જયારથી મેડીકલ ઇન્સ્યોરન્સની બોલબાલા વધી છે ત્યારથી કહો કે તે પહેલાથી દવા – સારવાર બેફામ ખર્ચાવાળા બન્યા છે. પ્રાઇવેટ ડોકટરો પોતાના કન્સ્લ્ટીંગની ઊંચી ફી અને પોતાના જ મેડીકલ સ્ટોરમાં મળે તેવી દવાઓ લખાવાને કારણે દર્દી અને તેના સગાની હાલત કરવતથી કપાતા લાકડા જેવી થઇ ગઇ છે.મોંઘી કન્સલ્ટીંગ રૂમના ડોકટરો જેનરીક દવા કે સરકારી હોસ્પિટલના ઇન્વેસ્ટીગેશનના રીપોર્ટોને માન્ય ગણતા નથી!! અને તેઓનું તેમ કરવાનું કારણ સ્પષ્ટ છે કે, તેમના કનેકશન અને કમિશનવાળી મેડીકલ સ્ટોર, લેબોરેટરી અને ડાયગ્નોસ્ટીક સેન્ટર સાથેના સંબંધોનાં રીપોર્ટસને તેઓ માન્યતા આપે છે. જેનરીક દવા – સરકારી કે ટ્રસ્ટની હોસ્પિટલના રીપોર્ટ માન્ય ન કરતા ડોકટરોને બ્લેક લીસ્ટમાં લાવવા જોઇએ.
આવા ડોકટરોનું ગઠબંધન મેડિકલ રીપ્રેઝન્ટેટીવથી જોડાઇને કુા. અને સુધીના આકરા કમિશન કે વિદેશ પ્રવાસ (સપરિવાર) વાર્ષિક રીતે ગોઠવાતા હોય છે. ડોકટરો પોતે ખર્ચેલ માતબર રકમ ખૂબ જ ઝડપથી દર્દીઓ પાસેથી વસૂલી લેવાની ફિકરમાં રહે છે. ટ્રસ્ટની હોસ્પિટલો દાતાશ્રીઓના સથવારે ચાલતી હોવાથી તેમાં રાહત મળે છે. અને જરૂર જણાય તો મોટાભાગે માફી સુધીની વ્યવસ્થા હોય છે, પણ પ્રાઇવેટ ડોકટરો કે હોસ્પિટલમાં એવું કશું હોતુ નથી. પહેલા બીલ ભરો પછી જાવની કડક નીતિ હોય છે. વળી, દવાની પટ્ટી કે બોક્ષ પર પણ તેનો ભાવ છાપવા સંબંધે કોઇ નીતિનિયમ નથી. બેફામ ભાવ છાપી ૧૫-૨૦ ટકા ડિસ્કાઉન્ટ જાહેર કરી બાકીના ત્રીસથી વધુ ટકા ઉસેટી લેવાના પ્રયોગો થાય છે.
ડોકટર એસોસીએશન, મેડીકલ સ્ટોર એસોસીએશન, એજન્સીઓના એસોસીએશન માનવતા દાખવે તેમના સભ્યોને માપમાં રહી સેવારૂપી ધર્મ બજાવે તેવી આકરી રીતે ટકોર કરે, ભારતનું સ્વાસ્થ્ય મંત્રાલય અને આપણુ સાંભળતા એક માત્ર વડાપ્રધાનશ્રી આ બાબતે જાગૃત થાય, સરકારી રીપોર્ટ કે જેનેરીક દવાની અવગણના કરતા ડોકટરોનો પર્દાફાશની યોજના ઘડી કાઢે. ફેમીલી ફિઝીશ્યન, ફેમીલી ડોકટર જેવા શબ્દોની એક સમયની બોલબાલા અને ડોકટર તરફની ઇજજત ખૂબ નીચી ગઇ છે, તે ઉજાગર કરવામાં સરકાર અને મેડિકલ પ્રોફેશન સાથે સંકળાયેલ તમામ ડોકટરો, સ્ટાફ, મેડીકલ સ્ટોર, અને ફાર્મસી જાગૃત થાય તે સમયની માંગ છે.
સુરત – પરેશ ભાટિયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.