નડિયાદ: કઠલાલ શહેરમાં આવેલ સરસ્વતી સ્કુલના ગેટ આગળ પાર્ક કરેલી ત્રણ ઈકો ગાડીમાંથી સાઈલેન્સરની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયાં હતાં. વાહનમાલિકોને આની જાણ ન થાય તે માટે બેજાબાજ તસ્કરોએ ત્રણેય ગાડીઓમાં જુના સાઈલેન્સર ફીટ કરી દીધાં હતાં. જો કે એક મહિના બાદ વાહનમાલિકોને આની જાણ થતાં તેઓએ પોલીસમાં ફરીયાદ આપી છે. જેના આધારે પોલીસે અજાણ્યાં તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કઠલાલમાં આવેલ આઝાદપોળ વિસ્તારમાં રહેતાં ગૌરાંગભાઈ રજનીકાન્ત જોશીએ એકાદ વર્ષ અગાઉ ઈકો ગાડી નં જીજે ૦૭ ડીસી ૬૩૦૧ ખરીદી હતી. ગાડી પાર્ક કરવા માટે ઘર આગળ જગ્યા ન હોવાથી તેઓ ઘર નજીક આવેલ સરસ્વતી સ્કુલના ગેટ આગળ રોડની બાજુની ખુલ્લી જગ્યામાં ગાડી પાર્ક કરે છે. તેમના ફળીયામાં રહેતાં કલ્પેશભાઈ બુભાભાઈ પ્રજાપતિ તેમજ રોનકભાઈ હસમુખભાઈ પારેખ પણ તેમની ઈકો ગાડી સરસ્વતી સ્કુલના ગેટ આગળ પાર્ક કરે છે.
દરમિયાન ગત તારીખ ૨૪-૪-૨૧ ની રાત્રીના સમયે ત્રાટકેલા તસ્કરો ગૌરાંગભાઈ, કલ્પેશભાઈ અને રોનકભાઈની ઈકો ગાડીમાંથી નવા સાઈલેન્સરની ચોરી કરી ફરાર થઈ ગયાં હતાં. ભેજાબાજ તસ્કરોએ આ ત્રણેય ગાડીઓમાંથી નવા સાઈલેન્સરની ચોરી કરી તેના બદલામાં જુના સાઈલેન્સર ફીટ કરી દીધાં હતાં. એકાદ મહિના બાદ ત્રણેય વાહનોના માલિકોને આની જાણ થઈ હતી. જેથી ગૌરાંગભાઈ જોશીએ પોતાની તેમજ તેમના બે મિત્રોની ગાડીમાંથી કુલ રૂ.૧,૨૦,૦૦૦ કિંમતના ત્રણ સાઈલેન્સરની ચોરી થઈ હોવા બાબતની ફરીયાદ કઠલાલ પોલીસમથકમાં નોંધાવી હતી. જેના આધારે પોલીસે અજાણ્યાં તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.