Surat Main

સુરતમાં 4 વર્ષના પુત્રને પોતાનાથી દૂર થતા જોઈને માતા બીજા માળેથી કાર ઉપર કુદી ગઈ

સુરત: (Surat) મોરા ભાગળ ખાતે પિયરમાં રહેવા આવેલી મહિલાનો પતિ, સાસુ અને દિયર તેના ચાર વર્ષના પુત્રને લઈ જવા આવ્યા હતા. પુત્રને પોતાનાથી દૂર જતો જોઈને માતા બીજા માળેથી તેમની કાર (Car) ઉપર કુદી પડતા ગંભીર હાલતમાં સ્મીમેરમાં ખસેડાઈ હતી. રાંદેર પોલીસે પતિ, સાસુ અને દિયરની સામે ફરિયાદ (Complaint) નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

  • મહિલા એક મહિનાથી પુત્રને લઈને વડોદરાથી સુરત મોરાભાગળ પિયર આવી ગઈ હતી
  • લગ્નના એક વર્ષ બાદ પતિ, સાસુ અને દિયર ત્રાસ આપતા
  • પતિ ફોન ઉપર બીજી ફ્રેન્ડ સાથે વાતો કરતો હતો

રાંદેર મોરાભાગળ ખાતે પારસ એપાર્ટમેન્ટમાં રહેતી 30 વર્ષીય મયુરીબેનના વર્ષ 2014 માં વડોદરા વાઘોડીયા રોડ પર રિદ્ધી ટાવરમાં રહેતા સિદ્ધાર્થ આહિરે સાથે લગ્ન (Marriage) થયા હતા. સિદ્ધાર્થ હોસ્પિટલની મશીનરી રિપેરીંગ કરવાનું કામ કરે છે. તેમને સંતાનમાં એક ચાર વર્ષનો પુત્ર છે. લગ્નના એક વર્ષ બાદથી પતિ, સાસુ સંગમિત્રા અને દિયર પ્રસન્નજીતે મહેણાં ટોણા મારી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મયુરીબેન સાસુના ત્રાસ બાબતે પતિને કહેતા પતિએ તારે સહન કરવું પડશે કહીને સારો વ્યવહાર નહીં રાખી એકવાર મારઝુડ કરી હતી. દિયર છેલ્લા નવ માસથી મ્હેણાટોણાં મારી માનસિક ત્રાસ આપતો હતો. અને છેલ્લા છ માસથી મયુરીબેન સાથે બોલવાનુ ઓછુ કરી દીધું હતું.

મયુરીબેનના પિયરને ફોન કરી પિયરમાં આવી મયુરીબેનના માતા પિતા સાથે પણ ઝઘડો કર્યો હતો. એકાદ મહિના પહેલા મયુરીબેનને તેમના માતા-પિતા સુરત પોતાના ઘરે લઈ આવ્યા હતા. દરમિયાન ગઈકાલે મયુરીબેનનો પતિ, સાસુ તથા દિયર મયુરીબેનના પિયર સુરત આવ્યા હતા. અને તેમના ચાર વર્ષના પુત્રને મયુરીબેનની નજર સામે કારમાં બેસાડીને લઈ જવા નીકળ્યા હતા. ત્યારે પુત્રને પોતાનાથી દૂર થતા જોઈને મયુરીબેન બીજા માળેથી તેમની કાર ઉપર કુદી ગયા હતા. તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં એમઆરઆઈ બાદ તેમને પગ અને કમરમાં ફેક્ચર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મયુરીબેનના નિવેદન લઈને પતિ, સાસુ અને દિયરની સામે ફરિયાદ દાખલ કરી હતી.

Most Popular

To Top