નવી દિલ્હીઃ (New Delhi) દિલ્હીની સાકેત કોર્ટે શ્રદ્ધા હત્યાના આરોપી આફતાબને નાર્કો ટેસ્ટ કરાવવાની મંજૂરી આપી છે. કોર્ટની પરવાનગી મળ્યા બાદ હવે આરોપી આફતાબ પૂનાવાલાના નાર્કો ટેસ્ટ (Narco Test) કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે દિલ્હી પોલીસે આફતાબના નાર્કો ટેસ્ટ માટે કોર્ટ (Court) પાસે મંજૂરી માંગી હતી. દિલ્હીનો શ્રદ્ધા મર્ડર કેસ (Shraddha Murder Case) ઘણો ચર્ચામાં છે. દેશભરમાં લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં રહેતા આફતાબ પૂનાવાલાએ (Aftab Punawala) તેની ગર્લફ્રેન્ડ (Girl Friend) શ્રદ્ધાના 35 ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા અને પછી ધીમે ધીમે તેને દૂર કરી દીધા. આ મામલે પોલીસ (Police) નવા ખુલાસા કરી રહી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. ત્યારે સમાચાર મળી આવ્યા છે કે દિલ્હી પોલીસ ગુરુવારે આફતાબના વધુમાં વધુ દિવસોના રિમાન્ડ માંગી શકે છે. તેની પાછળનું કારણ એ છે કે આ કેસમાં મૃતકનું માથું અને હથિયાર મળી આવ્યા નથી.
દિલ્હી પોલીસે જણાવ્યું કે આરોપી આફતાબે શ્રદ્ધાની હત્યા કરતા પહેલા માનવ શરીરની રચના વિશે વાંચ્યું હતું. જેથી તે શ્રદ્ધાના શરીરના ટુકડા કરી શકે. એટલું જ નહીં તે 10 દિવસ સુધી શ્રદ્ધાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ચલાવતો રહ્યો. જેથી કોઈને તેના પર શંકા ન રહે. પીડિત શ્રદ્ધા મહારાષ્ટ્રની રહેવાસી હતી. તેના સંબંધીઓએ માણિકપુર પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આફતાબને બે વાર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો જેમાં 3 નવેમ્બરના રોજ પણ તેણે કહ્યું હતું કે તે અને શ્રદ્ધા હવે સાથે નથી રહેતા. બીજી તરફ આફતાબનો પરિવાર પણ ગુમ છે.
શ્રદ્ધા મર્ડર કેસની તપાસ માટે દિલ્હી પોલીસ બુધવારે સવારે ડોગ સ્ક્વોડ સાથે મહેરૌલીના જંગલમાં પહોંચી હતી. આ કેસમાં પોલીસ સતત પુરાવા શોધી રહી છે. જંગલમાં અનેક પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ આરોપીના ફ્લેટ પર પહોંચ્યા પછી પોલીસે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જેથી આફતાબે હત્યા કેવી રીતે કરી તે જાણી શકાય.
શ્રદ્ધા વાલકર મર્ડર કેસના આરોપી આફતાબ અમીન પૂનાવાલાની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી. તેણે તપાસના શરૂઆતના દિવસોમાં દિલ્હી અને મુંબઈની પોલીસને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. આફતાબે અનેક પુરાવાઓ કાઢીને શ્રદ્ધાની હત્યા પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે આ બાબતની સત્યતા સુધી પહોંચવા માટે જે ડિજિટલ પુરાવાઓને ટ્રેસ કર્યા હતા તે તેણે પાછળ છોડી દીધા હતા.
શું આફતાબને બીજા કોઈનો ટેકો હતો?
પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે કે શું આફતાબને અન્ય કોઈએ સહકાર આપ્યો હતો. જોકે આરોપીએ આ વાતનો ઈન્કાર કર્યો છે પરંતુ પોલીસ નાર્કો ટેસ્ટ કરાવીને આ અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરશે.
બીજી યુવતી સાથે વાત કરવા બાબતે બંને વચ્ચે ઝઘડો થતો હતો
આફતાબ એક ડેટિંગ એપ દ્વારા શ્રદ્ધાને મળ્યો હતો. શ્રદ્ધા આફતાબ સાથે લિવ-ઈન કરવા માટે દિલ્હીથી મુંબઈ આવી હતી. જે બાદ શ્રદ્ધાને શંકા હતી કે આફતાબ કોઈ અન્ય યુવતી સાથે પણ વાત કરે છે. આ બાબતે તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. અંતે આફતાબે શ્રદ્ધાને માર માર્યો હતો અને તેનું ગળું દબાવી હત્યા કરી હતી. જે બાદ આફતાબે શ્રદ્ધાના મૃતદેહને કરવતથી 35 ટુકડા કરી જંગલમાં ફેંકી દીધા હતા. પોલીસે આફતાબની ધરપકડ કરી હતી જે બાદ તેણે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.
શ્રદ્ધાની હત્યાના 20 દિવસ બાદ આફતાબે બીજી ગર્લફ્રેન્ડ બનાવી
શ્રદ્ધાની હત્યા બાદ તેણે આ જ ડેટિંગ એપ દ્વારા 15-20 દિવસમાં બીજી ગર્લફ્રેન્ડ બનાવી હતી. જેની સાથે તે તેના ફ્લેટમાં પણ આવતો હતો. તે એ જ રૂમમાં અન્ય ગર્લફ્રેન્ડ સાથે સેક્સ માણતો હતો જ્યાં તેણે શ્રદ્ધાની ડેડ બોડી છુપાવી હતી. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે આફતાબ પૂનાવાલા અને શ્રદ્ધા વાલકરના એક કોમન ફ્રેન્ડને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેણે શ્રદ્ધાના પિતાને તેની સાથેની વાતચીત વિશે જાણ કરી હતી.