લઝારજીએ એકવાર રેખા વિશે કહેલું કે ‘કોઇ એક જ દિવસમાં મોટું થતું નથી, વિકસતું નથી. એના માટે વર્ષો જોઇતા હોય છે.’ રેખા વિશે આ બિલકુલ સાચુ છે. તેના જેટલું રૂપાંતરણ બહુ ઓછી અભિનેત્રીમાં જોવા મળશે. ‘સાવનભાદોદ વખતે તે કાળી તો બધાને લાગેલી જ પણ અભિનય વિશેની ગંભીરતાપણ ઓછી હતી. પણ ‘ઉમરાવ જાન’, ‘ઉત્સવ’, ‘ઘર’માં તેણે જે જાદુ કર્યો તે જાદુ જ હતો. શ્યામ બેનેગલ જેવાએ ‘કલયુગ’ માટે તેને પસંદ કરી. ‘સિલસિલા’ કે ‘બસેરા’ની કલ્પના આ બીજી રેખા વિના અશકય છે. પરદાપર તે હોય તો તમારી આંખ આમથી તેમ થઇ ન શકે એવું સૌંદર્ય અને તેમાં આ અભિનય. ગુલઝાર ‘ઇજાજત’નો વિચાર રેખા વિના કરી શકયા ન હોત.
મીનાકુમારી, વહીદા રહેમાન, નૂતન વગેરે શરૂથી જ મીનાકુમારી, વહીદાજી, નૂતન છે. તેમની એક એકલી યાત્રા જરૂર છે જેમાં તેમણે પોતાને કઇ રીતે ઘડવું તે વિચાર્યું અને સારા દિગ્દર્શકો તેમની સાથે રહ્યા. રેખાની કારકિર્દીમાં એવું પછીથી બન્યું પણ જે ઘડીએ તેનામાં વ્યકિત તરીકેની અને અભિનેત્રી તરીકેની નવી સંવેદના અને સમજ ઉમેરાઇ પછી તેણે પોતાના પરિવર્તનનો તાપ પોતે વેઠયો છે. એવું બનવાના કારણમાં અમિતાભ માટે જાગેલી ઇચ્છા પણ કહી શકાય અને પછી તે સાવ જૂદી જ પડતી ગઇ. (હિન્દી ફિલ્મોની તે ‘સંતુ રંગીલી’ છે.) મુઝફ્ફર અલી જેમણે રેખા વડે જ ‘ઉમરાવ જાન’ સાકાર કરી હતી તેમનું કહેવું હતું કે, ‘અમિતાભે રેખા સાથે પરણવું જોઇતું હતું.
તેઓ કહે છે કે ‘જૂસ્તજૂ જીસકીથી ઉસકો તો ના પાયા હમને’ ગીત રેખા પર પર્ફેકટલી બેસી જાય છે. ‘ઉમરાવ જાન’ વખતે મુઝફ્ફર અલીએ અનુભવેલું કે રેખા ખૂબ જ સંવેદનશીલ સ્ત્રી છે. તેઓ એમ પણ કહે છે કે દિલ્હીમાં જયારે ‘ઉમરાવ જાન’નું શૂટિંગ ચાલતું ત્યારે અમિતાભ બચ્ચન સેટ પર આવીને બેસતા. રેખાએ જયારે પણ અમિતાભનો ઉલ્લેખ કરવો હોય ત્યારે નામ નહોતી બોલતી બલ્કે ‘ઇનકો’, ‘ઇન્હોને’ શબ્દ જ ઉચ્ચારતી. એક પરણેલી સ્ત્રી પોતાના પતિને જે રીતે આદર અને અંગતભાવથી ઉલ્લેખે એ રીતે. રેખા એમ જ માનતી કે તે અમિતાભની પત્ની છે. અમિતાભે જ તેને ઓળખ આપી. તે અમિતાભના પ્રેમમાં હતી અને અમિતાભે તેની સાથે પરણવું જ જોઇતું હતું.
મુઝફ્ફર અલી માને છે કે તેમણે રેખામાં જે ઉમરાવની અપેક્ષા રાખી હતી તેની અનેકઘણી રીતે તે ઉમરાવને જીવી છે. પટકથાથી ય તે આગળ વધી ગઇ છે. ઘણા માનતા હતા કે સેટ પર રેખા સાથે કામ પાડવું અઘરું હોય છે પણ ‘ઉમરાવજાન’માં બધાનો અનુભવ જૂદો હતો. રેખા તે વખતે બહુ મોટી સ્ટાર હતી પણ મુંબઇથી લખનૌ જવા માટે ટ્રેન નક્કી કરી હોય તો તે તૈયાર રહેતી. અલબત્ત, રેલવે સ્ટેશને લોકોની ભીડ સંભાળવાની મુશ્કેલ થતી પણ રેખા સહજ જ રહેતી. અલબત્ત, શૂટિંગ દરમ્યાન મુઝફ્ફર અલી સાથે ચણભણ થઇ જ ન હોય એવું ય નહોતું.
