National

શિવસેનાનો કટાક્ષ: નડ્ડા કરે છે મોદીના મન કી બાત, ભાજપના રાજકારણમાં કશું જ અશક્ય નહીં

એકાએક ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી બદલનાર ભાજપ (BJP) પક્ષ પર શિવસેનાએ (SHIVSENA)કટાક્ષ કર્યો છે. શિવસેનાના અખબાર સામનામાં છપાયેલા મુખપત્રમાં શિવસેનાએ ટીપ્પણી કરી છે કે, જે.પી નડ્ડાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા ત્યારથી પાર્ટીમાં સતત ફેરફારો થઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીના (PM NARENDRA MODI) મનમાં જે છે તે બધું જેપી નડ્ડાના (JP NADDA)માધ્યમથી સાકાર કરાવાઈ રહ્યું છે. નડ્ડા દ્વારા ઉત્તરાખંડ અને કર્ણાટકના મુખ્યમંત્રી બદલવામાં આવ્યા. ગુજરાતના મુખ્યમંત્રી પણ એક ઝાટકામાં બદલી નાખવામાં આવ્યા. આ સાથે જ ગુજરાતમાં આખાય મંત્રીમંડળનું નવીનીકરણ કરી દેવામાં આવ્યું છે.

અહેવાલ પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (GUJARAT CM BHUPENDRA PATEL)પહેલી જ વખત ધારાસભ્ય બનનારા નેતા છે પરંતુ હવે મોદી-નડ્ડાએ એવો ઝાટકો આપ્યો છે કે, રાજકારણમાં કશું જ અશક્ય નથી. રૂપાણીના મંત્રીમંડળમાં સામેલ તમામ મંત્રીઓને મોદી અને નડ્ડાએ ઘરે બેસાડી દીધા છે. જે 24 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે તે સૌ પ્રથમ વખત જ મંત્રી બન્યા છે.

નીતિન પટેલ સહિતના તમામ જૂના-પ્રસિદ્ધ લોકોને કાઢીને મોદી અને નડ્ડા ગુજરાતમાં નવો દાવ રમ્યા છે. રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષ હતા તેમને હટાવીને મંત્રી બનાવી દેવામાં આવ્યા. રૂપાણી પાછળ અમિત શાહનું સમર્થન હતું પરંતુ તેમના સમગ્ર મંત્રીમંડળને ઘરનો રસ્તો બતાવીને મોદી-નડ્ડાની જોડીએ પોતાની પાર્ટીને એક જોરદાર રાજકીય સંદેશો આપ્યો છે.

CM પદના પ્રબળ દાવેદાર નીતિન પટેલને ઘરે બેસાડી દીધા

નીતિન પટેલ પોતાને મોટા નેતા સમજતા હતા અને તેઓ મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર હતા. રૂપાણીને કિનારે કરી દેવામાં આવ્યા ત્યારે પણ તેઓ મુખ્યમંત્રી પદના દાવેદાર હતા. ગુજરાતમાં તેઓ પાટીદાર સમાજના મહત્વપૂર્ણ નેતા છે અને પાટીદાર સમાજમાં તેમનું વજન છે. ગુજરાતમાં પાટીદાર સમાજનું મોટું આંદોલન થયું ત્યારથી તે સમાજ વિચલિત છે.

નોંધનીય છે કે, પાછલા અઠવાડિયા દરમિયાન ગુજરાતના રાજકારણમાં ધરખમ ઉથલપાથલ જોવા મળી છે. મુખ્યમંત્રી રૂપાણી સહિત આખાય મંત્રીમંડળને ઘરે બેસાડી દેવાયા છે. નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને પ્રદીપસિંહ જાાડેજા જેવા દિગ્ગજ નેતાઓ પાસેથી ખાતા આંચકી લઈ રાતોરાત ઓફિસો ખાલી કરી દેવામાં આવી છે. હાઈકમાન્ડના ઈશારે આખુંય ઓપરેશન પાર પડ્યું હોય કોઈ ચૂં ચા કરી શક્યું નથી. એક તરફ પાટીદારોનો રોષ બીજી તરફ રાતોરાત મંત્રીમંડળનું વિસર્જન કરી નવા બિનઅનુભવી ધારાસભ્યોને ગાદી સોંપી દેવામાં આવી છે અને હવે ગુજરાતમાં વિધાનસભાની ચંટણી આડે માંડ 15 મહિના જ બાકી છે ત્યારે રાજ્યમાં કેવા રાજકીય તોફાનો સર્જાય છે તે તો સમય જ કહેશે!

Most Popular

To Top