૨૦૧૫ ની સાલમાં શરદ પવાર ૭૫ વર્ષના થયા ત્યારે તેમનો અમૃત મહોત્સવ ઉજવવા પૂનામાં જાહેર મુલાકાતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં આને ‘ગપ્પા’તરીકે ઓળખવામાં આવે છે અને ગપ્પા માત્ર રાજકારણીઓ સાથે નથી યોજવામાં આવતા, સાહિત્યકારો, કલાકારો અને રમતવીરો સાથે પણ ગપ્પાના કાર્યક્રમ યોજવાની પરંપરા છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો તેને સાંભળવા ઉપસ્થિત રહે છે. એમાં આ તો શરદ પવાર. મહારાષ્ટ્રના સર્વોચ્ચ નેતા. વળી તકવાદી તરીકે ઓળખાતા હોવા છતાં પણ મહારાષ્ટ્રમાં આદરણીય.
ગપ્પાનું સંચાલન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા રાજ ઠાકરે કરવાના હતા, જેઓ સંભાષણ કલા અને વાક્ચાતુર્ય માટે ખ્યાતિ ધરાવે છે. પૂનામાં ખુલ્લા મેદાનમાં યોજવામાં આવેલા ગપ્પામાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત હતાં. રાજ ઠાકરેએ પવારને સવાલ પૂછ્યો હતો કે તમે રાજકારણના ખેલાડી હોવાની ખ્યાતિ ધરાવો છો. અવિશ્વસનીય અને વિશ્વાસઘાત કર્યો હોવાના પણ તમારા ઉપર આરોપ છે અને છતાંય પક્ષાપક્ષીથી ઉપર ઊઠીને દેશની સમગ્ર રાજકીય જમાતમાં તમે આદરણીય ગણાઓ છો તો એનું શું રહસ્ય?
શરદ પવારે જે જવાબ આપ્યો હતો એ દરેક રાજકારણી માટે ગુરુમંત્ર સમાન છે. તેમણે કહ્યું હતું કે જાહેરજીવનમાં કેટલું બોલવું, ક્યાં બોલવું, કેમ બોલવું અને ક્યાં થોભવું એનું ભાન હોવું જોઈએ. ત્યારે લોકોને એમ લાગ્યું હતું કે પવારે આ જવાબ રાજ ઠાકરેને ઉદ્દેશીને આપ્યો હતો. ટોણો માર્યો હતો. એ રાજ ઠાકરે માટેની શિખામણ હતી. લોકોનું અનુમાન ખોટું નહોતું, પણ એ શિખામણ આજે તો દેશના સર્વોચ્ચ કક્ષાના નેતાઓને પણ લાગુ પડે છે. શરદ પવારે એ મુલાકાતમાં એમ પણ કહ્યું હતું કે ભારતમાં રાજકીય નેતા, નેતા હોવા છતાંય ચોવીસ કલાકનો રાજકીય કાર્યકર હોય છે. લોકોની વચ્ચે ઊભા તો રહેવું જ પડે, પછી ભલે તમે ચમરબંધી હો અને ઉપસ્થિત રહેવા સિવાય કાંઈ ન કરવાના હોય.
આ બન્ને સલાહ દરેક રાજકારણી માટેની હોવા છતાં રાજ ઠાકરે માટે વધુ છે. તેમને કેટલું બોલવું, ક્યાં બોલવું, કેમ બોલવું અને ક્યાં થોભવું એનું ભાન નથી. આ સિવાય તેઓ મહેનત કરવામાં અને લોકોની વચ્ચે ઉપસ્થિત રહેવામાં પાછા પડે છે. ચૂંટણી ટાણે દેખા દે અને પછી ગાયબ થઈ જાય. લોકો વિધાનસભાની ચૂંટણી યોજાવાની હતી.
