હથોડા: શિયાલજ ગામ (Shialaj Village) પાસેથી પસાર થતી ખાડી કોતરમાં માંગરોળના મહુવેજ ગામ પાસે આવેલા કેટલાક ફેક્ટરીના (Factory) સંચાલકો ઔદ્યોગિક એકમમાં વપરાયેલું પ્રદૂષિત પાણી (Polluted Water) પ્રોસેસ કર્યા વિના સીધું જ ખાડીમાં છોડી દેતાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ખાડીમાં ભળતાં શિયાલજ ગામના ખેડૂતોની જમીનમાં (Land) આ જ ખાડીમાંથી પાણી પીવડાવવામાં આવતાં ખેડૂતોની જમીન મૃત:પાય બની રહી છે. આ બાબતે માંગરોળના અધિકારીઓ તેમજ જીપીસીબીને જાણ કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કેમિકલયુક્ત પાણી છોડનાર ફેક્ટરીના સંચાલકોના કાન આમળી પગલાં ભરવામાં નિષ્ફળ રહેતાં અધિકારીઓ સામે શિયાલજ ગામના ખેડૂતોમાં ભારે રોષ ફેલાઈ ગયો છે. અને સુરત કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક ધોરણે ખાડીમાં કેમિકલયુક્ત પાણી છોડનાર મહુવેજ ગામની હદમાં આવેલી ફેક્ટરીઓના સંચાલકો સામે પૂરતાં પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
શિયાલજ ગામના ખેડૂત આગેવાનની રજૂઆત
શિયાલજ ગામના ખેડૂત આગેવાન અંદાજ ઈબ્રાહીમ શેખ તેમજ અન્ય ખેડૂતોએ સુરત કલેક્ટરને રજૂઆત કરી જણાવ્યું છે કે, મહુવેજ-કોસંબા પાસેથી પસાર થતી ખાડી શિયાલજ થઈ કીમ નદીમાં જાય છે. જે ખાડીમાં મહુવેજ ગામની હદમાં આવેલાં ઔદ્યોગિક એકમોમાંથી પ્રોસેસ કર્યા વગર કેમિકલયુક્ત પાણીનો નિકાલ આ ખાડીમાં ગેરકાયદે રીતે કરવામાં આવે છે. આ ખાડીના પાણીનો સિંચાઈ માટે કોસંબા તેમજ શિયાલજની હજારો એકર જમીનમાં સિંચાઈ માટે ખેડૂતો ઉપયોગ કરે છે. પરંતુ કેમિકલયુક્ત પાણી મળતાં ખેડૂતોની ફળદ્રુપ જમીન બિન ઉપજાઉ બનીને મૃત:પાય થઈ રહી છે. જેના કારણે ખેડૂતોને ભયંકર નુકસાન થઈ રહ્યું છે. સાથે જ આ વિસ્તારમાં ચરતા દૂધાળા પશુઓ ઉપરાંત અન્ય જાનવરો પણ ખાડીનું પાણી પીતા હોવાથી તેમનાં સ્વાસ્થ્યને ગંભીર અસર પહોંચી રહી છે.
ખેડૂતોને ભયંકર નુકસાન થઈ રહ્યું છે
વધુમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષે પણ આ પ્રકારે પ્રદૂષિત પાણીના સિંચાઈના કારણે ખેડૂતોના પાકને અતિ ગંભીર અસર થઈ હતી. છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન મહુવેજ વિસ્તારમાં આવેલાં ઔદ્યોગિક એકમો દ્વારા છોડાતા પ્રદૂષિત પાણીના કારણે કોસંબા તથા શિયાલજના ખેડૂતોને ભરપાઈ નહીં કરી શકાય તેટલું ભયંકર નુકસાન થઈ રહ્યું છે. અંતે ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, થોડા દિવસોમાં જો પ્રદૂષિત પાણી છોડવાનું બંધ નહીં કરવામાં આવશે તો કોસંબા-શિયાલજના ખેડૂતો કેમિકલયુક્ત પાણી છોડનારાં ઔદ્યોગિક એકમો બંધ કરાવવા આક્રમક પગલાં લેશે.