Columns

જીવનમાં દરેક સુખ-દુ:ખને સાક્ષીભાવથી જોવાથી મનને કષ્ટ નથી થતું

સત્ય અને ધર્મના ઉપદેશક, વાણી અને ચમત્કારોથી લોકોના દુ:ખદર્દોનું નિવારણ કરનારા, શ્રી ચંદ્ર ભગવાન શ્રી ચંદ – ચંદ્રજી મહારાજના નામથી જાણીતા એવા શ્રી ચંદજીની ભાદરવા સુદ નોમના દિને જન્મજયંતી છે. દરેક સુખ-દુ:ખને સાક્ષી ભાવથી જોવા જોઇએ અને તેમાં લિપ્ત નહીં બનતા તે પ્રત્યે ઉદાસીન ભાવ રાખવાથી મનને દુ:ખ કે કષ્ટ નથી થતું. એવો બોધ આપનાર શ્રી ચંદજી ઉદાસીન સંપ્રદાયના પુન:પ્રવર્તક તરીકે જાણીતા છે તેમને ઉદાસીનાચાર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રી ચંદજી મહારાજ સંવત 1551માં ભાદરવા સુદ નોમને દિવસે તલવંડી નામના ગામમાં ક્ષત્રિયકુલભૂષણ નાનક દેવજીની ધર્મપત્ની સુલક્ષણા દેવીની કુખેથી અવતર્યા હતા…

તલવંડી ગામ હાલના પાકિસ્તાનના લાહોરથી નજીક આવ્યું છે અને હવે તે નાનકાના (સાહેબ) નામથી ઓળખાય છે. શીખ ગુરુ નાનક દેવજીના આ પનોતા પુત્ર અવતર્યા ત્યારે તેનો દેહ ભસ્મથી આચ્છાદિત હતો. કાનોમાં માંસના કુંડળ હોવાથી તેમને શિવનો અવતાર પણ લોકો માને છે. જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ અવનવા અદ્‌ભુત ચમત્કારો બનાવતા જોઇને અને સાંભળીને લોકોને વિશ્વાસ જાગ્યો કે નકકી આ કોઇ અલૌકિક મહાપુરુષ છે જે ધરતી પરના દુ:ખી જીવોના ઉદ્ધાર માટે અવતર્યા છે.

યજ્ઞોપવિત સંસ્કાર બાદ તેમને વિદ્યાભ્યાસ માટે કાશ્મીર મોકલવામાં આવ્યા તેમણે નાની વયમાં અને થોડા સમયમાં જ વેદ-વેદાંગોનો વિધિવત અભ્યાસ કર્યો. સર્વશાસ્ત્રોમાં નિપુણ બન્યા. પચ્ચીસેક વર્ષની વયે કાશ્મીરમાં અષાઢી પૂનમે તેમના સદ્‌ગુરુ સ્વામી અવિનાશીરામજી પાસેથી ઉદાસીન સંપ્રદાય અનુસાર દીક્ષા લીધી. થોડો સમય ગુરુદેવની સેવામાં રહ્યા બાદ ધર્મોદ્વાર માટે ભારત ભ્રમણ માટે નીકળી પડયા. સિંધ, અફઘાનિસ્તાન – કાબુલ, કંદહાર, બ્લુચિસ્તાન, તિબેટ, ગુજરાત, જગન્નાથપુરી, કટક, ગયાજી સહિત દેશભરમાં ભ્રમણ કરી સાધુ – સંતોની સંગત – સત્સંગ કર્યા. ભારતભ્રમણ દરમ્યાન તીર્થોમાં ફરીને પોતાના ઉપદેશો દ્વારા ધાર્મિક જગતમાં એક નવીન જાગૃતિ ફેલાવી.

અનેક દીન-દુખિયા, પાપી જીવોનો ઉદ્ધાર કર્યો. કાશ્મીર પરત ફર્યા બાદ વેદ ભાષ્યોની રચના કરી તેમણે જોયું કે પેશાવર – કાબુલ જેવા પ્રદેશોમાં વિધર્મી શાસકોના દબાણથી – હિંદુઓનું જીવન સંકટમય હતું એવા અનેક સ્થળોએ પોતાની યોગ શકિતના પ્રભાવથી હિંદુઓની રક્ષા કરી. જયાં જયાં તેમણે હિંદુઓની રક્ષા કરી ત્યાં તેમની સ્મૃતિમાં સ્મારકો બન્યા છે. સિંધમાં વિધર્મી રાજાના આતંક વિશે સાંભળતા શ્રી ચંદજી ત્યાં પહોંચ્યા અને યોગબળથી ત્યાંના રાજાને પરાસ્ત કરી. હિંદુઓને ધાર્મિક આઝાદી અપાવી.

રાજા જહાંગીરને પણ પોતાની યોગશકિતનો પરચો બતાવી પ્રભાવિત કર્યા હતા. અનેક નવાબો હિંદુ રાજાઓ તેમને મળવા આવતા. તેમના યોગબળથી પ્રભાવિત વિધર્મી લોકો શ્રી ચંદજીને પીર માનતા. હિંદુઓના રક્ષણાર્થે લોકહિતમાં અસંખ્ય ચમત્કારો બતાવ્યા. જેથી તેમની કીર્તિ દૂર દૂર સુધી ફેલાઇ – શ્રી ચંદજીની અલૌકિક લીલાઓ એટલી બધી છે કે તેમના સંપ્રદાયમાં તથા પંજાબ – સિંધ વગેરે પ્રદેશોમાં લગભગ ઘેર – ઘેર જાણીતી બની. શ્રીચંદજીના જીવનની અનેક ઘટનાઓ, લીલાઓ `અને ઉપદેશોનો શ્રી ચન્દ્રપ્રકાશ, ઉદાસીન ધર્મ રત્નાકર, ઉદાસીન મંજરી, પ્રભુતિ, જેવા વિગતે ઉલ્લેખ છે.

ઉદાસીન સંપ્રદાય અને તેની પરંપરાઓના પ્રચાર દ્વારા સનાતન ધર્મનો દિગ્વિજય કરતા. તેે 150 વર્ષ સુધી ધરતી પર રહ્યા. તેઓ યોગબળથી સદા યુવાન જ રહ્યા. નિર્વાણ કાળ નજીક આવતા શ્રીચંદજી ચમ્બાની પર્વતીય ગુફાઓમાં જ અલોપ થઇ ગયા. છઠ્ઠી, વાર હઠ, શ્રીનગર, કંદહાર અને પેશાવર આ પાંચ શ્રીચંદજીના મુખ્ય સ્થાન હતા. શ્રી ચંદજીએ શીખોના છઠ્ઠા ગુરુ હરગોવિંદજીના મોટા પુત્ર બાબા ગુરુદિત્તાને ઉત્તરાધિકારી બનાવ્યા હતા. જો કે શ્રીચંદજી બાદ તેમના અનેક શિષ્ય પણ મોટા મોટા સિદ્ધ – સંત બન્યા. ઉદાસીન સંપ્રદાયની સાથે સાથે ઉદાસીન અખાડા પણ છે જે કુંભ મેળામાં સામેલ થાય છે.
હરિદ્વારમાં ગુરુ મંડલ – આશ્રમ અને તેનું સૂરત ખાતેનું મંદિર પણ ઉદાસીન સંપ્રદાય સાથે જોડાયેલ છે. ભરૂચ નજીકના અંગારેશ્વરમાં પણ મનીષા નંદજી આ સંપ્રદાય સાથે જોડાયેલા હોવાની માહિતી છે.

Most Popular

To Top