બાળ ઠાકરેનું હજુ તરતમાં અવસાન થયું હતું અને લોકોનું અને રાજકીય નિરીક્ષકોનું અનુમાન એવું હતું કે ધીરે ધીરે ઉદ્ધવ ઠાકરે કરતાં રાજ ઠાકરે લાંબી રેખા ખેંચી લેશે. તેઓ આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે અને બહુ સારા વક્તા છે. તેમણે શિવસેનામાંથી બહાર નીકળીને પક્ષનું નામ પણ સર્વસમાવેશક ‘મહારાષ્ટ્ર નવનિર્માણ સેના’રાખ્યું હતું. રાજ ઠાકરે લાંબી રેસનો ઘોડો છે એવું સર્ટીફીકેટ ખુદ શરદ પવારે ત્યારે (૨૦૦૮-૯) આપ્યું હતું. આવી જ ગણતરીના ભાગરૂપે બાળ ઠાકરેની અનુપસ્થિતિમાં બીજેપીએ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને દીવાલ સરસા ધકેલવાની અને શિવસેનાને અપમાનિત કરવાની ચેષ્ટા કરી હતી. ત્યારે એમ માનવામાં આવતું હતું કે બીજેપી રાજ ઠાકરે સાથે રાજકીય સમજૂતી કરશે.
રાજ ઠાકરે મહારાષ્ટ્રમાં એક દિવસ ઉવેખી ન શકાય એવા કદાવર નેતા સાબિત થશે એમ માનીને ત્યારે, ૨૦૧૪ ની સાલમાં, રાજદીપ સરદેસાઈ, અર્નબ ગોસ્વામી અને એવા બીજા સિનિયર પત્રકારો તેમની મુલાકાત લેવા ગયા હતા. એ મુલાકાતોમાં તેમણે દેશના સિનિયર પત્રકારોનું અપમાન કર્યું હતું, તેમની સાથે તોછડાઈપૂર્વક વાત કરી હતી, તેમને તુકારે સંબોધ્યા હતા, ડરાવ્યા-ધમકાવ્યા હતા. તેઓ એમ બતાવવા માગતા હતા કે બાળ ઠાકરેના તેઓ વારસ છે અને કોઈના બાપની તેઓ સાડીબાર રાખતા નથી. એ પછીથી આજ સુધી એક પણ સિનિયર પત્રકાર તેમની મુલાકાત લેવા જતો નથી. મરાઠી પણ નહીં. અત્યારે તેમને વાત કરવી છે, પણ બેવકૂફ શ્રોતાઓ સિવાય સાંભળનાર કોઈ નથી.
બાળ ઠાકરે હોવું એટલે શું એ રાજ ઠાકરે સમજી જ શક્યા નથી, પણ તેમના પિત્રાઈ ભાઈ અને બાળ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરે સમજી ગયા છે. બાળ ઠાકરે કોઈકના ઇશારે (કોંગ્રેસ) રાજકારણ કરતા હતા અને એમાં પોતાની નાનકડી રાજકીય જગ્યા બનાવતા હતા. બાળ ઠાકરે બહુ મોટી રાજકીય મહત્ત્વાકાંક્ષા ધરાવતા નહોતા. તેઓ જેના માટે અને જેને ઇશારે બોલતા હતા તેમની પાસેથી લક્ષ્મણરેખા સમજી લેતા હતા અને એ લક્ષ્મણરેખા ક્યારેય ઓળંગતા નહોતા. ક્યાં બોલવું, કેટલું બોલવું, કેમ બોલવું અને ક્યાં થોભવું તેનું તેમને ભાન હતું. અલબત્ત જેના માટે બોલતા હોય તેના નિર્દેશન મુજબ.
એમાં ૧૯૮૫ પછીથી રાજકીય સ્થિતિ બદલાવા લાગી. હિંદુઓની અંદર ધીરે ધીરે કોંગ્રેસ માટે અભાવ પેદા થવા લાગ્યો. સેક્યુલર કોંગ્રેસ હિંદુવિરોધી છે અથવા હિંદુઓને પોતાની જાગીર સમજે છે, મુસલમાનોના લાડ લડાવે છે, મુસલમાનોથી ડરે છે, પરિણામે મુસલમાનો દાદાગીરી કરે છે વગેરે ભાવના હિંદુઓના મનમાં જાગવા લાગી. હિંદુઓનો બદલાતો મૂડ સૌથી પહેલાં બાળ ઠાકરેએ પારખ્યો હતો એમ બીજેપીના નેતા પ્રમોદ મહાજને ત્યારે કહ્યું હતું. એ પછી બાળ ઠાકરેએ દિશા બદલી અને કોંગ્રેસની વિરુદ્ધ જઇને બીજેપી સાથે દોસ્તી કરી. આનું પરિણામ એ આવ્યું કે હિંદુજુવાળમાં કોઈ પણ પ્રકારની મહેનત કર્યા વિના શિવસેના મહારાષ્ટ્રમાં શક્તિશાળી બની ગઈ. બીજાના ઓજાર તરીકે કામ કરનારા બાળ ઠાકરે સ્વતંત્ર થઈ ગયા. એમાં તેમની કોઈ મહેનત નહોતી, માત્ર સમયનો ખેલ હતો. હા, સમય તેમણે પારખી લીધો હતો એ કબૂલ કરવું જોઈએ.
