે તો કારની પાછલી સીટમાં બેસીને આખો હુમલો જોયો હતો. જીપમાં બે સુરક્ષા કર્મચારીનો સમાવેશ થઈ શકે તેમ ન હોવાથી તેઓ પાછળની કારમાં આવતા હતા. તેના કહેવા મુજબ તેઓ જેવા બરનાલાની નજીક પહોંચ્યા કે તરત જીપ પર સામેથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. આગળ એક કારે તેમનો રસ્તો રોકી લીધો હતો.
એક માણસ જીપની સામે આવ્યો હતો અને તેણે ઓટોમેટિક એસોલ્ટ રાઇફલમાંથી આડેધડ ગોળીબાર કરવા માંડ્યો હતો. સિધુએ પણ પોતાની પિસ્તોલમાંથી બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો પણ તેનો કોઈ ફાયદો થયો નહોતો. હુમલાખોરો પાસે અદ્યતન હથિયારો હતા. ગુરવિન્દર સિંહના કહેવા મુજબ આશરે 8થી 10 હુમલાખોરો સિધુની જીપને વિંટળાઈને ગોળીબાર કરવા માંડ્યા હતા. સિધુએ ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે નિષ્ફળ ગયો હતો. તેના પર આશરે 30 ગોળીઓ છોડવામાં આવી હતી. આટલી ગોળીઓ છોડ્યા પછી પણ તેમણે ચેક કરી લીધું હતું કે સિધુ ખરેખર મરી ગયો છે કે કેમ? હુમલાખોરો બે કારમાં આવ્યા હતા. તેમાંની એક સેદાન હતી અને બીજી SUV હતી. હત્યા કરીને તરત તેમણે પોતપોતાની કારો મારી મૂકી હતી.
પંજાબમાં થયેલા સત્તા પરિવર્તન સાથે પણ સિધુ મુસાવાલાની હત્યાનો સંબંધ છે. પંજાબમાં ‘આપ’ની સરકાર બની કે તરત 424 ઇસમોની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી કે ઘટાડી નાખવામાં આવી હતી. તે પૈકી સિધુની સુરક્ષા ઘટાડી કાઢવામાં આવી હતી. બિશ્નોઈ ગેન્ગ સાથે સંકળાયેલા ગાયકોની સુરક્ષામાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નહોતો. બિશ્નોઈ ગેન્ગ નવી સરકારની માનીતી હોવાનું જણાય છે. દરેક ગેન્ગ વોરના મૂળમાં કોઈ રાજકારણી જ હોય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.