સેવાલિયા: ગળતેશ્વર તાલુકાના ટીંબાના મુવાડામાં આવાસ માટે સરકાર તરફથી ફાળવવામાં આવેલાં પ્લોટમાં શિક્ષક અને તેના ભાગીદાર દ્વારા બાંધવામાં આવેલ ગેરકાયદેસર કોમ્પ્લેક્ષ તોડી પાડવામાં આવ્યું છે. ગળતેશ્વર તાલુકાના ટીંબાના મુવાડા ખાતે જમીન વિહોણા ડાહ્યાભાઈ ગોવિંદભાઇ પટેલને આવાસ માટે સરકાર તરફથી ટીપીલેન્ડ પ્લોટ નંબર ૩૦,૩૧ અને ૩૨ ફાળવવામાં આવ્યા હતા. પરંતુ, આ પ્લોટમાં થર્મલ ખાતે રહેતા એક શિક્ષક અને તેના ભાગીદાર દ્વારા ૭ કોમર્શિયલ દુકાનો બનાવી દેવામાં આવી હતી.
આ મામલે જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવામાં આવી હતી. જે બાદ હરકતમાં આવેલી મામલતદારની ટીમ ગુરૂવારના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવા પહોંચી હતી. દરમિયાન દબાણ દૂર કરવા ગયેલી ટીમ અને દુકાનદારો વચ્ચે ચકમક ઝરી હતી. જોકે,, પોલીસની ટીમે બાજી સંભાળી હતી. જે બાદ બે જે.સી.બી ની મદદથી ડીમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ, દબાણ દૂર કરવા આવેલી ટીમ હુકમમાં બતાવેલ 7 દુકાનની જગ્યાએ 5 દુકાનનું ડીમોલેશન કરી પરત ફરી હતી. કોઈ કારણોસર 2 દુકાનો તોડવાની બાકી રાખતાં આશ્ચર્ય ફેલાયું હતું.