૧૯૮૫ પછી બીજી આવી પળ ૨૦૧૪ માં આવી. ૧૯૮૫ પછી કોંગ્રેસની છાવણી છોડવાની ઘડી હતી તો ૨૦૧૪ માં બીજેપીની છાવણી છોડવાની ઘડી હતી. બીજેપીને એમ લાગ્યું હતું કે હવે મહારાષ્ટ્રમાં શિવસેનાની કાંખઘોડીની કોઈ જરૂર નથી. બીજેપીના નેતાઓને ત્યારે એમ લાગ્યું હતું કે બાળ ઠાકરેની અનુપસ્થિતિમાં શિવસેનાને ગ્રસી શકાય એમ છે. નરેન્દ્ર મોદી જેવા સવાયા રાષ્ટ્રીય નેતા છે ત્યારે શિવસેનાનું હિન્દુત્વ એમાં અલોપ થઈ જશે. તેમની ગણતરી ખોટી નહોતી, પણ વધારે સાચી ગણતરી બાળ ઠાકરેના ચિરંજીવ ઉદ્ધવ ઠાકરેની હતી. ૧૯૮૫ પછીનાં વર્ષોમાં જેમ બાળ ઠાકરેને સમજાઈ ગયું હતું કે હવે કોંગ્રેસની આંગળી છોડવાની ઘડી આવી ગઈ છે એમ જ ૨૦૧૪ પછી ઉદ્ધવ ઠાકરેને સમજાઈ ગયું હતું કે હવે બીજેપીની આંગળી છોડવાની ઘડી આવી ગઈ છે. અજગર ગ્રસી જાય એ પહેલાં ચાલતાં થવું જોઈએ.
આ બાળ ઠાકરેનું હોવાપણું છે, જે ઉદ્ધવ ઠાકરે સમજી શક્યા અને આજે મુખ્ય પ્રધાનપદ સુધી પહોંચી શક્યા, પણ રાજ ઠાકરે સમજી શક્યા નથી. તેઓ પૂર્વાશ્રમના બાળ ઠાકરેની નકલ કરી રહ્યા છે જે કોઈક માટે કામ કરતા હતા અને ટૂંકી મૂડીથી રાજી રહેતા હતા. તેઓ મહેનત નહોતા કરતા, માત્ર હુંકાર કરતા હતા અને એ પણ બીજાના કહેવાથી અને બીજા કહે એટલો જ. રાજ ઠાકરે આજે આ જ કરી રહ્યા છે. ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી વખતે તેઓ નરેન્દ્ર મોદી વિરુદ્ધ પ્રભાવી પ્રચાર કરીને શરદ પવાર માટે કામ કરતા હતા.
તેમની ગણતરી એવી હતી કે બીજેપીની સંખ્યામાં ઘટાડો થશે અને મહારાષ્ટ્રમાં બીજેપીવિરોધી મોરચામાં પ્રવેશીને થોડી રાજકીય જગ્યા રળવા મળશે. તેમની ગણતરી ખોટી પડી અને આજે હવે મુંડી નીચી કરીને બીજેપી માટે કામ કરવું પડે છે. બેફામ બોલીને, હોંકારાપડકારા કરીને તેઓ બીજેપી માટે કામ કરી રહ્યા છે. સ્વતંત્ર થવા માટે જે હામ જોઈએ, જે મહેનત જોઈએ, સમયને પારખવાની શક્તિ જોઈએ, કાર્યકર્તાઓની વચ્ચે રહેવું જોઈએ, ચોવીસે કલાક લોકોની નજરે પડતા રહેવું જોઈએ, શું બોલવું, કેટલું બોલવું, કેમ બોલવું અને ક્યાં અટકવું એની સમજ જોઈએ વગેરે ગુણ રાજ ઠાકરે નથી ધરાવતા. શરદ પવારે એ શિખામણ ભલે સાર્વજનિક આપી હોય, પણ એ શિખામણ રાજ ઠાકરેને સંપૂર્ણપણે લાગુ પડે છે. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
૨૦૧૫ ની સાલમાં શરદ પવાર ૭૫ વર્ષના થયા ત્યારે તેમનો અમૃત મહોત્સવ ઉજવવા પૂનામાં જાહેર મુલાકાતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં આને ‘ગપ્પા’તરીકે ઓળખવામાં આવે છે અને ગપ્પા માત્ર રાજકારણીઓ સાથે નથી યોજવામાં આવતા, સાહિત્યકારો, કલાકારો અને રમતવીરો સાથે પણ ગપ્પાના કાર્યક્રમ યોજવાની પરંપરા છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો તેને સાંભળવા ઉપસ્થિત રહે છે. એમાં આ તો શરદ પવાર. મહારાષ્ટ્રના સર્વોચ્ચ નેતા. વળી તકવાદી તરીકે ઓળખાતા હોવા છતાં પણ મહારાષ્ટ્રમાં આદરણીય.
