સુરત(Surat): અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરના (RamMadir) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઘડી જેમ નજીક આવી રહી છે તેમ તેમ આખોય દેશ રામમય બની રહ્યો છે. છેલ્લાં કેટલાંક દિવસોથી સુરત શહેર રામભક્તિમાં લીન થયું છે. હર કોઈ પોતાની સ્ટાઈલમાં પ્રભુ પ્રત્યેની આસ્થા દર્શાવી રહ્યું છે. સુરતના કાપડના વેપારીઓએ રામ મંદિર, રામ ભગવાનની છબીવાળી સાડા છ ફૂટની સાડી બનાવી છે તો હવે પતંગના ઉત્પાદકોએ શ્રી રામની છબીવાળો 7 ફૂટનો પતંગ (ShriRamKite) બનાવ્યો છે. બજારમાં શ્રી રામ ભગવાનની છબીવાળા પતંગ ખરીદવા પડાપડી થઈ રહી છે.
સુરતના ડબગરવાડ વિસ્તારમાં પતંગ બનાવનાર મુકેશ પતંગવાલાએ કહ્યું કે અમે 7 ફૂટનો એકમાત્ર પતંગ બનાવ્યો હતો, જેની પર શ્રી રામનો ફોટો પ્રિન્ટ કર્યો હતો. આ પતંગ ખરીદવા માટે લોકો પડાપડી કરવા લાગ્યા. ડિમાન્ડ વધતા અમે ચાર દિવસમાં બીજા 50 પતંગ બનાવ્યા છે.
અમને આશ્ચર્ય થાય છે કે આ પ્રકારની ડિમાન્ડ શરૂ થઈ ગઈ છે અમારી એવી કોઈ વધુ પતંગ બનાવવાની તૈયારી ન હતી. અત્યારે પણ ઘણા લોકો ફોન કરીને આ પતંગ માટે ઓર્ડર આપી રહ્યાં છે, પરંતુ હવે અમારે ના પાડવી પડી રહી છે. આ પતંગનું કદ મોટું છે, તેથી તે સરળતાથી બની શકતો નથી. અત્યાર સુધીમાં ત્રણ ફૂટથી લઈને 7 ફૂટ અને દસ ફૂટ સુધીનો પતંગ તૈયાર કરવામાં આવ્યો છે. પતંગની વિશેષતા જણાવતા મુકેશભાઈએ કહ્યું કે, આ પતંગ ઉપર ઝરી વર્ક કરાયું છે, જેના લીધે તેની ચમક વધી ગઈ છે. પતંગ વધારે આકર્ષક લાગી રહ્યો છે.
સુરતમાં પતંગના ભાવમાં 15 ટકાનો વધારો
આ વર્ષે પતંગના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 15 ટકા વધારો થતાં પતંગ રસિકોના ખીસા પર કાપ મુકાયો છે. પતંગરસિયાઓના માનીતા પર્વ એવા ઉત્તરાયલમાં ભાવ વધારો ઝીંકાતા ખરીદી ઉપર પણ અસર પડશે. આ વર્ષે લાકડી, કાગળ, પેટ્રી પ્રોડક્ટ, સ્ટીલ સહિતનું મટીરિયલ મોઘું થયું છે. ઉપરાંત પતંગ બનાવની મજૂરીના ખર્ચમાં વધતાં પતંગ, દોરાની ખરીદી બની છે. ગત વર્ષે 100 નંગ પતંગના 300થી 500 રૂપિયા હતા. તેની સામે હવે આ વર્ષે 100 નંગ દીઠ 30 થી 50 રૂપિયાનો વધારો થતા એજ વસ્તુ 340 થી 350 અને 550 સુધીના ભાવમાં પડી રહી છે.
આ વખતે વધુ વરસાદ પડવાને કારણે આ લાકડીનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે. અને 50% જેટલું જ ઉત્પાદન પતંગની લાકડીઓ માટે થયું છે. 50% સાથેના આ ઉત્પાદનના માલમાં પણ અનેક લાકડીઓ તકલાદી આવી છે જેમાં પતંગ બનાવતી વખતે જ તે તૂટી જાય છે અને તેનું પણ નુકસાન થયું છે. જેની સીધી અસર ઉત્પાદન પર થઈ છે તેના લીધે પણ પતંગના ભાવ મોંઘા થયા છે.