National

કાબુલ એરપોર્ટ નજીક ભેગી થયેલી ભીડમાં ભાગદોડ મચતા સાતનાં મોત

તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ સર્જાયેલી અફરા-તફરી વચ્ચે કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક ભેગી થયેલી ભીડમાં સામેલ સાત અફઘાન નાગરિકોનાં મોત થયા હતા. તાલિબાનથી બચીને દેશ છોડવા માંગતા લોકો માટે હજુ પણ જોખમ છે. એમ બ્રિટિશ આર્મીએ માહિતી આપી હતી. આ પહેલા કાબૂલ એરપોર્ટ પર સાતેક નાગરિકોના મોત થઇ ચુક્યા છે ત્યારબાદ આજે આ નવી ઘટના છે. અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટ જૂથ સાથે સંકળાયેલા એક નવા જોખમ તરીકે આ મોત થયા હતા. જેમાં અમેરિકી લશ્કરી વિમાનો તાલિબાન લડવૈયાઓથી ઘેરાયેલા એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

બ્રિટીશ સૈન્યે રવિવારે કાબુલમાં ભીડમાં સાત નાગરિકોનાં મૃત્યુની પુષ્ટિ કરી હતી. જે ભીડમાં નાસભાગ અને ઇજાઓનાં કારણે થઈ હતી. તાલિબાનો દેશમાંથી કોઈપણ ફ્લાઇટમાં જવા માંગતા લોકોને ભગાડવા માટે હવામાં ફાયરિંગ કરે છે જેના કારણે લોકોમાં ભય ફેલાય છે. બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ત્યાંની સ્થિતિ ખૂબ જ પડકારજનક છે. પરંતુ, અમે પરિસ્થિતિને શક્ય તેટલી સુરક્ષિત રીતે સંભાળવા માટે શક્ય એટલા પ્રયાસ કરી રહ્યા છીએ.

અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાનના શાસનથી બચવાના પ્રયાસમાં હજારો લોકો એરપોર્ટ પર એકઠા થયા હતા. અમેરિકી દૂતાવાસે શનિવારે એક નવી સુરક્ષા ચેતવણી જારી કરતાં નાગરિકોએ અમેરિકી સરકારના પ્રતિનિધિની વ્યક્તિગત સૂચના વિના કાબુલ એરપોર્ટ પર મુસાફરી ન કરવા જણાવ્યું હતું. અધિકારીઓએ આઇએસના ખતરા વિશે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો પરંતુ તેને નોંધપાત્ર ગણાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં તાલિબાન સામે લડનારા આતંકવાદીઓ દ્વારા હજુ સુધી કોઈ હુમલાની પુષ્ટિ થઈ નથી.

તાલિબાનની માર્ગદર્શક પરિષદના પ્રમુખ અમીર ખાન મોતકીએ રવિવારે ઓનલાઇન પોસ્ટ કરેલી ઑડિયો ક્લિપમાં એરપોર્ટ પરની સ્થિતિ અંગે અમેરિકાની ટીકા કરી હતી. તેમણે યુએસની ક્રિયાઓને ‘જુલમ’ ગણાવી હતી. તેમણે કહ્યું કે, સંપૂર્ણ અફઘાનિસ્તાન સુરક્ષિત છે, પરંતુ અમેરિકનો દ્વારા સંચાલિત એરપોર્ટમાં અરાજકતા ફેલાઈ છે. શનિવારે મોડી રાત્રે એક ઈરાની સરકારી ટેલિવિઝન ચેનલ સાથે વિડીયો કોલમાં બોલતા તાલિબાન પ્રવક્તા મોહમ્મદ નઈમે અમેરિકાને એરપોર્ટ પર થયેલા મોત માટે દોષી ઠેરવ્યું હતું.

Most Popular

To Top