ગપ્પાનું સંચાલન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા રાજ ઠાકરે કરવાના હતા, જેઓ સંભાષણ કલા અને વાક્ચાતુર્ય માટે ખ્યાતિ ધરાવે છે. પૂનામાં ખુલ્લા મેદાનમાં યોજવામાં આવેલા ગપ્પામાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત હતાં. રાજ ઠાકરેએ પવારને સવાલ પૂછ્યો હતો કે તમે રાજકારણના ખેલાડી હોવાની ખ્યાતિ ધરાવો છો. અવિશ્વસનીય અને વિશ્વાસઘાત કર્યો હોવાના પણ તમારા ઉપર આરોપ છે અને છતાંય પક્ષાપક્ષીથી ઉપર ઊઠીને દેશની સમગ્ર રાજકીય જમાતમાં તમે આદરણીય ગણાઓ છો તો એનું શું રહસ્ય?
શરદ પવારે જે જવાબ આપ્યો હતો એ દરેક રાજકારણી માટે ગુરુમંત્ર સમાન છે. તેમણે કહ્યું હતું કે જાહેરજીવનમાં કેટલું બોલવું, ક્યાં બોલવું, કેમ બોલવું અને ક્યાં થોભવું એનું ભાન હોવું જોઈએ. ત્યારે લોકોને એમ લાગ્યું હતું કે પવારે આ જવાબ રાજ ઠાકરેને ઉદ્દેશીને આપ્યો હતો. ટોણો માર્યો હતો. એ રાજ ઠાકરે માટેની શિખામણ હતી. લોકોનું અનુમાન ખોટું નહોતું, પણ એ શિખામણ આજે તો દેશના સર્વોચ્ચ કક્ષાના નેતાઓને પણ લાગુ પડે છે. શરદ પવારે એ મુલાકાતમાં એમ પણ કહ્યું હતું કે ભારતમાં રાજકીય નેતા, નેતા હોવા છતાંય ચોવીસ કલાકનો રાજકીય કાર્યકર હોય છે. લોકોની વચ્ચે ઊભા તો રહેવું જ પડે, પછી ભલે તમે ચમરબંધી હો અને ઉપસ્થિત રહેવા સિવાય કાંઈ ન કરવાના હોય.
આ બન્ને સલાહ દરેક રાજકારણી માટેની હોવા છતાં રાજ ઠાકરે માટે વધુ છે. તેમને કેટલું બોલવું, ક્યાં બોલવું, કેમ બોલવું અને ક્યાં થોભવું એનું ભાન નથી. આ સિવાય તેઓ મહેનત કરવામાં અને લોકોની વચ્ચે ઉપસ્થિત રહેવામાં પાછા પડે છે. ચૂંટણી ટાણે દેખા દે અને પછી ગાયબ થઈ જાય. લોકો વિધાનસભાની ચૂંટણી યોજાવાની હતી.
