આણંદ : આણંદ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના નેતા કાંતિભાઈ સોઢા પરમારે સોમવારના રોજ ભાજપમાં સત્તાવાર જોડાતા ભારે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. લાંબા સમયથી કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં ભળી રહ્યા છે, તેમાં આણંદ જિલ્લો બાકાત હતો. જે કાંતિભાઈ જોડાતા તે પણ ચર્ચામાં આવી ગયાં છે. આણંદ વિધાનસભા બેઠક પર 2017થી 2022 સુધી ધારાસભ્ય રહી ચુકેલા કોંગ્રેસના કાંતિભાઈ સોઢા પરમાર સોમવારના રોજ એકાએક ભાજપમાં જોડાઇ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કેસરી ખેચ ધારણ કર્યો હતો.
આ પ્રસંગે કાંતિભાઈ સોઢા પરમારે કોંગ્રેસ પ્રત્યે બળાપો કાઢતા જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના દિલ્હી સ્થિત કોઇ નેતા ફરક્યાં નહતાં. કોંગ્રેસના દિલ્હીના નેતાઓને ગુજરાતની કોઇ પડી નથી. વિધાનસભા ચૂંટણીમાં કોઇ મોટો નેતા મદદ કરવા આવ્યો નહતો. આથી, કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવવાનો નિર્ણય લીધો હતો. હાલ કાંતિભાઈ સોઢા પરમારે ભાજપમાં રહી પક્ષ સોંપે તે કામગીરી કરવા બાહેંધી આપી છે. પક્ષ કોઇ જવાબદારી સોંપે તો નિષ્ઠાથી નિભાવવા જણાવ્યું હતું.