SURAT

SIRમાં BLOની કામગીરી સામે કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષના નેતાના ગંભીર આક્ષેપ

આમ આદમી પાર્ટીના નેતા અને કામરેજ તા.પં.વિરોધ પક્ષ નેતા જે.ડી.કથિરિયાએ S.I.R. મુદ્દે ચાલી રહેલી ધાંધલી બાબતે તંત્રને આડેહાથ લીધું હતું. જે.ડી. કથીરિયાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો મુકી ગંભીર આક્ષેપો કર્યા છે. ભાજપની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે.

  • BLO ડોર ટુ ડોર જઈ માત્ર ફોર્મ વહેંચે છે, લોકોને સમજણ આપતા નથીઃ જે.ડી. કથીરિયા
  • ખૂબ મોટા પ્રમાણમાં મતદારો ડિલીટ થવાની આશંકા સાથે કથીરિયાએ ભાજપની ભૂમિકા સામે સવાલ ઉઠાવ્યા

જે.ડી.કથિરીયાએ જણાવ્યું હતું કે, S.I.R. પ્રક્રિયા ચાલી રહી છે જ્યાં મતદાન મથકે તમામ BLO બેસે છે અને સાથે સાથે સ્કૂલ પણ ચાલી રહી છે. એટલે કે, બાળકોનું ભણવાનું પણ ચાલી રહ્યું છે, જે બંને પ્રક્રિયા એકસાથે કોઈ દિવસ ના થાય.

બીજું કે, સરકાર અને ચૂંટણી પંચ દ્વારા જે ગાઈડલાઇન અપાઈ છે એ મુજબ દરેક BLO એ ડોર ટુ ડોર જઈ તમામ લોકોને સમજાવવામાં આવે અને એમના ફોર્મ ભરવામાં આવે. પરંતુ એમાનું કંઈ થતું નથી. BLO શેરી મહોલ્લા કે સોસાયટીમાં આવીને ફક્ત ફોર્મ વિતરણનું કાર્ય કરી રહ્યા છે, લોકોને એમના તરફથી કોઈ સમજણ આપવામાં આવતી નથી. તેથી જે BLO ને કામગીરી સોંપી છે એમનાથી કામ પૂર્ણ થતું નથી.

મતદારોના નામ ડિલીટ થશેઃ કથીરિયા
જે.ડી.કથીરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રાંત અધિકારી, મામલતદાર અને ચૂંટણી અધિકારીને નમ્ર વિનંતી છે કે, જો આમ જ કામગીરી થશે તો ખૂબ મોટા પ્રમાણમાં મતદારો ડિલીટ થશે. અને અન્ય રાજકીય પાર્ટીઓ પણ આનો ભોગ બનશે. જે.ડી.કથીરીયાએ શંકા જતાવી હતી કે, આ તમામ પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટીનો હાથ હોય એવું લાગે છે. ભાજપ જ મતદારોના નામ ડિલીટ મરાવતી હોવાની આશંકા તેમણે જતાવી હતી. આ પ્રક્રિયા પારદર્શક થાય, દરેક મતદાતાઓને બંધારણીય હક મુજબ મતદાનનો અધિકાર મળે તેવી માંગ પણ કરી હતી.

S.I.R. ની કામગીરીમાં છબરડા બાબતે જે.ડી.કથીરીયાએ કહ્યું હતું કે, આ કામગીરી ગ્રામ્ય વિસ્તાર, મહાનગરપાલિકા અને તેને સંલગ્ન વિસ્તારોમાં ખૂબ મોટા પાયે ચાલી રહ્યું છે. અને મને શંકા છે કે ભાજપ મોટા પ્રમાણમાં અન્ય મતદાતાઓના નામ યેનકેન પ્રકારે મતદાર યાદીમાંથી કઢાવવા માંગે છે અને પોતાના મતદારોના નામો ચઢાવવા માંગે છે જેથી કોઈ પણ મતદાર છૂટે નહીં તેની કાળજી લેવા ચૂંટણી પંચને વિનંતી કરી હતી.

Most Popular

To Top