બાળ ઠાકરેનું હજુ તરતમાં અવસાન થયું હતું અને લોકોનું અને રાજકીય નિરીક્ષકોનું અનુમાન એવું હતું કે ધીરે ધીરે ઉદ્ધવ ઠાકરે કરતાં રાજ ઠાકરે લાંબી રેખા ખેંચી લેશે. તેઓ આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે અને બહુ સારા વક્તા છે. તેમણે શિવસેનામાંથી બહાર નીકળીને પક્ષનું નામ પણ સર્વસમાવેશક ‘મહારાષ્ટ્ર નવનિર્માણ સેના’રાખ્યું હતું. રાજ ઠાકરે લાંબી રેસનો ઘોડો છે એવું સર્ટીફીકેટ ખુદ શરદ પવારે ત્યારે (૨૦૦૮-૯) આપ્યું હતું. આવી જ ગણતરીના ભાગરૂપે બાળ ઠાકરેની અનુપસ્થિતિમાં બીજેપીએ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને દીવાલ સરસા ધકેલવાની અને શિવસેનાને અપમાનિત કરવાની ચેષ્ટા કરી હતી. ત્યારે એમ માનવામાં આવતું હતું કે બીજેપી રાજ ઠાકરે સાથે રાજકીય સમજૂતી કરશે.
રાજ ઠાકરે મહારાષ્ટ્રમાં એક દિવસ ઉવેખી ન શકાય એવા કદાવર નેતા સાબિત થશે એમ માનીને ત્યારે, ૨૦૧૪ ની સાલમાં, રાજદીપ સરદેસાઈ, અર્નબ ગોસ્વામી અને એવા બીજા સિનિયર પત્રકારો તેમની મુલાકાત લેવા ગયા હતા. એ મુલાકાતોમાં તેમણે દેશના સિનિયર પત્રકારોનું અપમાન કર્યું હતું, તેમની સાથે તોછડાઈપૂર્વક વાત કરી હતી, તેમને તુકારે સંબોધ્યા હતા, ડરાવ્યા-ધમકાવ્યા હતા. તેઓ એમ બતાવવા માગતા હતા કે બાળ ઠાકરેના તેઓ વારસ છે અને કોઈના બાપની તેઓ સાડીબાર રાખતા નથી. એ પછીથી આજ સુધી એક પણ સિનિયર પત્રકાર તેમની મુલાકાત લેવા જતો નથી. મરાઠી પણ નહીં. અત્યારે તેમને વાત કરવી છે, પણ બેવકૂફ શ્રોતાઓ સિવાય સાંભળનાર કોઈ નથી.
બાળ ઠાકરે હોવું એટલે શું એ રાજ ઠાકરે સમજી જ શક્યા નથી, પણ તેમના પિત્રાઈ ભાઈ અને બાળ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરે સમજી ગયા છે. બાળ ઠાકરે કોઈકના ઇશારે (કોંગ્રેસ) રાજકારણ કરતા હતા અને એમાં પોતાની નાનકડી રાજકીય જગ્યા બનાવતા હતા. બાળ ઠાકરે બહુ મોટી રાજકીય મહત્ત્વાકાંક્ષા ધરાવતા નહોતા. તેઓ જેના માટે અને જેને ઇશારે બોલતા હતા તેમની પાસેથી લક્ષ્મણરેખા સમજી લેતા હતા અને એ લક્ષ્મણરેખા ક્યારેય ઓળંગતા નહોતા. ક્યાં બોલવું, કેટલું બોલવું, કેમ બોલવું અને ક્યાં થોભવું તેનું તેમને ભાન હતું. અલબત્ત જેના માટે બોલતા હોય તેના નિર્દેશન મુજબ.
એમાં ૧૯૮૫ પછીથી રાજકીય સ્થિતિ બદલાવા લાગી. હિંદુઓની અંદર ધીરે ધીરે કોંગ્રેસ માટે અભાવ પેદા થવા લાગ્યો. સેક્યુલર કોંગ્રેસ હિંદુવિરોધી છે અથવા હિંદુઓને પોતાની જાગીર સમજે છે, મુસલમાનોના લાડ લડાવે છે, મુસલમાનોથી ડરે છે, પરિણામે મુસલમાનો દાદાગીરી કરે છે વગેરે ભાવના હિંદુઓના મનમાં જાગવા લાગી. હિંદુઓનો બદલાતો મૂડ સૌથી પહેલાં બાળ ઠાકરેએ પારખ્યો હતો એમ બીજેપીના નેતા પ્રમોદ મહાજને ત્યારે કહ્યું હતું. એ પછી બાળ ઠાકરેએ દિશા બદલી અને કોંગ્રેસની વિરુદ્ધ જઇને બીજેપી સાથે દોસ્તી કરી. આનું પરિણામ એ આવ્યું કે હિંદુજુવાળમાં કોઈ પણ પ્રકારની મહેનત કર્યા વિના શિવસેના મહારાષ્ટ્રમાં શક્તિશાળી બની ગઈ. બીજાના ઓજાર તરીકે કામ કરનારા બાળ ઠાકરે સ્વતંત્ર થઈ ગયા. એમાં તેમની કોઈ મહેનત નહોતી, માત્ર સમયનો ખેલ હતો. હા, સમય તેમણે પારખી લીધો હતો એ કબૂલ કરવું જોઈએ.