રેખા પોતાના કપડાં અને દેખાવ બાબતે ખૂબ જ સભાન હતી એટલે તેના વસ્ત્રો, મેકઅપ આર્ટિસ્ટનો કાફલો સાથે લઇ ફરતી પણ મુઝફ્ફર અલી કહેતા કે મારે બોલીવુડની ઢીંગલી નથી જોઇતી. લખનૌનું પાત્ર જોઇએ છે જે એક ખાસ પ્રકારની સંસ્કૃતિ ધરાવે છે. મુઝફ્ફર અલી ‘મુકદ્દર કા સિકંદર’ની ઝોહરાબાઇ નહોતા ઇચ્છતા. રેખા આ વાત એક વાર સમજી ગઇ પછી કહેવું ન પડયું. પૂરા લયમાં આવી ગઇ. તેને સમજાય ગયેલું કે અન્ય હિન્દી ફિલ્મોથી આ જૂદી ફિલ્મ છે ને આ પાત્ર પણ જૂદું છે. તો બરાબર સાંભળવું ને સમજવું પડશે. પછી તો દરેક ડાયલોગ અને ગીતને તેણે ઊંડેથી સમજવા માંડેલા. ઉર્દુ શાયરી અને રહેજીબ શું છે તે સમજયા પછી તેણે પડકાર ઉપાડી લીધેલો.
એટલું જ નહીં ફિલ્મના ડબીંગ વખતે પણ તેણે તેના અવાજ પર ખૂબ કામ કરેલું. સામાન્યપણે તે ત્રણથી ચાર કલાકમાં આખી ફિલ્મનું ડબીંગ પૂરું કરી શકતી. એટલે જ તેણે કહેલું કે છ કલાકમાં ડબીંગ પૂરું કરી આપીશ પણ ઉર્દુ ઉચ્ચારો અને અવાજમાં જે પ્રકારની વેદના, ગમગીની લાવવાની હતી તે માટે તેણે સમય લીધો અને એક અઠવાડિયા સુધી ડબીંગ ચાલ્યું. મુઝફ્ફર અલી કહે છે કે ‘શી ઇઝ એન એમેઝીંગ આર્ટિસ્ટ.’ ફારુક શેખ કે જે ફિલ્મમાં નવાબ સુલતાન બનેલા તેમણે એક મુલાકાતમાં કહેલું કે શિયાળાના દિવસો હતા અને અમારે દિલ્હીથી લખનૌ ટ્રેનમાં જવાનું હતું.
14 કલાકનો પ્રવાસ હતો. ઓઢવા મોની બ્લેન્કેટ જરૂરી હતી પણ પ્રોડેકશન સંભાળનાર ઓઢવાનું અને ખાવાનું લાવવાનું ભુલી ગયેલો. દીના પાઠક પાસે તો શાલ હતી પણ રેખાજી પાસે ફકત દુપટ્ટો જ હતો. રાતની ચડતી ઠંડીમાં આખી રાત જાગવાનું થયું પણ એક ઉફ પણ કર્યું નહીં. વળતી વખતે ટ્રેનમાં રિઝર્વેશન છે એવું કહેવાયેલું પણ એવું શકય થયું નહોતુન તો તેમણે ટેકસી પ્રવાસ કરવો ય મંજૂર રાખેલો. ખેર! ‘ઉમરાવ જાન’ ફિલ્મે રેખાનો શ્રેષ્ઠ અભિનયનો રાષ્ટ્રીય પુરસ્કાર અપાવેલો. ફિલ્મમાં મુજરા માટે ગોપીકૃષ્ણ અને કુમુદિની લાખિયાએ કોરિયોગ્રાફી કરી છે અને બંને સાથે રેખા કમ્ફર્ટેબલ હતી. ફિલ્મમાં કથક નૃત્ય કરવાનું હતું અને રેખા આ નૃત્ય શીખી નહોતી પણ ફિલ્મમાં લાગવા જ ન દીધું કે તેને કથક નથી આવડતુ. રેખા શા માટે રેખા તે ‘ઉમરાવ જાન’ જેવી ફિલ્મોથી પૂરવાર થાય છે.