Charchapatra

ઘેંટા-પરંપરા

ઘેટાં એક હાર, પંક્તિ-શ્રેણીબદ્ધ ચાલે છે. એક પછી એક, એક બીજાનું અને બીજું ત્રીજાનું અનુકરણ કરે. કોઈકે કહ્યું છે કે, “ઘેટાં માટે ઘેટાંપણું શરમજનક નથી.” આંધળું અનુકરણ કરનારને ઘેટાં-પરંપરા કહેવામાં કશી અત્યુક્તિ નથી.  આજકાલ  દેખાદેખી, કોઈનું જોઈને તેમ કરનાર નક્લીઓ, સંખ્યાબંધ જોવા મળે છે. સાહિત્ય જગતમાં તો  મૂળ ઉપરથી સીધેસીધું લખાણ પોતાને નામે ઉતારો કરનાર નક્લી લોકોને કોઈ શરમ નથી. જાહેરમાં માફી પણ માંગી લેતાં કોઈ ખચકાટ થતો નથી. સમાજમાં ચાલતી રૂઢિ, પ્રથા, પરિપાટી અને નિયમો અને અસલથી ચાલી આવતા રિવાજો કોઈપણ ફેરફારો વિના પરંપરાગત આગળ વધતા રહે છે.

પરિવર્તનના યુગમાં  કહેવાતી ખોટી પ્રથા, પ્રણાલી બદલવી જોઈએ. ખોટી દેખાદેખી ક્યારેક જોખમો લઈને આવે છે. ઘણા કાળથી ચાલતા ખોટાં રીતરિવાજોના પ્રવાહને અટકાવવા જોઈએ. ખોટી પરંપરા વંશવેલા પ્રમાણે ઉત્તરોત્તર ચાલતી રહે તે આજના વિજ્ઞાનના યુગમાં બરોબર નથી. સારું છે તે અપનાવીએ અને અયોગ્ય છે તેમાં યોગ્ય ફેરફારો કરીને આગળ વધવું જોઈએ. કારણ ખોટી નકલ જોખમકારક બને છે. નકલીઓના ટોળાં હવાની રૂખ પ્રમાણે બદલાતાં રહે છે. પરિવર્તન સંસારનો નિયમ છે તે મુજબ આગળ વધીએ.
નવસારી  – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ભણવાની કોઇ ઉંમર હોતી નથી, મોટી વયે ઉચ્ચ ડીગ્રી
જેમને નવું નવું શીખવાની તીવ્ર ઇચ્છા હોય તેમને ઉંમરનો કોઇ બાધ નડતો નથી. તાજેતરમાં મિઝોરમના એઇફ જિલ્લાના ગામડામાં રહેતા 78 વર્ષના દાદાએ ધો. 9માં એડમીશન લીધું છે. સ્કુલનો યુનિફોર્મ પહેરી લાકડીના ટેકે ટેકે ત્રણ કિલોમીટર ચાલીને સ્કુલે જાય છે. બાળણમાં પિતાના અવસાન પછી ધો. 8 સુધી ભણી માતા સાથે ફરજીયાત ખેતીના કામમાં જોડવું પડયું હતું પણમનમાં આગળ વધુ ભણવાની તીવ્ર ઇચ્છા હતી.

મિઝો ભાષા લખી વાંચી શકતા લાલરીંગ થારાની એક જ તમન્ના છે કે તેઓ અંગ્રેજીમાં અરજી લખી શકે. ટાઢ, તાપ, વરસાદની પરવાહ કર્યા વગર નાના નાના વિદ્યાર્થીઓ સાથે દિલથી ભણે છે તો તાજેતરમાં આપણી વીર નર્મદ દ.ગુ. યુનિ. સૂરતમાં 71 વર્ષની વયે 17 વર્ષના યુવાન જેવો ઉમળકો ધરાવતા અમરિષકુમાર ભટ્ટે પચાસ વર્ષ પછી સેકંડ ઇનીંગ સાથે એમએ ઇન પોલીટીકલ સાયન્સની ડીગ્રી મેળવી છે. જેમને ભણવાની તીવ્ર ઇચ્છા હોય તો ગમે તે વયે ઉચ્ચ અભ્યાસ કરી પોતાની મહેચ્છા આજે પણ પાર પાડી શકે છે.
સુરત     – ભગુભાઇ પ્રે. સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top