Entertainment

સિંગર મોનાલી ઠાકુરની લાઈવ શોમાં તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ કરાઈ

પ્રખ્યાત પ્લેબેક સિંગર મોનાલી ઠાકુરની તબિયત તેના લાઈવ પરફોર્મન્સ દરમિયાન અચાનક બગડી ગઈ હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. ત્યાર બાદ મોનાલીએ શો છોડી દીધો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે પશ્ચિમ બંગાળના દિનહાટા ફેસ્ટિવલમાં પરફોર્મ કરી રહી હતી.

લાઈવ શો દરમિયાન તબિયત બગડતાં મોનાલીને દિનહાટાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યારબાદ તેને કૂચ બિહાર શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. થોડા સમય પછી જ્યારે મોનાલીને સારું લાગ્યું ત્યારે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ પશ્ચિમ બંગાળના આ શહેરમાં દિનહાટા ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. મંગળવારે રાત્રે ફેસ્ટિવલનું સૌથી મોટું આકર્ષણ મોનાલીનું પર્ફોમન્સ હતું. કૂચ બિહાર અને દિનહાટાના ચાહકો સાંજથી તેની રાહ જોઈ રહ્યા હતા.

ફેસબુક પર મોનાલીનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે ગીત ગાતી વખતે તે અચાનક અટકી જાય છે. તેણે તેના ચાહકોની માફી માંગી અને કહ્યું કે તે બીમાર છે. તેથી તે આગળ પ્રદર્શન કરી શકશે નહીં.

સિંગરની બહેન મેહુલ ઠાકુરે મીડિયાને જણાવ્યું કે મોનાલી બિમાર હોવા છતાં પરફોર્મ કરવા આવી હતી. તે છેલ્લાં ઘણા સમયથી અલગ-અલગ રાજ્યોમાં શો કરી રહી છે. જેના કારણે તે બીમાર પડી છે. મંગળવારે તે નાના પ્લેનમાં કૂચ બિહાર ગઈ હતી. ત્યારે તે અસ્વસ્થ અનુભવવા લાગી હતી. કારણ કે વિમાનની અંદર હવાના દબાણને નિયંત્રિત કરવા માટે કોઈ સાધન નહોતું. તેનું માઈગ્રેન શરૂ થઈ ગયું હતું. કોઈક રીતે તે ડેસ્ટિનેશન પર પહોંચી પરંતુ શો પહેલાં જ બીમાર પડી ગઈ.

મેહુલે વધુમાં જણાવ્યું કે મોનાલી મુંબઈ પરત ફરી રહી છે. તે થોડા દિવસ આરામ કરશે. મોનાલી ગયા વર્ષે 11 ડિસેમ્બરે ચર્ચામાં આવી હતી. જ્યારે તેણીએ વારાણસીનો કોન્સર્ટ અધવચ્ચે જ છોડી દીધો હતો. કોન્સર્ટ પૂર્ણ ન કરવા બદલ મોનાલીએ દર્શકોની માફી માંગી હતી. વાયરલ વીડિયોમાં ગાયકે સ્ટેજ પરથી મેનેજમેન્ટ કંપનીને યોગ્ય વ્યવસ્થા ન કરવા બદલ ફટકાર લગાવી હતી.

નોંધનીય છે કે, મોનાલીએ તેના મધુર અવાજથી ઉદ્યોગને ઘણા હિટ ગીતો આપ્યા છે, જેમાં સવાર લૂ, મોહ મોહ કે ધાગેનો સમાવેશ થાય છે. મોનાલીને ફિલ્મ ‘દમ લગા કે હઈશા’ના ગીત ‘મોહ મોહ કે ધાગે’ માટે બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગરનો નેશનલ એવોર્ડ પણ મળ્યો છે.

Most Popular

To Top