૧૯૮૫ પછી બીજી આવી પળ ૨૦૧૪ માં આવી. ૧૯૮૫ પછી કોંગ્રેસની છાવણી છોડવાની ઘડી હતી તો ૨૦૧૪ માં બીજેપીની છાવણી છોડવાની ઘડી હતી. બીજેપીને એમ લાગ્યું હતું કે હવે મહારાષ્ટ્રમાં શિવસેનાની કાંખઘોડીની કોઈ જરૂર નથી. બીજેપીના નેતાઓને ત્યારે એમ લાગ્યું હતું કે બાળ ઠાકરેની અનુપસ્થિતિમાં શિવસેનાને ગ્રસી શકાય એમ છે. નરેન્દ્ર મોદી જેવા સવાયા રાષ્ટ્રીય નેતા છે ત્યારે શિવસેનાનું હિન્દુત્વ એમાં અલોપ થઈ જશે. તેમની ગણતરી ખોટી નહોતી, પણ વધારે સાચી ગણતરી બાળ ઠાકરેના ચિરંજીવ ઉદ્ધવ ઠાકરેની હતી. ૧૯૮૫ પછીનાં વર્ષોમાં જેમ બાળ ઠાકરેને સમજાઈ ગયું હતું કે હવે કોંગ્રેસની આંગળી છોડવાની ઘડી આવી ગઈ છે એમ જ ૨૦૧૪ પછી ઉદ્ધવ ઠાકરેને સમજાઈ ગયું હતું કે હવે બીજેપીની આંગળી છોડવાની ઘડી આવી ગઈ છે. અજગર ગ્રસી જાય એ પહેલાં ચાલતાં થવું જોઈએ.
આ બાળ ઠાકરેનું હોવાપણું છે, જે ઉદ્ધવ ઠાકરે સમજી શક્યા અને આજે મુખ્ય પ્રધાનપદ સુધી પહોંચી શક્યા, પણ રાજ ઠાકરે સમજી શક્યા નથી. તેઓ પૂર્વાશ્રમના બાળ ઠાકરેની નકલ કરી રહ્યા છે જે કોઈક માટે કામ કરતા હતા અને ટૂંકી મૂડીથી રાજી રહેતા હતા. તેઓ મહેનત નહોતા કરતા, માત્ર હુંકાર કરતા હતા અને એ પણ બીજાના કહેવાથી અને બીજા કહે એટલો જ. રાજ ઠાકરે આજે આ જ કરી રહ્યા છે. ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી વખતે તેઓ નરેન્દ્ર મોદી વિરુદ્ધ પ્રભાવી પ્રચાર કરીને શરદ પવાર માટે કામ કરતા હતા.
તેમની ગણતરી એવી હતી કે બીજેપીની સંખ્યામાં ઘટાડો થશે અને મહારાષ્ટ્રમાં બીજેપીવિરોધી મોરચામાં પ્રવેશીને થોડી રાજકીય જગ્યા રળવા મળશે. તેમની ગણતરી ખોટી પડી અને આજે હવે મુંડી નીચી કરીને બીજેપી માટે કામ કરવું પડે છે. બેફામ બોલીને, હોંકારાપડકારા કરીને તેઓ બીજેપી માટે કામ કરી રહ્યા છે. સ્વતંત્ર થવા માટે જે હામ જોઈએ, જે મહેનત જોઈએ, સમયને પારખવાની શક્તિ જોઈએ, કાર્યકર્તાઓની વચ્ચે રહેવું જોઈએ, ચોવીસે કલાક લોકોની નજરે પડતા રહેવું જોઈએ, શું બોલવું, કેટલું બોલવું, કેમ બોલવું અને ક્યાં અટકવું એની સમજ જોઈએ વગેરે ગુણ રાજ ઠાકરે નથી ધરાવતા. શરદ પવારે એ શિખામણ ભલે સાર્વજનિક આપી હોય, પણ એ શિખામણ રાજ ઠાકરેને સંપૂર્ણપણે લાગુ પડે છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.